સ્પોર્ટસ

કોલંબોમાં રોહિતને કયો નિર્ણય લેવામાં મીઠી મૂંઝવણ થઈ રહી છે?

કોલંબો: અહીં શુક્રવારે શ્રીલંકા સામે ત્રણ મૅચવાળી વન-ડે સિરીઝના પ્રથમ મુકાબલા પહેલાં કૅપ્ટન રોહિત શર્માએ પત્રકારોને કહ્યું હતું કે ‘વિકેટકીપર-બૅટર તરીકે રિષભ પંતને સિલેક્ટ કરવો કે કેએલ રાહુલને એ વિશેનો નિર્ણય ખૂબ મુશ્કેલ છે, કારણકે બન્ને પ્લેયર પોતપોતાની રીતે મૅચ-વિનર છે.’

પંતે તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપથી ભારતીય ટીમમાં કમબૅક કર્યું હતું, જ્યારે રાહુલ જાન્યુઆરી પછીની પહેલી વન-ડે માટે રાહ જોઈ રહ્યો હોવાથી તેના માટે પણ મૂંઝવણનો સમય છે.

રોહિતે પત્રકારોને જણાવ્યું હતું કે ‘પંત અને રાહુલ, બન્નેએ ભારતને ઘણી મૅચો જિતાડી છે. પંત અને રાહુલમાંથી કોને સિલેક્ટ કરવો એ મીઠી મૂંઝવણ કહેવાય.’રોહિતે એવું પણ કહ્યું હતું કે ‘જ્યારે આપણી પાસે ઘણા બધા સારા ખેલાડીઓ હોય ત્યારે ટીમ સિલેક્ટ કરવી સહેલું નથી. આવી સ્થિતિ ઊભી થાય એ તો સારું કહેવાય.’

દરમ્યાન રોહિતે ટી-20 ટીમમાં સુકાનીપદે તેનો અનુગામી બનેલા સૂર્યકુમાર યાદવના ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેણે પહેલી જ સિરીઝમાં ઘણું સારું પર્ફોર્મ કર્યું છે.’ભારતે સૂર્યકુમારના સુકાનમાં શ્રીલંકા સામેની સિરીઝ 3-0થી જીતી લીધી હતી.

છેલ્લી મૅચ ટાઇ થયા બાદ સુપરઓવરમાં ભારતે વિજય મેળવ્યો હતો. એ મૅચમાં ખુદ સૂર્યકુમારે બોલિંગ કરીને અને એ પહેલાં રિન્કુ સિંહને બોલિંગ આપીને સૌને ચોંકાવી દીધા હતા. સૂર્યા અને રિન્કુ ટ્રમ્પકાર્ડ તરીકે બોલર બન્યા અને શ્રીલંકાની વિકેટો લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button