પૃથ્વીથી દૂર થઈ રહ્યો છે ઉપગ્રહ ચંદ્ર, જેની પૃથ્વી પર વર્તાશે આ અસરો….

નવી દિલ્હી: સદીઓથી પૃથ્વીની ઉપર અંતરીક્ષમાં ચંદ્ર અસ્તિત્વ ધરાવે છે. આપણે તેને બાળવાર્તાઓમાં ચાંદામામા કહેતા આવ્યા છીએ. ચંદ્ર આપણી પૃથ્વીનો ઉપગ્રહ જ નથી, પરંતુ તેનો આપણી સાથે ભાવનાત્મક સંબંધ પણ છે. આપણે ચંદ્રને જાણવાના અનેક પ્રયત્નો પણ કર્યા છે જેમાં ચંદ્રયાન મિશન પણ સામેલ છે. પરંતુ આ જ ચંદ્રને લઈને વૈજ્ઞાનિકો દ્વારા ડરાવનારી ચેતવણી જાહેર કરવામાં આવી છે, એક સંશોધન મુજબ ચંદ્ર સતત આપણી પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે.
પૃથ્વી પર થઈ રહી છે અસરો:
યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસનની એક ટીમે 90 મિલિયન વર્ષ જૂના ચંદ્રને લઈને મોટી ચેતવણી જાહેર કરી છે. આ સંશોધન દર્શાવે છે કે ચંદ્ર દર વર્ષે લગભગ 3.8 સેન્ટિમીટર જેટલો પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે અને તેની પૃથ્વી પર ઘણી અસર પણ થઈ રહી છે. આનુ પરિણામ એ આવશે કે 200 મિલિયન વર્ષોમાં પૃથ્વી પરનો દિવસ 25 કલાક ચાલશે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1.4 અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર એક દિવસ 18 કલાક ચાલતો હતો, પરંતુ જેમ જેમ ચંદ્ર પૃથ્વીથી દૂર જતો રહે છે, તેમ તેમ દિવસની લંબાઈ સતત વધી રહી છે.
આ ઘટનાનું મુખ્ય કારણ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના ગુરુત્વાકર્ષણ અને બંને ભૂગર્ભના ભરતી બળ સાથે જોડાયેલું છે. યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર સ્ટીફન મેયર્સે જણાવ્યું હતું કે જેમ જેમ ચંદ્ર દૂર જાય છે તેમ તેમ પૃથ્વીની ગતિ ધીમી પડી રહી છે.
આ પણ વાંચો : અંતરીક્ષમાં ફસાયેલ Sunita Williamsના પાછા ફરવાને લઈને NASAનું નિવેદન
પૃથ્વીથી દૂર જઈ રહેલા ચંદ્રનું સંશોધન કોઈ નવી શોધ નથી કારણ કે વૈજ્ઞાનિકો આવા દાવા દાયકાઓથી કરી રહ્યા છે. પરંતુ ઉલ્કાઓ અને ચંદ્રનો અભ્યાસ કર્યા બાદ વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીએ પુરાવાના આધારે પુષ્ટિ કરી છે કે ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. ચંદ્ર અને પૃથ્વી પર સમયની પોતાની ગતિ છે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે. આ સિવાય ચંદ્ર પર દિવસ દરમિયાન તાપમાન ખૂબ જ ઉંચુ રહે છે અને રાત્રે પણ એટલી જ ઠંડી રહે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સહિત અંધારાવાળી જગ્યાએ, તાપમાન રાત્રે 200 ડિગ્રી સુધી જાય છે. જ્યારે દિવસ દરમિયાન તાપમાન 100 ડિગ્રીથી ઉપર રહે છે.