અનિલ રાવલ
અભય તોમારની કેબિનમાં ચા નાસ્તો કરી રહેલા તમામને ચા-નાસ્તા કરતાં વધુ રસ અમન રસ્તોગીમાં હતો….એ આવીને શું રહસ્યસ્ફોટ કરે છે એ જાણવાની ઇન્તેજારી હતી. રાંગણેકર વિચારી રહ્યો હતો કે ઓહ, તો હવે રો અને આઇબી હવે રસ્તોગીને પણ ઊંચકીને અહીં લાવશે. ત્યાં અભિમન્યુ સિંહના મોબાઇલની રીંગ વાગી. નામ નંબર જોઇને એમણે તોમારને મોબાઇલ આપતા કહ્યું.‘સર.’ તોમાર મોબાઇલ લઇને બાજુની રૂમમાં ગયા. થોડીવાર માટે કેબિનમાં સન્નાટો રહ્યો.
નીલ ફર્નાન્ડીસે અમન રસ્તોગી સાથે કરેલી વાતચીતનો અહેવાલ ટૂંકમાં તોમારને કહ્યો. એ રૂમમાં પાછા આવ્યા ત્યારે પણ સન્નાટો અકબંધ હતો.
‘આપણી પાસે અમન રસ્તોગીનો ખુલાસો આવી ગયો છે.’ તોમારે કહ્યું.
રસ્તોગીએ શેનો ખુલાસો કર્યો હશે…રાંગણેકર સહિતના સૌ વિચારવા લાગ્યા. ગુપ્તચર એજન્સીઓની કામ કરવાની રીત પોલીસ કરતાં ઘણી જુદી હોય છે એવું રાંગણેકર વિચારતો ત્યાં…
‘આપણે આ કેસને.’ તોમાર આટલું બોલ્યા ને લેન્ડલાઇન રણકી.
‘જી સર.’
‘જી સર….અભી પહોંચતા હું….જય હિન્દ.’
‘સોરી…મારે એક અરજન્ટ મિટિંગમાં જવું પડશે’ એમણે ફોન મૂકતા કહ્યું.
આપણે આ કેસને……આ વાક્ય પછી તોમાર શું કહેવા માગતા હશે એની અટકળ કરતા બધા ઊઠવા લાગ્યા.
‘એક મિનિટ.’ એમણે બલદેવરાજ અને અભિમન્યુ સિંહને રોક્યા.
‘કદાચ આજે રાતે જ આપણે મળીએ છીએ…રાંગણેકર સિવાય બધા જ.’
પીએમની સામે બેઠેલા તોમારને બિલકુલ અંદાજ નહતો કે એમને શા માટે બોલાવ્યા છે.
‘હાઇ વે કેસની તમારી ગાડી કેટલે પહોંચી.?’ પીએમએ પૂછ્યું.
તોમારને પીએમની અરજન્સી ન સમજાઇ.
‘સર, મામલો પેચીદો છે. સુરતથી મુંબઇ જતી કારમાંથી પોલીસે ગેરકાયદે જપ્ત કરેલા પૈસા ખાલિસ્તાની મૂવમેન્ટ માટેના હતા…..બેગ દિલ્હી સીએમ સભરવાલને આપવાની હતી. મહારાષ્ટ્રના સીએમ ખાનવિલકર, આઇએએસ ઓફિસર અવસ્થી અને પ્રધાન ભાલેરાવ સંડોવાયેલા છે.’ પીએમએ સફેદ દાઢી પર હાથ ફેરવ્યો.
‘ઇડી સભરવાલ સામે એક્સાઇઝ અને મની લોન્ડરિંગ કૌભાંડનો કેસ કરવાની તૈયારીમાં જ છે. એ પહેલા એના પર દેશદ્રોહનો તગડો કેસ ઠોકાવી દો. દિલ્હીના એના સિંહાસનના પાયા જ તૂટી જશે.’
‘સર, ખાનવિલકર, ભાલેરાવ અને અવસ્થીનું શું કરશું.?’
‘ખાનવિલકરને હમણા સાઇડ પર રાખો…બીજા બેનું તમે નક્કી કરો…..સંડોવાયેલા એક પણને છોડવાના નથી.’
તોમાર પીએમનો અણસાર પામી ગયા…પોતાને જોઇતો જવાબ લઇને નીકળી ગયા. એ જ રાતે એમણે મિટિંગ બોલાવી. રાંગણેકર સિવાયના બધા જ હાજર થયા.
તોમારે એક પછી એક આંગળીનો ટચાકો બોલાવતા જઇને નામ બોલવાની શરૂઆત કરી. દિલ્હી સીએમ સભરવાલ, ભાલેરાવ, અવસ્થી, ગ્રંથિ હરપાલસિંઘ, ઇમામ, અબ્દુલ્લા અને જગ્ગી.
તોમારની પીએમ સાથેની મિટિંગ પછી તાબડતોબ દિલ્હીના સીએમ સભરવાલને ભારે પોલીસ બંદોબસ્ત અને સજજડ સિક્યોરીટી વચ્ચે ગિરફ્તાર કરી લેવાયા. પ્રધાન ભાલેરાવ અને અવસ્થીને હેલિકૉપ્ટરમાં પાછા મુંબઇ લઇ જવાની વ્યવસ્થા થઇ….પરંતુ એ પહેલાં આઇબી ચીફે એમની પાસેથી સીએમ વિરુદ્ધના તમામ પુરાવા એકઠા કરી લીધા હતા.
‘મૈં બોલા થાના….છોડના પડા ના હમકો.’ ભાલેરાવે સામે બેઠેલા કુમારને કહ્યું.
‘એક ફોન ગયા ઔર હમ ઇધર હેલિકૉપ્ટર મેં વાપિસ બમ્બઇ’ અવસ્થીને ભાલેરાવના બકવાસમાં રસ નહતો. એની નજર કુમાર પર હતી. ભાલેરાવની બકબક સાંભળી રહેલા કુમારે સાથેના બે એજન્ટોની સામે જોયું. એમણે હેલિકૉપ્ટરનો દરવાજો ખોલીને ભાલેરાવને ધક્કો મારીને દરિયામાં ફેંકી દીધો. કુમારે અવસ્થીની સામે જોયું..
‘નહીં….નહીં મુઝે નહીં…..પ્લીઝ…પ્લીઝ મૈંને કૂછ નહીં કિયા…પ્લીઝ.’ એજન્ટોએ એને પણ અરબી સમુદ્રના ઉછળતા દરિયામાં ધકેલી દીધો.
અબ્દુલ્લાએ અભિમન્યુ સિંહને મુંબઇના સાયન-કોલીવાડાની પીરબાબાની જગ્યાએ શસ્ત્રોનો જથ્થો રાખ્યો હોવાની બાતમી આપી હતી…..અબ્દુલ્લા પોતાને છોડી મુકવાની શરતે મદદ કરવા તૈયાર થયો હતો.
અભિમન્યુ સિંહે ઇમામ અને અબ્દુલ્લાને પીરબાબાની દરગાહે લઇ જવાનો પ્લાન બનાવ્યો. દિલ્હીથી મુંબઈની રાજધાની ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ત્રણેયની સાથે બીજા બે એજન્ટો પણ મુસાફરો બનીને મુસાફરી કરી રહ્યા હતા જેની ઇમામ કે અબ્દુલ્લાને ખબર નહતી. રાતે આખા ડબામાં બધા મુસાફરો સુઇ ગયા હતા ત્યારે અભિમન્યુ સિંહે ઇમામને કહ્યું: ‘નીંદ નહીં આતી…ચલો, બહાર હવા ખાતે હૈ.’ તસ્બી ફેરવી રહેલા ઇમામ કમને ગયા. ટ્રેનનો દરવાજો ખોલ્યો. ઠંડી હવાનું કાતિલ મોજું અંદર પ્રવેશ્યું ને એક ધક્કા સાથે ઇમામ બહાર ધકેલાયો. અભિમન્યુ સિંહ તરત જ દરવાજો બંધ કરીને પોતાની સીટ પર જઇને બેસી ગયા. બીજું સ્ટેશન આવે તે પહેલા અબ્દુલ્લા ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકાઇ ગયો હતો.
નાર્કોટિક્સ બ્યૂરોના ઓફિસરોના સ્વાંગમાં બે એજન્ટ્સ જગ્ગીને લઇને એના ઢાબે પહોંચી ગયા. એની કેબિનમાં…એની જ ખુરસી પર જગ્ગીને બેસાડીને કેફી દ્રવ્યોનું પેકેટ ખોલીને એના મોંમાં ઠુંસી દીધું. એનો શ્ર્વાસ રુંધાવા લાગ્યો….ગળાની નસો ફુલાવા લાગી…મોંમાંથી ફીણ નીકળવા લાગ્યા. શરીર ઢીલું પડ્યું…એની સાથે એજન્ટ્સની પક્કડ પણ ઢીલી પડી.
