ભ્રષ્ટાચારી ભાજપે અપેક્ષા મુજબ જ કુલડીમાં ગોળ ભાંગ્યો: જીગ્નેશ મેવાણી
રાજકોટ: રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડને લઈને વિરોધપક્ષ સરકારની કામગીરી પર સતત આરોપો કરતું આવ્યું છે. કોંગ્રેસ દ્વારા સતત આરોપ કરવામાં આવી રહ્યો છે કે સરકાર આ મામલે નાના અધિકારીને જવાબદાર ગણીને ભાજપનાં નેતાઓ, મેયરો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, મોટા અધિકારીના દોષિત કૃત્યો પર અંચળો ઢાંકવા માંગે છે. આ મામલે જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ આરોપ કરતાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ સરકારે લોકોની અપેક્ષા મુજબ જ કુલડીમાં ગોળ ભાંગ્યો છે. ભાજપના નેતાઓ, મેયરો, કોર્પોરેટરો, ધારસભ્યો, સાંસદો સહિતની સામે જેમને ગેરકાયદેસર ગેમઝોનને પૈસાનો તોડ કરી ચલાવવા દીધું તે કોઈપણની સામે કાર્યવાહી કરવામાં નહિ આવે તેવું લોકો અને મીડિયા માની રહ્યા હતા અને સરકારે તે કરી બતાવ્યું છે અને આ લોકોને કલીનચિટ આપી દેવામાં આવી છે.
મેવાણીએ આગળ કહ્યું હતું કે અગ્નિકાંડ સહિત અનેક દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે અને કસૂરવારોને જેલના સળિયા ગણવવા માટે કોંગ્રેસ દ્વાર આગામી 9મી ઓગષ્ટથી ન્યાય યાત્રાનું આયોજન કરી રહી છે. મોરબીથી શરૂ થનારી આ યાત્રા ગાંધીનગર ખાતે પૂર્ણ થશે. કોંગ્રેસના નેતાઓ દ્વારા વિધાનસભાના સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે.
આ પણ વાંચો : ‘વન નેશન વન ટેક્સ’ હેઠળ અમને લાભ આપો: રાજકોટ ટ્રાવેલ એસોસિએશન
આ સાથે સરકાર દ્વારા ચાલી રહેલી તપાસના અધિકારીઓની સામે પ્રશ્ન ઉઠાવતા જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે જ્યાં સુધી ઈમાનદાર અધિકારીઓને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી ન્યાય મળવાનો નથી. જેની સૌ લોકોને ભીતિ હતી કે અગ્નિકાંડ મામલે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે તે મુજબ જ થયું અને સમગ્ર દોષનો પોટલો માત્ર સાગઠિયા પર ઢોળી દેવામાં આવ્યો. આ સરકાર એક પણ સમાજને એકપણ કાંડમાં ન્યાય આપવા નથી માંગતી.