Revaluation Results: 50 ટકા વિદ્યાર્થી પાસ, તપાસમાં ભૂલ કે બીજું કાંઈ?
મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીના ગત શૈક્ષણિક વર્ષમાં વિવિધ અભ્યાસક્રમના ૨૩,૪૦૬ વિદ્યાર્થીએ રિવેલ્યુએશન (પૂન:મૂલ્યાંકન) માટે અરજી કરી હતી, તેમાંથી ૧૧,૮૭૪ એટલે કે ૫૦.૭૪ ટકા વિદ્યાર્થી પાસ થયા હતા, એમ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. તેથી ઉત્તરપત્રિકાના મૂલ્યાંકન બાબતે સવાલ ઊઠી રહ્યા છે. રિવેલ્યુએશન અને ફોટોકોપીની અરજીઓ દ્વારા યુનિવર્સિટીની તિજોરીમાં લાખો રૂપિયા જમા થઇ રહ્યા છે.
રિઝલ્ટ જાહેર થયા બાદ અમુક વિદ્યાર્થીઓ ફી ભરીને પૂન:મૂલ્યાંકન કરાવતા હોય છે. તેનો નિકાલ સમયસર ન આવતા અનેકને નોકરી અથવા ઉચ્ચ શિક્ષણની તક ગુમાવવાનો વારો આવતો હોય છે. પૂન:મૂલ્યાંકનની અરજી કરનાર વિદ્યાર્થીઓમાંથી અંદાજે પચાસ ટકા પાસ થતા હોય છે એવું પ્રકાશમાં આવ્યું છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ના પ્રથમ સત્ર એટલે કે ઉનાળુ સત્રમાં વિવિધ અભ્યાસક્રમના ૨૩,૪૦૬ વિદ્યાર્થીઓએ પૂન:મૂલ્યાંકન માટેની અરજી કરી હતી અને ૧૧,૦૦૦ વિદ્યાર્થીએ ઉત્તરપત્રિકાની ફોટોકોપી મેળવવા માટે અરજી કરી હતી અને ૧૯૧ વિદ્યાર્થીની ફરિયાદો, આક્ષેપો આવ્યા હતા. ૨૦૨૨ના દ્વિતિય સત્ર એટલે કે શિયાળુ સત્રમાં વિવિધ અભ્યાસક્રમના ૧૯,૧૭૩ વિદ્યાર્થીએ પૂન:મૂલ્યાંકન માટે અરજી કરી હતી જેમાંથી ૮,૭૯૪ એટલે કે ૪૫.૮૭ ટકા વિદ્યાર્થી પાસ થયા હતા. તે વર્ષે ૬,૦૦૦ વિદ્યાર્થીએ ફોટોકોપી માટે અરજી કરી હતી.
આ પણ વાંચો : એશિયાની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં મુંબઈ યુનિવર્સિટી
યુનિવર્સિટી દ્વારા ૨૦૨૧થી ૨૦૨૪ દરમિયાન પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પૂન:મૂલ્યાંકન અને ઉત્તરપત્રિકાની ફોટોકોપીની અરજીની સંખ્યા, નિયમ અંગેની માહિતી આરટીઆઇ હેઠળ પૂરી પાડવામાં આવી હતી. રિવેલ્યુએશન કરાવ્યા બાદ પચાસ ટકાથી વધુ વિદ્યાર્થીઓ પાસ થતા હોય તો પેપર તપાસવામાં ભૂલ થતી હોવાનું સ્પષ્ટ થાય છે.
યુનિવર્સિટીની તિજોરીમાં લાખો રૂપિયા જમા
મુંબઈ યુનિવર્સિટી દ્વારા ઓપન કેટગરીના વિદ્યાર્થીઓ પાસેથી એક વિષયના રિવેલ્યુએશન માટે રૂ. ૨૫૦ તથા ક્વૉટાવાળા વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૧૨૫ લેવામાં આવે છે. આ સિવાય ઓપન કેટગરીના વિદ્યાર્થીઓ પાસેથી એક વિષયના ફોટોકોપી માટે રૂ. ૫૦ અને ક્વૉટાવાળા વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૨૫ ફી લેવામાં આવે છે. ૨૦૨૨-૨૩માં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી રિવેલ્યુએશન દ્વારા રૂ. ૪,૫૫,૧૭૯ અને ફોટોકોપી દ્વારા રૂ. ૪૩,૦૬૦ની આવક થઇ હતી.