ઉત્સવ

ઘરથી દૂર ઘર હમ તો સફર કરતે હૈં…

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ:
ડ્રેસ ને એડ્રેસ વારેવારે ના બદલાય. (છેલવાણી )
ઘર એટલે માણસની દિશાઓનો સરવાળો. ચાર દીવાલો, બે બારી, એક બારણું ને એક છત. ભીંતની ભેંકાર ભાષા, બારીઓનાં બોખાં હાસ્ય અને આંખો પર ઊપસેલા ઊજાગરા જેવો ઉંબરો.
ઘર અમીરનું વર્ચસ્વ ને ગરીબનું સર્વસ્વ હોય છે…પણ એક બેઘરની તલાશમાં, ક્યાંક આશ્રિત માણસના અજંપામાં કે માથે છાપરા વિનાનાં માણસની રઝળપાટમાં, ઘર- અશ્રુભીનાં સપનાનું સરનામું હોય છે. આવા ખભે સામાન લઇને ફરતા બેઘર માણસ માટે ઉર્દૂમાં સુંદર શબ્દ છે: ખાનાબદોશ !

હમણાં જર્મનીનો લેસ્સે સ્ટોલી, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગનું ભણ્યાં પછી પોતાનાં ભાવિ વિશે બેખબર હતો. એવામાં લેસ્સે કોઇ રખડું વિશેની ડોક્યુમેન્ટરી જોઈ, જે વરસો સુધી માત્ર ટ્રેનમાં જ રહેતો! એટલે લેસ્સે પણ ૨ વરસ ટ્રેનોમાં જ રહીને આસપાસની દુનિયા જોવાનું નક્કી કર્યું. અનલિમિટેડ મુસાફરી થાય એવું યુરો-રેલનું કાર્ડ ખરીદીને ૧૭ વર્ષના લેસ્સે અત્યાર સુધી ટ્રેનમાં ૬૫૦,૦૦૦ કિમીની મુસાફરીમાં ૬,૭૦૦ કલાક જેટલો સમય વિતાવ્યો છે. આ અંતર પૃથ્વીની આસપાસ ૧૫ વાર ચક્કર મારવા જેટલું થાય! લેસ્સ તો બસ ટ્રેનમાં ફરતો રહ્યો અને સરકતાં દૃશ્યોમાં જીવન જોતો રહ્યો!

ઓફ કોર્સ, ઘરેથી થેપલાં, ગોળ-પાપડી ને છૂંદો લઇને ટ્રેનમાં સંભાળીને જનારાં બાબા-બેબીઓને આ મનમૌજીની સફર અજીબ લાગશે.

શરૂઆતમાં લેસ્સ, માત્ર ૧ બેગ સાથે દિવસે ટ્રેનમાં ફરતો પણ રાતે કોઇ અજાણયાં સ્ટેશન પર સૂઇ જતો. યુરો-રેલવેનાં પાસધારકોને સ્ટેશન પર મફતમાં જે પિત્ઝા-સૂપ મળે એને ખાઈ લેતો. પછી લેસ્સ એર-બેડ ખરીદીને માલ-સામાનના ડબ્બામાં સૂવા લાગ્યો. ધીમે ધીમે એણે ટ્રેનમાંથી ઓનલાઇન બિઝનેસમાં થોડી કમાણી કરી અને ફર્સ્ટ-ક્લાસનો પાસ ખરીદ્યો, જેથી ટ્રેનમાં જ સૂઈ શકે. ખબર નથી એ કઇ રીતે નહાતો હશે? કપડાં ક્યાં સૂકવતો હશે?

જો કે, આવી વિચિત્ર પ્રલંબ રેલ- યાત્રાઓ દરમિયાન ‘ઉક’ નામના સ્ટેશન પર કોઇ છોકરીને મળ્યો ને એને પ્રેમ પણ થઈ ગયો! છતાં લેસ્સ , હજી ૫ વરસ રેલ-સફરમાં ઘર-ઘર રમવા ઈચ્છે છે!
ઇંટરવલ:
દર-ઓ-દિવાર પે હસરત સે નઝર કરતે હૈં,
ખુશ રહો એહલએ વતન, હમ તો સફર કરતે હૈં. (વાજીદઅલી શાહ)
૧૯૭૦-૮૦માં દેશ ગૌતમ નામનો છોકરો ફિલ્મોમાં કલા-નિર્દેશક કે સેટ-ડિઝાઇનર બનવા મુંબઇ આવેલો. કોઇ નક્કી આવક કે પૈસા નહીં, માથે છત નહીં, પણ દોસ્તોને રોજ કહેતો: હું તો રોજ રાતે ૧૫૦૦ સ્કવે.ફીટના મોટા એ.સી. બેડરૂમમાં સૂવું છું ! મિત્રો થતું કે એ મજાક કરે છે, પણ પછી દેશ ગૌતમ , એકવાર રૂવાડાં ઊભા કરતું રહસ્ય છતું કર્યું કે એક ઓળખાણથી મુંબઇની સાયન સરકારી હોસ્પિટલનાં મોર્ગ -શબઘરમાં અનેક ઠંડીગાર લાશો વચ્ચે એ રોજે રાત્રે એ છેલ્લાં ૫ વરસથી સૂવે છે!

