પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

તીરંદાજીમાં અંકિતા-ધીરજની જોડીએ નિરાશ કર્યાં, બ્રૉન્ઝ પણ ન મેળવી શકયાં

પૅરિસ: ફ્રાન્સની રાજધાની પૅરિસમાં ચાલી રહેલી ઑલિમ્પિક ગેમ્સમાં ભારતીયોએ તીરંદાજીમાં દેશને મેડલ અપાવવાની સોનેરી તક શુક્રવારે ગુમાવી દીધી હતી.

અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવારાની મિક્સ્ડ-ટીમનો અમેરિકાની હરીફ જોડી સામે બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં 2-6થી પરાજય થયો હતો.

અમેરિકાની કેસી કૉફહોલ્ડ તથા બ્રાડી એલિસનની જોડી સામે ભારતીય જોડી 37-38, 35-37, 38-34, 35-37થી હારી ગઈ હતી.
એ સાથે, એક તબક્કે ગોલ્ડ કે સિલ્વર જીતી શકવાની સંભાવના ધરાવતી અંકિતા-ધીરજની જોડીએ ભારતને બ્રૉન્ઝ પણ ન અપાવી શકી.

આ પણ વાંચો : ભારતીય હૉકી ટીમની કમાલ, ઑસ્ટ્રેલિયાને બાવન વર્ષે ઑલિમ્પિક્સમાં હરાવ્યું

એ પહેલાં, આ ભારતીય જોડીએ ઑલિમ્પિક્સમાં આ રમતની મિક્સ્ડ-ડબલ્સની સેમિ ફાઇનલમાં પહોંચીને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો.
સેમિ ફાઇનલમાં ભારતની આ જોડીનો સાઉથ કોરિયા સામે 2-6થી પરાભવ થયો હતો. એ પરાજય છતાં ભારતને બ્રૉન્ઝ જીતવાની તક મળી હતી, પણ અમેરિકા સામેની હારને લીધે એ તક પણ હાથમાંથી જતી રહી હતી.

સાંજે ક્વૉર્ટર ફાઇનલમાં ભારતે સ્પેનની હરીફ જોડીને 5-3થી હરાવીને સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
ક્વૉર્ટર ફાઇનલમાં અંકિતા-ધીરજે ભારે રસાકસીવાળા મુકાબલામાં 9, 10, 8, 10ના પૉઇન્ટ સાથે કુલ 37નો સ્કોર નોંધાવ્યો હતો. એની સામે સ્પૅનિશ જોડી 9. 8. 9. 10ના પૉઇન્ટ સાથે કુલ 36નો સ્કોર નોંધાવી શકતા ભારતનો એક પૉઇન્ટના તફાવતથી રોમાંચક વિજય મેળવ્યો હતો.

ભારતે જે સ્પૅનિશ ટીમને હરાવી એ ટીમ ટૉપ-સીડેડ ચીનની જોડીને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી હતી.
ભારતીય ટીમે ક્વૉર્ટર ફાઇનલમાં સ્પેનને હરાવતાં પહેલાં ઇન્ડોનેશિયાને 5-1થી કચડી નાખ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button