ઉત્સવ

વિચારોની ગુલામી: જો તુમકો હો પસંદ, વહી બાત કરેંગે

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

૨૦મી સદીના સૌથી પ્રભાવશાળી લેખકો પૈકીના એક, ઇંગ્લિશ લેખક જ્યોર્જ ઓરવેલની સૌથી પ્રસિદ્ધ કૃતિ ૧૯૮૪ માં વિચારો પર પહેરો રાખતી પોલીસ (થોટ પોલીસ)ની કલ્પના છે. સામાન્ય જીવનમાં, કોઈ વ્યક્તિને હાનિ પહોંચે તેવા કૃત્યને અપરાધ માનવામાં આવે છે, પરંતુ ઓરવેલે કલ્પેલા ‘ઓશિનિયા’ નામના રાજ્યમાં, તેના તાનાશાહ શાસક બિગ બ્રધરે એક એવી ગુપ્ત પોલીસની રચના કરી છે, જે રાજ્યના નાગરિકોને બિગ બ્રધરે માન્યતા ન આપી હોય તેવા વ્યક્તિગત અને રાજકીય વિચારો કરવા બદલ દંડિત કરે છે.

ઓશિનિયામાં શાસન, પાર્ટી કે બિગ બ્રધરનો વિરોધ કરતા વિચારો કરવા એ અપરાધ ગણાય છે. એવા લોકો પર નિગરાની રાખવા માટે અને એમને પકડીને દંડ કરવા માટે રાજ્યમાં બાતમીદારો રાખવામાં આવ્યા છે અને ટેલીસ્ક્રીન, કેમેરા તેમજ માઈક્રોફોન જેવાં ઉપકરણો ફિટ કરવામાં આવ્યાં છે.

ઓરવેલની નવલકથા ૧૯૮૪’ તાનાશાહી શાસનનાં જોખમોથી લોકોને જાગૃત કરવા માટે લખવામાં આવી હતી.તેની એક પંક્તિ હવે આપખુદ શાસનોનું વર્ણન કરવા માટે રૂઢિપ્રયોગ બની ગઈ છે: ‘બિગ બ્રધરની નજર તમારી પર છે, સ્વતંત્રતા ગુલામી છે, અને યુદ્ધ શાંતિ છે.’

સ્પષ્ટ રૂપે ઓરવેલે રશિયન તાનાશાહ જોસેફ સ્ટાલિન (૧૮૭૮-૧૯૫૩)ને ધ્યાનમાં રાખીને બિગ બ્રધરનું સરજન કર્યું હતું જે પાછળથી હિટલર સહિત અનેક શાસકોમાં ચરિતાર્થ થતું નજર આવ્યું હતું અને આજે પણ દુનિયામાં ઘણાં શાસકો છે જે વ્યક્તિની સ્વતંત્ર રીતે વિચારની ક્ષમતા પર નિયંત્રણ રાખે છે. વાસ્તવમાં તાનાશાહોને
બૌદ્ધિક માણસો પસંદ નથી હોતા. બૌદ્ધિક માણસોમાં સારું શું અને ખોટું શું, જરૂરી શું અને બિનજરૂરી શું, ઉચિત શું અને અનુચિત શું તે નક્કી કરવાની અને તેને વ્યક્ત કરવાની આગવી ક્ષમતા હોય છે. એમણે ઈતિહાસને વાંચ્યો હોય છે – દુનિયાને સમજી હોય છે અને એટલે આવા લોકો ભવિષ્ય પણ જોઈ શકે છે.

તાનાશાહોને એવા લોકો નથી ગમતા જે એમની નીતિઓ, કાર્યો અને પરિણામોનું વિશ્ર્લેષણ કરે અને ટીકા કરે. તેનાથી એમને પોતાની સત્તા સામે ખતરો નજર આવે છે , જેમ કે ૧૯૮૪ માં બે વત્તા બે એટલે ચાર થાય એવું કહેવું સ્વતંત્ર દિમાગની નિશાની છે, પણ રાજ્ય એવું ઈચ્છતું હોય છે કે બે વત્તા બે એટલે બિગ બ્રધર કહે તે હોવું જોઈએ.

