લક્ષ્ય સેને ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં પહોંચીને રચ્યો ઇતિહાસ
પૅરિસ: ભારતના ટોચના બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પૅરિસ ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં પહોંચીને ભારત માટે ઇતિહાસ રચ્યો છે.
લક્ષ્ય પોતાના પ્રથમ ઑલિમ્પિક મેડલની લગોલગ તો પહોંચી જ ગયો હતો, આ મહા રમતોત્સવની સેમિમાં પહોંચનારો ભારતનો પ્રથમ પુરુષ બૅડમિન્ટન પ્લેયર પણ બન્યો હતો.
લક્ષ્ય સેને ક્વૉર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇના ચોઉ ટિએન ચેનને ભારે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં છેવટે 19-21, 21-15, 21-12થી પરાજિત કરી દીધો હતો.ચોઉ વિશ્ર્વનો 11મા ક્રમનો ખેલાડી છે, જ્યારે લક્ષ્ય સેન કૉમનવેલ્થ ગેમ્સનો ચૅમ્પિયન તેમ જ વર્લ્ડ ચૅમ્પિયનશિપનો બ્રૉન્ઝ મેડલિસ્ટ છે.
લક્ષ્ય હવે સેમિમાં 2021ના વર્લ્ડ ચૅમ્પિયન સિંગાપોરના લોહ કીઆન યેવ સામે અથવા ઑલિમ્પિક ચૅમ્પિયન ડેન્માર્કના વિક્ટર એક્સલસેન સામે રમશે.
ભારતીય મહિલાઓમાં એક સમયે માત્ર પીવી સિંધુ અને સાઇના નેહવાલ ઑલિમ્પિક્સની ક્વૉર્ટર ફાઇનલથી આગળ વધી હતી. મેન્સમાં પારુપલ્લી કશ્યપ અને કિદામ્બી શ્રીકાંત અનુક્રમે 2012ની અને 2016ની ઑલિમ્પિક્સમાં ક્વૉર્ટર ફાઇનલ સુધી જ પહોંચી શક્યા હતા.