વર્ષો પછી સફળ આર્ટ-ડિરેક્ટર અને નિર્દેશક બનેલા દેશ ગૌતમ કહેતા: ‘ત્યારે મને બેરહેમ મુંબઇનાં જીવતા માણસો કરતાં શબઘરમાંનાં મરેલાં માણસો વચ્ચે ખૂબ શાંતિ મળતી ને ઉંઘ આવી જાતી! ’ લાશો વચ્ચે ઘર બનાવનાર- ઘરવિહોણાં યુવાનનું આ વિધાન, મુંબઇ જેવા મહાનગર માટે કેટકેટલું કહી દે છે.

આવા તો ઘણાં લોકો ઘરથી દૂર ખભે ઘર લઇને જીવતર જીવી નાખે છે. પેલા લેસ્સની જેમ જ છેક ૨૦૧૫ સુધી દિલ્હીમાં જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના કેમ્પસમાં વરસો સુધી એક ફકીર જેવો કવિ ફર્યા કરતા. એમની અજીબ દાસ્તાન આજે ફરી યાદ આવે છે. રહેવા માટે કે સામાન રાખવાની જગ્યા પણ નહોતી છતાં એ કેમ્પસની શાન હતા! રામશંકર ઉર્ફ ‘વિદ્રોહી’ હિંદીનાં ક્રાંતિકારી કવિ
વિદ્રોહીજી સત્તા, સરકાર ને સમાજ સામે લડવા કેમ્પસમાંનાં ધાબા પર પોતાનાં જલદ ક્રાંતિકારી ગીતો-કવિતાઓ સંભળાવીને વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય હતા. વિદ્રોહીને વરસો પહેલાં, ક્રાંતિકારી ચળવળ કરવા બદ્દલ કોલેજમાંથી વિદ્યાર્થી નેતા તરીકે કાઢી મૂકવામાં આવેલ પણ એ કેમ્પસમાંથી નીકળ્યા જ નહીં! અનેક મેનેજમેંટોએ એમને કાઢવાની કોશિશ કરી પણ દરેક પેઢીના વિદ્યાર્થીઓ એમને ફરી-ફરી અંદર લઈ આવતા ને વિદ્રોહીના ખર્ચાઓ ઉઠાવી લેતા. કોલેજ-કેમ્પસનાં ઝાડ પર બે જોડી કપડાંનો થેલો લટકાવીને ત્યાં હોસ્ટેલમાં કે સ્ટુંડંટ-યુનિયનની ઓફિસની લોબીમાં છાનામાનાં રાતે સૂઇને ફકીરીવાળું જીવન ગુજાર્યું.
૧૯૭૫ની ઇમરજંસી કે ૧૯૮૪નાં શીખ-વિરોધી દંગાઓ હોય, સરકાર સામે લડીને વિદ્રોહીજી અનેકવાર જેલમાં ગયા. વિદ્રોહીએ ક્યારેય પોતાની કવિતાઓને કાગળ ઉતારી કે છપાવી નહીં. કયારેય સિલ્કનાં કૂર્તા-બંડી પહેરીને મુશાયરાઓમાં તાળીઓ કે વાહ-વાહી ઉઘરાવવા ન ગયા, કયારેય સરકારી અકાદમીઓમાં એવોર્ડઝ માટે હૈયાફાટ હવાતિયાં ના માર્યા કે ના તો પ્રકાશક પાસે હાથ લંબાવ્યો, છતાં યે વિદ્રોહીજી પર ૨૦૧૧માં ‘મૈં તુમ્હારા કવિ’ નામની એવોર્ડ-વિનર ડોક્યુમેંટેરી ફિલ્મ બની.

સ્ટુડંટ્સના અતિઆગ્રહ અને ખર્ચે એકમાત્ર પુસ્તક ‘નઇ ખેતી’ છપાયું. વિદ્રોહીજીએ આજીવન ગરીબ, મજૂરો, આદિવાસી, સ્ત્રીઓ વિશે ખૂબ લખ્યું કે રાધર, બોલે રાખ્યું:
‘મૈં કિસાન હૂં, આસમાનમેં ધાન બો રહા હૂં
લોગ કહતેં હૈં કિ પગલે, આસમાનમેં ધાન નહીં જમા કરતા
મૈં કહતા હૂં, અગર ઝમીન પે ભગવાન જમ સકતા હૈ
તો આસમાન પે ધાન ભી જમ સકતા હૈ!

ઔર અબ તો દોનોં મેં સે કોઇ એક હો કર રહેગા
યા તો ઝમીન સે ભગવાન ઉખડેગા યા આસમાનમેં ધાન જમેગા!’

ઘણીવાર ઘરનું સરનામું ઘરથી બહુ દૂર હોય છે…ઘરનાં હિંચકા પર બેસીને ફૂલ-પતંગિયા પર ચિંતન કરવું કે કૂમળી કવિતાઓ લખવાની સુખાળવી જિંદગી સિવાય પણ ઘણી જાલિમ જિંદગીઓ જીવાતી હોય છે, જેમાં ‘ખાનાબદોશ’ ની સંવેદનાઓનું સરનામું હોય છે. એવાં મનચલા, મસ્ત મૌલા મુસફરોને સો-સો સલામ.

એંડ-ટાઇટલ્સ:
ઇવ: મારે પણ એક ઘર હોય!
આદમ: લોન કોણ ભરશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button