મુંબઈમાં કોસ્ટલ રોડના રૂટનો વિરોધ કરતી અરજી હાઈ કોર્ટે ફગાવી

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં કોસ્ટલ રોડનું બાંધકામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને આ તબક્કે રૂટના એલાઇનમેન્ટ કે ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવાનો આદેશ આપી શકાય નહીં. આ દલીલ સાથે હાઈ કોર્ટે પ્રોજેક્ટમાં કોઈ મૂળભૂત ફેરફાર કર્યા વિના સહેલાઈથી પ્રવેશ થઈ શકે એવી જગ્યા તૈયાર કરવા માટે માર્ગના માળખામાં ફેરફાર કરવાની માંગણી કરતી પીઆઈએલને ફગાવી દીધી હતી.
દરિયા કિનારે મોજમજા માટે આવતા સહેલાણીઓ માટે સમુદ્રની નજીક લોકો એક વિશાળ જગ્યા ફાળવવામાં આવી રહી છે. દરિયાકાંઠાના માર્ગ પર આવી સુલભ ખુલ્લી જગ્યાનો ઉપયોગ અન્ય હેતુઓ માટે ન થવો જોઈએ એવી માંગણી અરજદારે કરી છે.
આ પણ વાંચો : કોસ્ટલ રોડનો ૩.૫ કિલોમીટરનો ઉત્તર તરફનો રસ્તો ગુરુવારથી ખુલ્લો મુકાયો
મુખ્ય ન્યાયમૂર્તિ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ અમિત બોરકરની ખંડપીઠે અરજદારને મ્યુનિસિપલ કમિશનરને માંગણીનું મેમોરેન્ડમ સુપરત કરવાની મંજૂરી આપી હતી. અદાલતે એમ પણ કહ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરે અરજદારોની રજૂઆતો અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
શહેર આયોજન – સિટી પ્લાનિંગ સાથે સંકળાયેલા આર્કિટેક્ટ એલન અબ્રાહમે આ અરજી કરી હતી. ગુરુવારે આ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે દરિયો પૂરી 110 એકર જમીન તૈયાર કરવામાં આવી છે.
અલબત્ત અપેક્ષા મુજબ જમીનનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો એવી રજૂઆત અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ તુશાદ કાકલિયાએ અદાલત સમક્ષ કરવાની કોશિશ કરી હતી. આવી ખુલ્લી જગ્યાઓ ક્યારેય બીચ પર નથી હોતી. આ મામલે પણ દરિયો પૂરી કોસ્ટલ રોડ બનાવવાની દરખાસ્ત આવી હતી.
પાલિકા વતી વકીલ જોએલ કાર્લોસે અદાલતને જણાવ્યું હતું કે આ રસ્તો અને જૂના રસ્તા વચ્ચે ખુલ્લી જગ્યા રાખવામાં આવશે. અરજદારની માંગ ભૂતકાળમાં પણ નામંજૂર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.