ઉત્સવ

શું ટાળી શકાઈ હોત સિસ્ટમ ક્રેશ?

કેટલીક વખત નાના-મોટા વપરાશકર્તાને એરર-તકલીફનો સામનો કરવો પડે ત્યારે તેમાં કંપની દ્વારા તત્કાળ સુધારા કરવામાં આવતા હોય છે. સુધારિત આવૃત્તિ ફક્ત અપડેટનું એક બટન દબાવીને મૂળ એપ પર લાગુ કરી શકાય છે.

ટૅકનોલોજી -પ્રથમેશ મહેતા

માઈક્રોસોફ્ટને કારણે થોડા દિવસ પહેલાં આખી દુનિયામાં જે હાહાકાર થયો હતો તે ખરેખર થવો જોઈતો હતો? ખરેખર શું બન્યું હતું તેના પર જરા વિચાર કરવામાં આવે તો ધ્યાનમાં આવે છે કે માઈક્રોસોફ્ટ અને તેની સાથે સંલગ્ન સોફ્ટવેરમાં ઓટો-અપડેટ થતી વખતે ખામીયુક્ત સોફ્ટવેરની સમસ્યાને કારણે આખી દુનિયાના મોટા ભાગના કમ્પ્યુટર ક્રેશ થયા હતા એટલે કે બંધ પડ્યા હતા.

કમ્પ્યુટરના મોનિટર પર બ્લ્યુ સ્ક્રીન આવી ગઈ અને તેના પર એરર મેસેજ વાંચવા મળ્યા હતા. હવે આ બાબતમાં મૂળ પ્રશ્ર્ન એવો છે કે આપણા મોબાઈલ, કમ્પ્યુટર, સ્માર્ટ વોચ વગેરે પર આવનારા અપડેટ કરવા આવશ્યક હોય છે કે? અપડેટ એટલે ખરેખર શું થતું હોય છે? અપડેટ ન કરવામાં આવે તો શું ફરક પડી શકે છે? ચાલો આ બધા જ સવાલોના જવાબ મેળવીએ.

અપડેટ એટલે શું?
જ્યારે પણ સોફ્ટવેરની કંપની આપણા એપ અથવા સોફ્ટવેરમાં કોઈ ફેરફાર કરે ત્યારે તે આખા સોફ્ટવેરને અન-ઈન્સ્ટોલ કરવાને બદલે અપડેટના માધ્યમથી તેને સુધારે છે. આમાં મૂળ ફાયદો એ થાય છે કે ડિવાઈસ પરના ડાટાનું નુકસાન થતું નથી. આને દાખલા સાથે સમજવું હોય તો વૉટ્સએપ દ્વારા થોડા દિવસ પહેલાં જ મેટા એઆઈ લોન્ચ કર્યું છે.

ચેટ-જીપીટીની જેમ જ આ બધા જ સવાલોના તત્કાળ જવાબ આપી શકે છે. આ તો દેખીતા ફરકની વાત થઈ, પરંતુ આ ઉપરાંત નાના નાના અથવા મોટા ફેરફાર એપના માલિકો લાવ્યા કરતા હોય છે.
કેટલીક વખત એપની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તો કેટલીક વખત નાના-મોટા વપરાશકર્તાને એરર-તકલીફનો સામનો કરવો પડે ત્યારે તેમાં કંપની દ્વારા તત્કાળ સુધારા કરવામાં આવતા હોય છે. સુધારિત આવૃત્તિ ફક્ત અપડેટનું એક બટન દબાવીને મૂળ એપ પર લાગુ કરી શકાય છે.

અપડેટ કરવું કેટલું આવશ્યક છે?
ઉપર જણાવ્યા મુજબ જ્યારે આપણને કોઈ એપમાં ખામી-ક્ષતિ જોવા મળે ત્યારે અપડેટ કરવાનું ફાયદાકારક નીવડે છે, પરંતુ મોટા ભાગના સમયમાં આપણા એરર અલગ જ હોય છે અને તેનું નિરાકરણ કંપની આપી શકતી નથી. આની બીજી બાજુ એવી પણ છે કે કોઈ એરર કે કોઈ આવશ્યકતા ન હોય અને એકાદ એપ/સોફ્ટવેર પર ઘણું કામ ચાલી રહ્યું હોય તો આવા સમયે અપડેટને ટાળી શકાય છે. કેમ કે કામ છોડીને એપ/સોફ્ટવેર અપડેટ કરવાનું મુશ્કેલ હોય છે. આમેય અપડેટને કેટલીક મિનિટો લાગતી હોય છે.

કશું નુકસાન થઈ શકે?
ક્યારેક અપડેટ કરતી વખતે ડાટા ડિલીટ થવાની શક્યતા રહેલી હોય છે અથવા તો એપને અપડેટ કર્યા બાદ ડિવાઈસના અનેક ફંક્શન કામ કરતા બંધ થઈ શકે છે. આવા સમયે કોઈની મદદ મળવી આવશ્યક હોય છે. આવા સંકટમાં કંપની અથવા તે એપની સેવા આપનારા મદદ કરતા નથી.

દાખલા તરીકે ડિવાઈસની વોરંટી પૂરી થઈ ગયા બાદ આપણી ડિવાઈસમાં થયેલી ખરાબી જોવાનો ઈનકાર કરી દેતા હોય છે, પરંતુ અપડેટ વોરંટી પૂરી થયા બાદ પણ કેટલાય વર્ષો સુધી કંપની મફતમાં આપતી હોય છે.

એક જાણીતી કંપનીની અપડેટ કર્યા બાદ બેટરીની ક્ષમતા ઘટી ગઈ હોવાની અનેક ફરિયાદ યુરોપની અદાલતમાં કરવામાં આવી હતી અને તે કંપનીએ આરોપ સ્વીકારીને નુકસાન ભરપાઈ આપવાની તૈયારી દાખવી હતી. તાજેતરમાં બનેલી આ ઘટના મોટી હોવાથી બહાર આવી હતી, અન્યથા આવી બાબતોને કંપની તરફથી દાદ આપવામાં આવતી નથી.

ઓટો અપડેટ અથવા તો ફોર્સ અપડેટનો વિકલ્પ કાઢી નાખવામાં આવ્યો હોત તો ૧૯ જુલાઈની હોનારતને ટાળી શકાઈ હોત. નુકસાન કેટલાક યુઝર્સ પૂરતું મર્યાદિત રહ્યું હોત.
કોઈપણ કંપનીએ યુઝરને સ્વૈચ્છિકનો વિકલ્પ આપવો આવશ્યક છે. ઓટો-અપડેટ બંધનકારક ન હોવું જોઈએ. ક્રાઉડ-સ્ટ્રાઈક નામની એન્ટિ-વાઈરસ કંપનીને રોગ કરતાં ઈલાજ ભયંકર એવું કહેવાનો વારો આવ્યો ન હોત.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button