‘ગ્રંથિ સાહબ, આપને કભી બતાયા નહીં કી ટોડીસિંઘ આપકા સગ્ગા ભાઇ થા.?’ બલદેવરાજે ગ્રંથિ હરપાલસિંઘને કારમાં બેસાડતા કહ્યું. બલદેવરાજની રહેમનજરને લીધે એમને ટોડીસિંઘની વાઇફ અને બચ્ચાઓને મળવાની વ્યવસ્થા થઇ હતી.
‘મુઝે પતા હૈ…આપ લોગોંને ઉસે મારા હૈ’
‘હમને નહીં પુલીસને મારા હૈ…..હથિયારોં કે સાથ પકડા ગયા થા….પુલીસને સરન્ડર કરને કો કહા…ઉસને ગોલી ચલાઇ….પુલીસ ક્યા કરતી બતાઓ આપ..’ બલદેવરાજ બોલ્યા.
ગ્રંથિ ગુસ્સામાં હતા….નિ:સહાય હતા….નિ:શસ્ત્ર હતા. ખાલિસ્તાની ત્રાસવાદમાં એમની સંડોવણી રેકોર્ડ પર આવી ગઇ હતી.
ગ્રંથિની કાર ભટિંડા પહોંચે તે પહેલાં રસ્તામાં ખાલિસ્તાની ત્રાસવાદ વિરોધી ટોળાએ કાર પર હુમલો કર્યો. તલવાર વીંઝતું ટોળું કારને ઘેરી વળ્યું….ગ્રંથિને કારમાંથી બહાર ખેંચી કાઢીને તલવારના એક ઝાટકે એનો શિરચ્છેદ કર્યો. ઠંડે કેલેજ ગ્રંથિની હત્યા જોઇ રહેલા બલદેવરાજે ડ્રાઇવરને કહ્યું: ‘યુ ટર્ન લે લો.’
અભય તોમારે આંગળાના ટાચકા બોલાવવાનું બંધ કર્યું…બંને હાથની આંગળીઓ એકમેકમાં ભેરવીને…કોણીઓ ટેબલ પર ટેકવીને બલદેવરાજ, અભિમન્યુસિંહ, શબનમ અને કુમારની સામે જોવા લાગ્યા. ર્કોટમાં કોઇ સનસનીખેજ ચુકાદાની રાહ જોવાતી હોય એવો માહોલ રચાઇ ગયો હતો. લીલાસરી પોલીસ ચોકીના પોલીસનું ભાવિ નક્કી થવાનું હતું.
તોમારે બીજા હાથની આંગળીઓના ટાચકા બોલાવવાનું શરૂ કર્યું. પહેલું નામ બોલ્યા સિનિયર ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પરમારનું. પરમારે કાયદો હાથમાં લઇને હાઇ વે પર કારનું ગેરકાયદે ચેકિંગ કર્યું…પૈસાની બેગ જપ્ત કરી, સાથી પોલીસકર્મીઓને ગેરકાનૂની કામમાં જોડાવા દબાણ કર્યું, પત્રકાર રસ્તોગી અને બસરાના ખૂન કરાવવા જુનિયર લીચી પટેલને ઉશ્કેરી. એ દેશદ્રોહી જગ્ગી સાથે ડ્રગ્સનો ધંધો પણ કરતો હતો. એની સામે દેશદ્રોહની કલમ લાગુ પાડો…..એન્ટિ-નાર્કોટીક્સને કેસ સોંપી દો.
‘લીચી પટેલ, રમેશ પાટીલ અને કનુભાએ એમના સિનિયરને ગેરકાનૂની કામમાં સાથ આપ્યો છે. ચારેયને પોલીસ
કમિશનર વિજય સહાયને હવાલે કરો….નોકરીમાંથી બરતરફ કરાવો….કડક જેલ સજા કરાવો.’
‘ખેલ ખેલમાં ખતરનાક ખેલ: હાઇ વે કેસમાં જપ્ત નાણાં ખાલિસ્તાની ત્રાસવાદ માટેના હતા.’ આઇબીના એજન્ટ નીલ ફર્નાન્ડીસે અમન રસ્તોગીને આપેલા વચન મુજબ હેડલાઇન ન્યૂઝ આપી દીધા….જોકે સાથેના કેટલાંક પેટા હેડિંગ ચોંકાવનારાં હતાં. ‘ખાલિસ્તાની ત્રાસવાદમાં સંડોવાયેલા ઇમામ અને અબ્દુલ્લાની લાશ રેલવે ટ્રેક પરથી મળી આવી.’ જગ્ગીની એના જ ઢાબામાં હત્યા.‘ગ્રંથિ હરપાલસિંઘને ત્રાસવાદ વિરોધી જુથે રહેંસી નાખ્યા.’ પ્રધાન ભાલેરાવ અને આઇએએસ ઓફિસર અવસ્થી લાપતા.‘લીલાસરી પોલીસ ચોકીની પોલીસ પાર્ટીને શું સજા થશે.?’
