કોલંબો: શ્રીલંકાએ અહીં ભારત સામેની પ્રથમ વન-ડેમાં ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા પછી ખરાબ શરૂઆત કરી હતી. યજમાન ટીમે ત્રીજી જ ઓવરમાં ઓપનર અવિષ્કા ફર્નાન્ડોની પહેલી વિકેટ ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. જોકે પછીથી ઓપનર પથુમ નિસન્કા તથા વિકેટકીપર કુસાલ મેન્ડિસે બાજી થોડી સંભાળી લીધી હતી.
ભારતે આ મૅચમાં વિકેટકીપર-બૅટર કેએલ રાહુલને રમવાનો મોકો આપ્યો છે. રાહુલ છ મહિને પાછો ટીમ ઇન્ડિયામાં આવ્યો છે. છેલ્લે તે જાન્યુઆરીમાં હૈદરાબાદમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં રમ્યો હતો. તેણે વન-ડેમાં સાત મહિને કમબૅક કર્યું છે. તેણે આ પહેલાં 75 વન-ડેમાં 2,820 રન બનાવ્યા છે તેમ જ વિકેટની પાછળથી કુલ 67 શિકાર કર્યા છે.
વિકેટકીપર તરીકે રિષભ પંતને ઇલેવનમાં સમાવવો કે રાહુલને એ વિશે કૅપ્ટન રોહિત શર્મા અને હેડ-કોચ ગૌતમ ગંભીર સહિતના ટીમ મૅનેજમેન્ટમાં મૂંઝવણ હતી અને છેવટે રાહુલને રમવાનો મોકો આપવાનું નક્કી કરાયું હતું.
શિવમ દુબેને ભારત વતી વન-ડેમાં પાંચ વર્ષે ફરી રમવાની તક મળી છે. તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં રમી ચૂકેલો દુબે એકમાત્ર વન-ડે ડિસેમ્બર, 2019માં ચેન્નઈમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યો હતો.
શ્રેયસ ઐયર અને કુલદીપ યાદવને પણ આ વન-ડેમાં રમવાનો મોકો મળ્યો છે.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું બુધવારે અવસાન થયું હતું અને ભારતીય ખેલાડીઓ આ મૅચમાં તેમને અંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી પહેરીને રમી રહ્યા છે.
શ્રીલંકાએ પેસ બોલર મોહમ્મદ શિરાઝને ડેબ્યૂ કરવાની તક આપી છે.
Taboola Feed