નેશનલ

ફ્લાઈટ્સ કેન્સલ થવાથી દુબઈ એરપોર્ટ પર સેંકડો પ્રવાસીને હાલાકી

મુંબઈ: સ્પાઇસ જેટ એરલાઈન્સએ લેણી નીકળતી રકમની ચૂકવણી દુબઈ એરપોર્ટના સત્તાવાળાઓને ન કરી હોવાથી કેટલીક ફ્લાઈટ રદ કરવામાં આવ્યા બાદ બુધવારે સ્પાઈસ જેટના સેંકડો મુસાફરો દુબઈ એરપોર્ટ પર અટવાઈ ગયા હોવાની જાણકારી સૂત્રોએ આપી હતી.

સ્પાઇસ જેટના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે બુધવારે દુબઇથી ભારત આવતી કેટલીક ફ્લાઇટ્સ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી, પરંતુ વિસ્તૃત વિગતો નહોતી આપી.

જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે દુબઈથી ભારતના વિવિધ શહેરોમાં જનારી સ્પાઇસ જેટની 10 જેટલી ફ્લાઇટ્સ લેણી નીકળતી રકમની ચુકવણી ન કરવાને કારણે રદ કરવામાં આવી હતી. આના પરિણામે સેંકડો મુસાફરો દુબઈ એરપોર્ટ પર અટવાઈ ગયા હોવાની જાણકારી સૂત્રએ આપી હતી.

વધુ માહિતી આપતા પ્રવક્તાએ જણાવ્યું હતું કે ’31 જુલાઈ, 2024ના રોજ, દુબઇથી ભારત આવતી કેટલીક ફલાઈટ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી. એરલાઇને અસરગ્રસ્ત મુસાફરોને અન્ય ફ્લાઈટ્સમાં જગ્યા ફાળવી, હોટેલમાં રહેવાની સગવડ પૂરી પાડી હાલાકી ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. દુબઇથી તમામ સુનિશ્ચિત ફ્લાઇટ્સ હવે કાર્યરત છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button