વિજય સહાયે તાબડતોબ ફાસ્ટ ટ્રેક પર કેસ ચલાવીને સજા અપાવી. ઉદયસિંહ પરમારને સાત વર્ષની કેદ. લીચી પટેલ, રમેશ પાટીલ તથા કનુભાને ત્રણ-ત્રણ વર્ષની જેલસજા થઇ.
જેલમાં લીચી પટેલ મોં ફેરવીને ઊભી હતી…એ પાછળ ઊભેલી મા અને ડીકે મહેતાને મોં બતાવવાને લાયક રહી નહતી.
‘મારી આંખમાં આંખ નાખીને વાત કર લીચી. પોલીસ ઇન્સ્પેક્ટર થઇને તેં જ ગુનો કર્યો.?’
‘મા, તું મને ક્યારેય માફ નહીં કરતી…એ જ મારી સૌથી મોટી સજા છે.’
‘મારી પાસે આવ….મા બોલી.’ લીચી જેલના સળિયા પાસે પહોંચી. માએ બંને હાથ નાખીને એના આંસુ લૂછતા લૂછતા એનું ગળું પકડી લીધું.
‘આખરે તો તું એક ત્રાસવાદીની છોકરી છો….ગુનાખોરી તારા લોહીમાં છે’ માની લીચીના ગળે ફરતેની ભીંસ વધતી રહી….લીચી કોઇપણ જાતના વિરોધ વિના શરીર ઢીલું મૂકીને જોતી રહી.
‘અરે, અરે, આ તું શું કરે છે?’ ડીકે મહેતાએ હાથ છોડાવ્યા.
‘આ કાળમુખી મારા માથાનું કલંક બની ગઇ ડીકે…કલંક બની ગઇ.’
મા, જુવાનીમાં એક ભૂલ તેં કરી હતી….જુવાનીમાં એક ભૂલ મેં કરી તારી ભૂલને માફ થઇ શકે, મારી ભૂલ માફીને લાયક નથી…લીચી મોં ફેરવી ગઇ.
ત્રણ મહિના બાદ:
મુંબઈની પ્રેસ કલબના કોન્ફરન્સ રૂમમાં ચિક્કાર ગીરદી હતી. શહેરભરના પત્રકારો, મિડિયાકર્મીઓ, ફોટોગ્રાફરો જમા થયા હતા. પ્રસંગ હતો રાધિકા રસ્તોગીએ લખેલી નવલકથા ‘ખાખી મની’ના વિમોચનનો.
‘રમત રમતમાં રમાઇ ગયેલી રમતના અંજામની આ સત્યઘટના આધારિત નવલકથા છે. મારી બેટર હાફ રાધિકા એ વરસાદી રાતે અમદાવાદથી પાછી ફરતી વખતે હાઇ વે પર પોલીસનું ચેકિંગ ન જોત….અને જો મને એ ન્યૂઝ ન આપ્યા હોત તો કદાચ…..ખાલિસ્તાની ત્રાસવાદનો આટલો મોટો પર્દાફાશ ન થયો હોત અને આ નવલકથાનું સર્જન ન થયું હોત.’ તાળીઓના ગડગડાટમાં આગલી હરોળમાં બેઠેલા મધુકર રાંગણેકરની તાળીઓનો અવાજ નહતો…એમના ચહેરા પર સંતોષનું સ્મિત હતું.
અને પુસ્તક વિમોચનનો ગુપ્ત અહેવાલ જાણવા પહોંચેલા….અને છેલ્લી હરોળમાં બેઠેલા નીલ ફર્નાન્ડીસને જોઇને રસ્તોગીએ માત્ર એટલું કહ્યું: ‘કોઇએ મને મારા સોર્સ વિશે પૂછેલું…..આ પુસ્તક મારા એ સોર્સ.રાધિકા રસ્તોગીએ લખ્યું છે.’ ફર્નાન્ડીસ ઊભો થયો….ટેબલ પરથી નવલકથાની કોપી લઇને ચૂપચાપ નીકળી ગયો.
(સમાપ્ત)