ગાંધીનગર

બેંક ખાતું ફ્રીઝ કરવા અંગે ગુજરાત પોલીસની પોલિસીમાં મહત્વપૂર્ણ ફેરફાર: આખા અકાઉન્ટને બદલે ….

ગાંધીનગર: તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે.

આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિગતો આપી હતી. ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની અસરકારક તપાસના પરિણામે 28 હજાર જેટલા બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ ₹114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ ₹53.34 કરોડ છે.

આ પણ વાંચો : સાઇબર ક્રાઇમમાં ભયજનક વધારો, સતર્ક રહેવું જરૂરી, જાણો વિગત

પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે, જેઓ આખું બેંક અકાઉન્ટ લોક થઈ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.

ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના બેંક ખાતાઓ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે. એક પછી એક કેસના આધારે આ ખાતાઓની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આવા ખાતાઓને શક્યતઃ અનફ્રીઝ કરવામાં આવશે. ખાતા ફ્રીઝ કરવા અંગેના અભિગમમાં સુધારો કરીને તેમજ પીડિતોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરીને, ઓથોરિટી અસરગ્રસ્ત વ્યક્તિઓ પર તાત્કાલિક નાણાકીય અસર અને સાયબર ક્રાઈમના વ્યાપક મુદ્દા બંને પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button