‘સફર’ ફિલ્મમાં, ગીતકાર ઇન્દીવરના શબ્દોમાં કહીએ તો, તાનાશાહને એવા નાગરિકો પસંદ હોય છે જે કહે; જો તુમકો હો પસંદ, વહી બાત કરેંગે તુમ દિન કો અગર રાત કહો, તો રાત કહેંગે
સ્વતંત્ર દિમાગ વાળો વિચારશીલ માણસ હંમેશાં નિરંકુશ સત્તા માટે એક પડકાર હોય છે એટલા માટે એક તાનાશાહ સત્તામાં આવે ત્યારે તે સૌ પહેલાં લેખકો, વિચારકો, કલાકારો અને પત્રકારોને ભીંત સરસા જડવાનું કામ કરે છે.

તાનાશાહોને ગમતા લોકો બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ છે. આ વર્ગનો એક માત્ર ઉદેશ્ય ધન કમાવાનો હોય છે, અને રાજ્ય જયારે એમને ધન કમાવાની સહુલિત કરી આપતું હોય ત્યારે ધનપતિઓ ઇન્દીવરના નાયકની જેમ દિવસને રાત કહેતાં અચકાતા નથી.

બીજું એક કારણ એ છે કે તાનાશાહ શાસકો અંદરથી ડરપોક અને લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. એ પોતાના સિવાયના બીજા સત્તાવાળા માણસને સહન નથી કરતા, ચાહે એ સત્તા વ્યવસ્થાની હોય કે પછી વિચારોની હોય.

સ્વતંત્ર દિમાગવાળા લોકોની તાકાત એમની બુદ્ધિ હોય છે અને તાનાશાહો એનાથી ભયભીત થતા હોય છે. એમને ડરનો એવો અહેસાસ થતો હોય છે કે કોઈ મારા કરતાં વધુ બુદ્ધિશાળી છે.

તમે સ્કૂલમાં જોયું હશે કે જે ક્લાસમાં કોઈ છોકરો તેજસ્વી સવાલો પૂછતો હોય અને શિક્ષકના લેકચર પર તેજસ્વી વિચારો અભિવ્યક્ત કરતો હોય, એ બાકીના ઔસત બુદ્ધિવાળા વિદ્યાર્થીઓની ઈર્ષ્યા અને નારાજગીનું નિશાન બની જતો હોય છે. ક્લાસરૂમમાં ઊભેલો એક તેજસ્વી વિદ્યાર્થી બાકી વિદ્યાર્થીઓને એમની તુચ્છતાનો અહેસાસ કરાવે છે અને એટલ માટે જ સૌથી હોંશિયાર છોકરાઓનું જ સૌથી વધુ રેગિંગ થતું હોય છે.

તાનાશાહોનું પણ એવું જ છે. એમને સમાજના તેજસ્વી લોકોથી ડર- અસલામતી અને લઘુતાનો અહેસાસ થાય છે. બુદ્ધિશાળી હોવાનો અર્થ જ એ થાય છે એ માણસો પાસે એટલી સમજણ અને બુદ્ધિ હોય છે કે એ લોકો તાનાશાહના વિચારો અને વ્યવસ્થાના ગુણદોષ જોઈ શકે છે. બાકી લોકોની જેમ, બુદ્ધિશાળી લોકો તાનાશાહનાં જૂઠાણાંથી ભ્રમિત થતા નથી અને અન્ય લોકોને પણ શિક્ષિત કરતા હોય છે. એટલા માટે તાનાશાહો સૌથી પહેલાં દિમાગવાળા લોકોને ચુપ કરી દે છે. તમે જો તમારી જાતને હિટલર, માઓ, સ્ટાલિન, પોલપોટ, સદ્દામ હુસેન, પુતિન કે કિંગ જોંગ-ઈલ જેવા તાનાશાહોની જગ્યાએ મૂકીને જુઓ તો તમે પણ એવું ઈચ્છો કે લોકો સામો પ્રશ્ર્ન કર્યા વગર તમારો પડ્યો બોલ ઝીલી લે અને તે માટે એમનામાં વિચારવાની ક્ષમતા ન હોવી જોઈએ.

