દિલ્હીના એક આશ્રયગૃહમાં 20 દિવસમાં 13 બાળકોનાં મોત: હજુ કારણ અકબંધ!
નવી દિલ્હી: દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બનેલા આશા કિરણ આશ્રય ગૃહમાં છેલ્લા 20 દિવસમાં 13 બાળકોના મોત થયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 27 બાળકોએ જીવ ગુમાવ્યા છે. શેલ્ટર હોમમાં આટલી મોટી સંખ્યામાં વિકલાંગ બાળકોના મોતનું કારણ હજુ અકબંધ છે. આ ઘટના પર દિલ્હી સરકારના મંત્રી આતિશીએ દુખ વ્યક્ત કર્યું છે અને આ મામલે મેજિસ્ટ્રેટને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે રોહિણી સ્થિત સરકારી માનસિક વિકલાંગ આશ્રય ગૃહમાં જાન્યુઆરી 2024 થી ઘણા બાળકો મૃત્યુ પામ્યા છે. ACS રેવન્યુને સમગ્ર મામલે તાત્કાલિક મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરવા અને 48 કલાકની અંદર રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ચમત્કાર! વાયનાડમાં ચાર દિવસ બાદ ચાર જણ જીવતા મળ્યા
કયા કારણોને લીધે થયા મોત:
આ સાથે જ મંત્રીએ એ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે કે જેની બેદરકારીના કારણે આ મૃત્યુ થયા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સૂચનાત્મક પગલાં સૂચવવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.
આ મામલે ભાજપ મહિલા મોરચાની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રેખા ગુપ્તાએ દિલ્હી સરકાર પર નિશાન સાધ્યું છે. રેખા ગુપ્તાએ કહ્યું કે આ આશ્રય ગૃહ દિલ્હી સરકારનું એક એકમ છે કે જ્યાં વિકલાંગોને રાખવામાં આવે છે અને તેમની સંભાળ રાખવામાં આવે છે. આ માનસિક વિકલાંગ આશ્રય ગૃહમાં મોતનો સિલસિલો ચાલુ છે.
કોઈને અંદર જવા દેવામાં નથી આવતા: ભાજપ
ભાજપ દ્વારા સરકાર પર આક્ષેપો કરતાં કહ્યું હતું કે 2024થી અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. માત્ર જુલાઈ મહિનામાં જ 17 લોકોના મોત થયા છે. વહીવટીતંત્ર કારણ નથી આપી રહ્યું, ખબર નથી કે SDMની તપાસમાં શું થઈ રહ્યું છે, બધા અધિકારીઓ ગેટ બંધ કરીને બેઠા છે, કોઈને અંદર જવાની પરવાનગી નથી અને અમને અંદર જવા દેવામાં આવતા નથી.