બારામતીમાં સુનેત્રા પાવર વર્સીસ સુપ્રિયા સુળેની અટકળો પર NCPના વિધાન સભ્યએ કહ્યું કે…
પુણે: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લાં કેટલાક વખતથી દર થોડા સમયે નવા સમીકરણો જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે જ આગામી ચૂંટણીમાં બારામતી ખાતે નણંદ વર્સીસ ભાભી એવું દ્રશ્ય જોવા મળશે કે કેમ એવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી હતી. પરંતુ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસના વિધાન સભ્ય રોહિત પવારે આ બાબતે સ્પષ્ટતા કરી દીધી છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી સત્તાવાર રીતે જાહેર ન થાય ત્યાં સુધી કોઈ પણ વાત કે નિવેદન પર વિશ્વાસ કરવો જોઈએ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે અજિત પવાર સાથે એનસીપીના કેટલાક વિધાન સભ્યો સરકારમાં સામેલ થયા છે. પાર્ટીમાં પડેલાં આ ભંગાણને કારણે લોકસભા અને વિધાનસભાની બેઠકોની વહેંચણીનું નવું સમીકરણ કેવું હશે એ અંગે જાતજાતની અટકળો લગાવવામાં આવી રહી છે. દરમિાન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પત્ની સુનેત્રા પવાર બારામતીથી લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડશે એવું કહેવાઈ રહ્યું છે. જો એવું થયું તો બારામતીમાં નણંદ અને ભાભી વચ્ચે રસાકસીનો મુકાબલો જોવા મળશે? તેવો સવાલ ઉપસ્થિત થયો હતો.
પરંતુ હવે એનસીપીના વિધાન સભ્ય રોહિત પવારે શું સુનેત્રા પવાર બારામતીથી ચૂંટણી લડશે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું હતું કે આવી વાતો પર કોઈએ વિશ્વાસ ન કરવો જોઈએ.
પુણેથી પાછા ફરતી વખતે પ્રસાર માધ્યમો સાથે વાત કરતા તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી કોઈ પાર્ટી કે પક્ષ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારી જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી ચર્ચા કરીને સમય બગાડવો જોઈએ નહીં. લોકસભાની ચુંટણી દરમિયાન બારામતી ખાતે સુનેત્રા પવાર અને સુપ્રિયા સુળે વચ્ચેની આ સંભવિત ટક્કર વિશે પૂછવામાં આવ્યું ત્યારે રોહિત પવારે જણાવ્યું હતું કે કોઈએ પણ આવી ચર્ચાઓ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. જ્યારે પક્ષ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવે ત્યાર બાદ જ એ વાત પર વિશ્વાસ કરવો જોઈએ. હાલમાં તો આ મુદ્દે ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી.
છેલ્લે તો ભાજપ અને તેમની સાથે ગયેલા નેતાઓ જ આ બાબતે કોઈ પણ નિર્ણય લેશે. પરંતુ શરદ પવારની આગેવાની હેઠળની NCP તરફથી માત્ર સુપ્રિયા સુળેને જ બારામતી લોકસભા બેઠક પરથી ઉભા રાખવામાં આવશે. હવે તેમની સામે કોને મેદાનમાં ઉતારવામાં આવે છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે એવું પવારે વધુમાં જણાવ્યું હતું.