થાણેમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ પર મહિલાએ કર્યો હુમલો, કેસ નોંધાયો
મુંબઈઃ થાણેમાં નાગરિક સંચાલિત છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલ (Attack on Doctors, Nurses in Thane Civil Hospital)માં દર્દીની બે મહિલા સંબંધીઓએ ચાર ડોકટરો અને એક નર્સ પર હુમલો કર્યો હતો. મહિલાઓએ ગુરુવારે બપોરે હોસ્પિટલના કર્મચારીઓ પર પુરુષ દર્દીની કાળજી ન લેવાનો આરોપ લગાવીને હુમલો કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
શહેરના કલવા વિસ્તારમાં આવેલી હોસ્પિટલના એક ડોક્ટરે નોંધાવેલી ફરિયાદ મુજબ બે મહિલા સંબંધીઓ પુરુષ વોર્ડમાં એક દર્દીને મળવા આવી હતી. તેઓએ આરોપ લગાવ્યો કે તેને ત્રણ દિવસથી જમવાનું આપવામાં નથી આવ્યું અને પ્રશ્ન કર્યો હતો કે તેને શા માટે આઈસીયુમાં ખસેડવામાં આવ્યો નથી.
પુરુષ ડૉક્ટરે પરિસ્થિતિ અને સારવાર સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ૩૬ અને ૪૦ વર્ષની વયની મહિલાઓએ તેને માર માર્યો હતો. ત્યારબાદ પુરૂષ ડૉક્ટરને બચાવવા દોડી આવેલા વધુ ત્રણ મહિલા ડૉક્ટરો અને એક નર્સ પર હુમલો કર્યો હતો.
કલવા પોલીસ સ્ટેશનના ઓફિસરે જણાવ્યું હતું કે, મહિલાઓ પર ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર મેડિકેર સર્વિસ પર્સન્સ એન્ડ મેડિકેર સર્વિસ ઇન્સ્ટિટ્યુશન્સ (હિંસા અને સંપત્તિને નુકસાન અટકાવવા) અધિનિયમ હેઠળ હુમલાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.