ચાહે રાજાશાહી હોય, ફાસિઝમ હોય, કમ્યુનિઝમ હોય કે કોઈ ધાર્મિક પંથ હોય, એક હથ્થુ સત્તાવાળા શાસનો તો જ ટકી શકે જો બહુમતી પ્રજા એના પ્રોપેગેન્ડામાં માનતી હોય. એના માટે શાસકો પ્રજાને એવું માનતી કરી દેતા હોય છે કે એમની સ્વતંત્રતા પર કાપ મુકવો અને સમાજના સ્વતંત્ર દિમાગવાળા લોકોને દંડવા દેશ માટે જરૂરી છે.

એક સમયે અડધા વિશ્ર્વ પર કોમ્યુનિઝમનો દબદબો હતો તેનું કારણ એ જ હતું કે કોમ્યુનિસ્ટોએ લોકોને એવું ઠસાવી દીધું હતું કે કોમ્યુનિઝમ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા માટે સક્ષમ છે અને તેના માટે જોર જબરદસ્તી કરવી જાય જ છે, પરંતુ લોકોને જયારે લાગ્યુ કે આ જૂઠ છે અને બહેતર જીવન તો પશ્ર્ચિમના દેશોમાં છે ત્યારે સોવિયત સંઘમાં લોકોએ બળવો કર્યો હતો અને અંતે કોમ્યુનિસ્ટ સામ્રાજ્યનું પતન થયું હતું.

જોસેફ સ્ટાલિને એટલે જ કહ્યું હતું કે, વિચારો બંદૂક કરતાંય તાકાતવર હોય છે. અમે અમારા લોકોને બંદૂકો પકડવા દેતા નથી તો પછી એમને વિચારો કેવી રીતે કરવા દઈએ?’

આમ તો સ્ટાલિને આ રમૂજ કરી હતી, પણ તાનાશાહોને સ્વતંત્ર વિચારશક્તિવાળા લોકો પસંદ નથી આવતા. એમને સવાલો કરે,

શંકા કરે તેવા લોકો નહીં, ઘેટાં જેવા બંધ મગજના અનુયાયીઓ ગમે છે. વિચાર કરી શકે એવા લોકોમાં એમને દુશ્મન નજર આવે છે. એટલા માટે તાનાશાહો માહિતીઓ, સમાચારો અને શિક્ષણ પર સૌથી પહેલો અંકુશ મૂકે છે. તાનાશાહ નેરેટિવ્સ પોતાના હાથમાં રાખે છે. લોકોના માનસ પર કબ્જો કરવાનું તેનું પ્રાથમિક લક્ષ્ય હોય છે. તેનું હથિયાર ડર હોય છે. જુદું વિચારે અથવા વિરોધી વિચાર કરે તેને તે મૌન કરી દે છે અથવા નકામા કરી દે છે. તે સતત દુશ્મન શોધતા હોય છે. જ્યાં પણ જરા સરખો પણ વિરોધ કે ભિન્ન મત દેખાય, તો એમને એ જાની દુશ્મન બનાવી દે છે. એનું અસલી લક્ષ્ય દુશ્મન નથી હોતો. એનું નિશાન બાકીની જનતા હોય છે, જે દાખલામાંથી શીખે અને વિચાર કરતાં ડરે. જે સ્વતંત્ર વિચાર કરે છે એનામાં પ્રમાણિકતા વધુ અને વફાદારી ઓછી હોય છે એટલા માટે તાનાશાહને પ્રમાણિક નહીં, વફાદાર માણસો ગમતા હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ?