વીક એન્ડ

ઉડતા રાજસ્થાન પછી હવે ઉડતા ગુજરાત ?

આજથી આઠ વર્ષ પહેલાં ‘ઉડતા પંજાબ’ નામની ફિલ્મ આવી હતી, જેમાં ડ્રગ્સની દાણચોરી, ડ્રગ્સના જોખમ અને ડ્રગ્સ સામેની લડતને દર્શાવવામાં આવી હતી. જોકે, ડ્રગ્સની મોહમાયા ઘટવાને બદલે વધતી જાય છે. ગુજરાતના મુંદરા બંદરેથી છાશવારે ચોરી છૂપીથી આયાત-નિકાસ થતાં વિવિધ પ્રકારના ડ્રગ્સ ઝડપાય છે તો બીજી તરફ,ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં તો પરિસ્થિતિ વધુ જ ગંભીર છે. રાજસ્થાનની હાલત અત્યારે ઉડતા પંજાબ જેવી જ છે અને સ્થિતિ સમયસર નિયંત્રણમાં નહીં આવે તો એની માઠી અસર હેઠળ ભવિષ્યમાં ‘ઉડતા ગુજરાત’ નામની ફિલ્મ પણ બની શકે.

કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા

રાજસ્થાન પાકિસ્તાન જોડે રાજેસ્થાન લગભગ ૧૦૦૦ કિલોમીટર જેટલી લાંબી સરહદ ધરાવે છે, જે આજકાલ ડ્રગ્સમાફિયાઓ માટે આશીર્વાદરૂપ થઇ પડી છે. આ સ્થળ પર પેટ્રોલિંગ કરતા બીએસએફના જવાનોનું સંખ્યાબળ જોઇએ તો ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા આ બન્નેનાં રાજ્યો સામે વામણું પુરવાર થાય એમ છે. સાધારણ સંજોગોમાં બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન ૦. ૫ થી લઇને ૦.૬ કિલોમીટર જેટલું અંતર કાપવાનું હોય છે, પરંતુ દેશના કોઇને કોઇ ખૂણે કોઇ અઘટિત ઘટનાઓ બને ત્યારે એમને જે-તે પ્રદેશમાં પણ મોકલાવામાં આવે છે. પરિણામ સ્વરૂપે ત્યાં હાજર રહેલા એક જવાનને માથે ૧ થી ૧.૫ કિમી. જેટલું અંતર કવર કરવાની જવાબદારી પણ આવી જાય છે. રાત્રિના સમયે એમાંય ધૂળનો વંટોળ ચાલતો હોય ત્યારે આ અંતર કાપવું વધુ મુશ્કેલ હોય છે અને તેમાંય વરસાદના દિવસોમાં તો સરહદના કેટલાય વિસ્તારો પાણીની અંદર ગરકાવ થઇ જાય છે ત્યારે બોટ લઇને પેટ્રોલિંગ કરવું પડે છે. આ તકનો લાભ લઇ ડ્રગ માફિયાઓ ફાવી જાય છે.

માનવરહિત ડ્રોનની મદદથી પાકિસ્તાનના ડ્રગ માફિયાઓ અને એના ભારતીય પાર્ટનરો માટે ભારતમાં ડ્રગ ઘુસાડવું સરળ થઇ ગયું છે. સાવ એવું નથી કે આ ડ્રોન્સ ભારતના જવાનોના હાથે પકડાતા નથી. હા, આવી સફળતાની ટકાવારી ઘણી જ ઓછી છે. ૨૦૨૨થી અત્યાર સુધીમાં માત્ર ૧૪ ડ્રોન્સ જ પડકી પાડવામાં આવ્યા છે. બાકી તો સ્થાનિક માફિયા ભાગીદારોની મદદથી ડ્રગ્સ રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી જાય છે. આવા ભાગીદારો પંજાબમાંથી મળી જાય છે.

સલામતી દળોના કહેવા પ્રમાણે પંજાબની ઘણી અનુભવી ગેન્ગ આ કામમાં સંડાવાયેલી છે. એમને ડ્રોન ક્યાં પહોંચશે, ક્યારે અને કેટલા વાગે પહોંચશે તેની સઘળી માહિતી મળી જાય છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ આવી ગેન્ગને પકડવા ઘણી મહેનત કરે છે એમાં આંશિક સફળતા પણ મળે છે. આમ છતાં ડ્રગ્સ્ની આવી હેરાફેરી સંપૂર્ણપણે ડામી શકાતી નથી એ વરવી વાસ્તવિકતા છે. ડ્રોન દ્વારા રાજસ્થાનની સીમામાં આવતા ડ્રગ્સની કિંમત કરોડોમાં હોય છે, જ્યારે સરેરાશ ડ્રોનની કિંમત રૂપિયા ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ સુધીની હોય છે. જો ડ્રોન્સ કે ડ્રગ્સ ક્યારેક પકડાઇ જાય તો પણ માફિયાને તો કાનખજૂરાનો એક પગ કપાઇ ગયા જેટલી જ અસર થાય છે. બીએસએફ રાજસ્થાનના ફોન્ટિયર ઇન્સપેક્ટર જનરલ એમ.એલ. ગર્ગ કબૂલ કરતાં કહે છે કે ડ્રગની દાણચોરી વધી રહી છે, પણ અમારું દળ સરહદ પરના કોઇ પણ પડકારોને પહોંચી વળવા સક્ષમ છે.

ગુજરાત: વધી રહ્યું છે ડ્રગ્સનું દૂષણ
પહેલાં ‘ઉડતા પંજાબ’, હવે ‘ઉડતા રાજસ્થાન’ અને નજીકના ભવિષ્યમાં ‘ઉડતા ગુજરાત’ પણ થઇ શકે છે. પંજાબમાં પાકિસ્તાન સરહદે સખત મોનિટરિંગ થવા લાગ્યું છે. ત્યાંની અભોહાર અને ફેઝિલિકા બોર્ડર પર સખત પગલાં લેવામાં આવ્યાં હોવાથી પાકિસ્તાની દાણચોરોએ રાજસ્તાનની સરહદોનો માર્ગ પકડ્યો છે. રાજસ્થાન સરહદે પાંચ જિલ્લા જોડાયેલા છે. બાડમેર, જેસલમેર, બિકાનેર, અનુપગઢ અને શ્રીગંગાનગર. હવે ડ્રોન દ્વારા મોક્લવવામાં આવેલો માલ આ વિસ્તારોમાં પંજાબના દાણચોરોના સગાસંબંધીઓ દ્વારા સગેવગે થઇ જાય છે એમ શ્રીગંગાનગરના સુુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ ગૌરવ યાદવ કહે છે. આ વર્ષના મે મહિના સુધીમાં દાણચોરોની ૧૫ ઘટનાને આંતરવામાં આવી છે અને ૩૦૦ લોકોની ધરપકડ થઇ છે. આમાંથી મોટા ભાગના લોકો પંજાબના છે. દાણચોરો નવા ઠેકાણાં શોધતાં જ રહે છે. શ્રીગંગાનગરના સુુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ ગૌરવ યાદવ ચેતવણી આપતાં કહે છે કે હવે જો રાજસ્થાન સેક્શન વધુ ગરમ થશે અને વધુ સખત પગલાં લેવાશે તો અપરાધીઓ રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતને પણ નિશાન બનાવી શકે છે. આમ યોગ્ય પગલાં નહીં લેવાય તો પંજાબનો રેલો છેક ગુજરાત સુધી પહોંચી શકે એમ છે.

રાજસ્થાનની સરહદે આવેલાં ગામોમાં લોકો ડ્રગ્સના બંધાણી બનતા જાય છે. અહીં પંજાબવાળી થતી જાય છે. અહીંની અદાલતે પણ એક ઓર્ડર એવો આપ્યો છે જેનાથી પરિસ્થિતિ વધુ વણસી છે. જુલાઇ ૨૦૧૬ સુધી રાજસ્થાનમાં ૨૧૬ અધિકૃત ડોડા પોસ્ટ ( ખસખસનો નશો કરાવતી ડોડવાની દુકાનો) હતાં જ્યાંથી મર્યાદિત પ્રમાણમાં માલ ખરીદીને બંધાણીઓ ખુશ રહેતા હતા, પણ જુલાઇ ૨૦૧૬માં કોર્ટે ઓર્ડર આપીને આ વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. ઘણી વાર સારું કરવા જાવ તો બુમરેંગ થાય
એમ આ કાયદાને કારણે પણ એવું જ થયું. લોકો એ છોડીને પાકિસ્તાનથી
દાણચોરીથી આવતા રાસાયણિક ડ્રગ્સના રવાડે ચઢે છે અને પાયમાલ થઇ રહ્યા છે. હવે ડ્રગ્સની દાણચોરી અટકાવવા રાજસ્થાન સરકાર અનેક સુરક્ષા એજન્સી સાથે મળીને કડક પગલાં લઇ રહી છે. ચાવીરૂપ સ્થાનો પર સીસીટીવી કેમેરા ગોઠવાઇ રહ્યા છે. અદ્યતન ટેકેનોલોજીવાળી એન્ટિડ્રોન સિસ્ટમ વિકસાવાઇ રહી છે. બે નવા પોલીસ સ્ટેશન અને પાંચ નવા ચેકપોસ્ટ આ સરહદ પર તૈયાર થઇ રહ્યા છે. આવા સંજોગોમાં પાકિસ્તાની દાણચોરો ગુજરાત પર નજર બગાડી શકે છે ત્યારે ગુજરાત-પાકિસ્તાન સરહદે અત્યારથી જ ઘટતાં પગલા લેવાય અને પાણી પહેલાં પાળ બંધાય એ અત્યંત જરૂરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી