વાયનાડમાં ભૂસ્ખલનનો ભોગ બન્યાના ચાર દિવસ બાદ જીવતા મળવું એ કોઇ ચમત્કારથી ઓછું નથી, પણ આ વાત હકીકત બની છે. ભારતીય સેનાએ કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના ચાર દિવસ બાદ ચાર લોકોને જીવતા બચાવ્યા છે. જેમાં બે મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. ચારેય જણ એક જ પરિવારના છે. તેમના સંબંધીઓએ સૂચના આપ્યા બાદ બચાવકર્મીઓ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને મલબામાં દટાયેલ ચારે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. આ લોકો પડવેટ્ટી કુન્નુમાં ફસાયેલા હતા. ભૂસ્ખલનના ચોથા દિવસે, બચાવ કર્મચારીઓની ટીમે વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને ચાર લોકોને બચાવ્યા હતા. હાલમાં આ લોકોની સારવાર ચાલી રહી છે.
ભારતીય સેનાએ ચોકસાઇ અને સાવધાની સાથે આ બચાવ ઓપરેશન હાથ ધર્યું હતું. બચાવ કાર્યમાં વેગ આવે અને વધુમાં વધુ લોકોની જાન બચાવી શકાય એ માટે ભારતીય સેનાએ 24 કલાકની અંદર 190 ફૂટ લાંબા ‘બેઈલી બ્રિજ’નું નિર્માણ કરી નાખ્યું હતું. આ પુલ દ્વારા, ખોદકામ અને એમ્બ્યુલન્સ સહિતના ભારે મશીનો મુંડક્કાઈ અને ચુરલમાલા સુધી પહોંચી શક્યા હતા. બચાવ કામગીરીની સુવિધા માટે હળવા હેલિકોપ્ટર (ALH) નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કામગીરીની ઝડપને કારણે કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને સમયસર બચાવી શકાયા હતા.
આ પણ વાંચો : Wayanad Landslide: 308 લોકોના મૃત્યુ, સાત જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ
હવે ચલીયાર નદીમાં પણ પીડિતોની શોધ કરવાની યોજના છે. જોકે, અહીંથી લોકોના જીવિત મળવાની શક્યતા તો નહિવત જ છે, પણ છતાંય કોઇ ચમત્કાર થાય અને કોઇ જીવિત મળે એવી આશા તો રહેવાની જ. બચાવકર્મીઓ સાથે ચલિયારના 40 કિલોમીટરના વિસ્તારમાં આવેલા આઠ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને સ્થાનિક તરવૈયાઓ નદીના કાંઠે ધોવાઇ ગયેલા અથવા ફસાયેલા મૃતદેહોની શોધ કરશે.
મહેસૂલ મંત્રી કે. રાજને એક દિવસ પહેલા કહ્યું હતું કે કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને શોધવા માટે દિલ્હીથી ડ્રોન આધારિત રડારને શનિવારે વાયનાડ લાવવામાં આવશે.