પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

મનુ ભાકર 1 નંબર પર રહ્યા પછી 1 પૉઇન્ટ માટે બ્રૉન્ઝની હૅટ-ટ્રિક ચૂકી ગઈ એટલે રડી પડી

હરિયાણાની શૂટર હવે 2028ની ઑલિમ્પિક્સને બનાવશે ટાર્ગેટ: અગાઉ ત્રણ શૂટર ચોથા સ્થાને રહ્યા હતા

પૅરિસ: ભારતની ટોચની મહિલા શૂટર મનુ ભાકર 10 મીટર ઍર પિસ્તોલની ઇવેન્ટમાં બે બ્રૉન્ઝ મેડલ જીત્યા પછી શનિવારે ત્રીજો (હૅટ-ટ્રિક) બ્રૉન્ઝ ફાઇનલમાં એક તબક્કે મોખરે રહ્યા બાદ છેવટે જરાક માટે (ફક્ત એક પૉઇન્ટ માટે) ચૂકી ગઈ એટલે ખૂબ હતાશ હતી. બે ચંદ્રક જીતીને ભારત માટે નવો ઇતિહાસ રચવા બદલ તેનામાં ખુશી હતી, પણ તેણે પચીસ મીટર પિસ્તોલની ઇવેન્ટમાં ચોથા સ્થાને રહી જતાં ત્રીજો ચંદ્રક ગુમાવ્યા બાદ રડી પડી હતી. તે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન આંખમાં આસું આવતાં રોકી નહોતી શકી.

હરિયાણાની બાવીસ વર્ષીય મનુ ભાકરે કહ્યું કે ‘આ ઑલિમ્પિક્સ મારા માટે બહુ સારી સાબિત થઈ. હું આમાં બે મેડલ જીતી શકી એ બદલ ગર્વ અનુભવું છું, પણ અત્યારે બહુ ખુશ નથી, કારણકે આટલું બધુ સારું પર્ફોર્મ કર્યા પછી ચોથો નંબર સારો તો ન જ કહેવાય.’ એવું બોલીને તે રડી પડી હતી.

આ પણ વાંચો: Manu Bhaker: મનુ ઈતિહાસ રચવાથી ચુકી, 25 મીટર પિસ્તોલ શૂટિંગમાં ચોથા સ્થાને રહી

દેશની ટોચની શૂટર અને પોતાની કૅટેગરીની વર્લ્ડ ચૅમ્પિયન મનુ ભાકરે એવું પણ કહ્યું કે ‘હંમેશાં ઍથ્લીટ માટે નેક્સ્ટ ટાઇમ તો હોય છે જ એટલે હું હવે પછીની ઑલિમ્પિક્સ (2028ની લૉસ એન્જલસ ઑલિમ્પિક ગેમ્સ)ને ધ્યાનમાં રાખવાનું શરૂ કરીશ.’

મનુ ભાકર ત્રીજા ચંદ્રક માટેના ફાઇનલ રાઉન્ડની તમામ આઠ સ્પર્ધકમાં એક તબક્કે થોડા સમય માટે નંબર-વન હતી. જોકે પછીથી તે ઘણી પાછળ રહી ગઈ હતી અને ગોલ્ડ તથા સિલ્વર માટેની રેસની બહાર થઈ ગઈ હતી. ત્યાર બાદ બ્રૉન્ઝ માટે (ત્રીજા સ્થાન માટે શૂટ-ઑફમાં) તેની અને હંગેરીની કટ્ટર હરીફ વેરોનિકા મૅજર વચ્ચે જોરદાર રસાકસી થઈ હતી. આઠમી સિરીઝ બાદ બન્ને શૂટર 28-28ની બરાબરી પર હતી એટલે નિર્ણય પર આવવા શૂટ-ઑફ યોજાઈ હતી. મનુનાં ત્રણ શૉટ ટાર્ગેટ પર હતા, જ્યારે વેરોનિકાના ચાર શૉટ લક્ષ્યાંક પર રહ્યા જેને પગલે મનુ ચોથા સ્થાને રહીને હરીફાઈની બહાર થઈ ગઈ અને વેરોનિકા ત્રીજા સ્થાને રહેવા બદલ બ્રૉન્ઝ મેડલિસ્ટ બની ગઈ.

મનુ ભાકરે કહ્યું,‘ફાઇનલમાં હું નર્વસ હતી. દરેક શૉટમાં મારા બનતા પ્રયાસોથી સફળ ટાર્ગેટ બનાવી રહી હતી, પણ છેલ્લે નિષ્ફળ ગઈ.’

આ પણ વાંચો: મનુ ભાકરને એકસાથે 40 બ્રૅન્ડની ઑફર, રાતોરાત ફી સાતગણી વધારી દીધી!

મનુ ભાકર 10 મીટર પિસ્તોલનો એક બ્રૉન્ઝ વ્યક્તિગત ઇવેન્ટમાં અને બીજો બ્રૉન્ઝ મેડલ હરિયાણાના જ બાવીસ વર્ષીય શૂટર સરબજોત સિંહ સાથેની જોડીમાં જીતી હતી.

જેમ મનુ ભાકર ચોથા સ્થાને રહી ગઈ એના પરથી અગાઉ ત્રણ ભારતીય શૂટર ચોથા સ્થાને રહી જતાં બ્રૉન્ઝ ચૂકી ગયા એની વિગત ઉલ્લેખનીય બની છે: (1) જોયદીપ કર્માકર, મેન્સ 50 મીટર રાઇફલ પ્રોન, 2012ની લંડન ઑલિમ્પિક્સ (2) અભિનવ બિન્દ્રા, મેન્સ 10 મીટર ઍર રાઇફલ, 2016 રિયો ઑલિમ્પિક્સ (3) અર્જુન બાબુટા, 10 મીટર ઍર રાઇફલ, 2024 પૅરિસ ઑલિમ્પિક્સ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button