નેશનલ

Maharashtra politics: સારી કામગીરી ન કરનાર સાંસદોની ટિકિટ કપાશે: અમિત શાહ અને જે.પી. નડ્ડાએ કરી સમીક્ષા

મુંબઇ: રાજ્યમાં સાંસદ તરીકે સારું પ્રદર્શન ન કરી શકનાર નેતાઓની ટિકીટ કપાય તેવી શક્યતાઓ છે. આ સાંસદોની જગ્યાએ કેટલાંક નવા ચહેરાની શોધખોળ થઇ રહી છે. મહારાષ્ટ્રના કેટલાંક સાંસદોની કામગીરી પર કેન્દ્રિય નેતૃત્વ નારાજ છે તેવી જાણકારી સૂત્રોમાંથી મળી રહી છે.

અમિત શાહ અને જે.પી. નડ્ડાએ તેમના મુંબઇ પ્રવાસ દરમીયાન રાજ્યના સાંસદોની કામગીરીની સમીક્ષા કરી હોવાની વિગતો પણ જાણવા મળી છે. આ પ્રવાસ બાદ મુંબઇની પણ કેટલીક બેઠકોમાં ફેર બદલ થાય તેવી શકયતાઓ હોવાની જાણકારી સત્તાવાર સૂત્રોમાંથી મળી છે.

આગામી 2024ની લોકસભાની ચૂંટણી માટે ભાજપે કમર કસી છે. ભાજપ હાલમાં તમામ મતદાર સંઘની સમીક્ષા કરી રહી છે. ગણેશોત્સવ નિમિત્તે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ મુંબઇની મુલાકાત લીધી હતી. દરમીયાન તેમણે લીધેલી સમીક્ષા બેઠકમાં લોકસભાની મહત્વની બેઠકો પર ચર્ચા પણ થઇ હતી. મંગળવારે દેવેન્દ્ર ફડણવીસના સાગર નિવાસસ્થાને ભાજપના તમામ સાંસદ અને વિધાનસભ્યોની બેઠક યોજાઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્રિય નેતૃત્વ મહારાષ્ટ્રના કેટલાંક સાંસદોની કામગીરીથી નારાજ છે. તેથી આ સાંસદોની ટિકીટ કાપી નવા ચહેરાઓને તક મળે તેવી શક્યતાઓ છે. ચૂંટણી માટે ભાજપ દરેક સાંસદની છેલ્લાં પાંચ વર્ષની કામગીરી જોઇને ટિકીટ આપશે. થોડા જ દિવસોમાં નામો પર ચર્ચા થશે અને યાદી જાહેર કરવામાં આવશે. કેટલાંક મતદારસંઘમાં ઉમેદવારી માટે ઇચ્છુક નેતાઓ વચ્ચે વાદ વિવાદ થવાની શક્યતાઓ પણ છે. ત્યારે હવે આખરે કોનું નામ યાદીમાં આવશે તેની રાહ બધા જ જોઇ રહ્યાં છે.


મહારાષ્ટ્રની લોકસભાના 48 મતદારસંઘના ચૂંટણી પ્રમુખની જાહેરાત થઇ ગઇ છે. ઉપરાંત મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા મતદારસંઘ માટે પણ ચૂંટણી પ્રમુખની નિમણૂંક થઇ ગઇ છે. 2019માં થયેલ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 105 બેઠકો પર જીત મેળવી હતી. જોકે 145ની મેજીક ફિગર એકલા હાથે સર કરવામાં ભાજપને સફળતા મળી નહતી. ભાજપ રાજ્યમાં સૌથી મોટો પક્ષ સાબિત થયો હતો. છતાં તેઓ સરકાર સ્થાપી શક્યા નહતાં. ત્યારે આ વખતે લોકસભાની સાથે સાથે વિધાનસભા પર પણ ભાજપની નજર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button