મેટિની

પડદા પર કોમેડી કરતી અદાકારાની પડદા પાછળની ટ્રેજેડી

ટુનટુને તેમની ફિલ્મી કરિયરમાં લગભગ ૨૦૦ ફિલ્મોમાં કામ કર્યું. તેમનું ભારેખમ શરીર તેમને કોમેડીમાં સહાયક બન્યું. તેમની લોકપ્રિયતા કેટલી હશે વિચાર કરો, કે સ્થૂળ શરીર ધરાવનાર સ્ત્રીને ટુનટુન કહેવાની એક પરંપરા જ લોકોમાં શરૂ થઇ ગઈ જે આજે પણ ચાલુ છે.

ફોકસ -રાજેશ યાજ્ઞિક

સિનેમાનું કામ શું? ચોક્કસ, લોકોનું મનોરંજન કરવાનું જ વળી. અને મનોરંજનની વાત આવે ત્યારે ફિલ્મોમાં કોમેડીની વાત ન આવે તેમ કેમ બને? એક સમય હતો જ્યારે હિન્દી ફિલ્મોમાં કોમેડિયનોનો દબદબો હતો. પણ મોટેભાગે બધાજ કોમેડિયન પુરુષો હતા. તેવા સમયે એક નામ, જેણે કોમેડિયન તરીકે એવી સફળતા મેળવી કે તેનું નામ ઘેરઘેર જાણીતું થઇ ગયું. એટલું જ નહીં, તેનું નામ આજે પણ લોકજીભે રમે છે. એ નામ છે ટુનટુનનું!

જો ટુનટુન આજે જીવંત હોત, તો સો વર્ષ વટાવી ચુક્યા હોત. કારણકે, ટુનટુનનો જન્મ ૧૧ જુલાઈ ૧૯૨૩ના રોજ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લા પાસેના એક નાના ગામમાં થયો હતો. આમ તો આપણે હિન્દી ફિલ્મની આ કોમેડિયન મહિલાને ટુનટુન તરીકે જાણીએ છીએ પરંતુ તેમનું અસલી નામ ઉમા દેવી ખત્રી હતું. લાખો ફિલ્મ રસિયાઓને પોતાના અભિનય દ્વારા હસાવનાર ટુનટુન ઉમાદેવીનું બાળપણ કેવા દુ:ખમાં વીત્યું છે એ જાણીએ તો આપણી આંખના ખૂણા પણ ભીના થયા વિના ન રહે.

ઉમા દેવી ખૂબ નાના હતાં ત્યારે જમીનના વિવાદમાં તેમના માતા-પિતાની હત્યા કરવામાં આવી હતી. તેમના મૃત્યુ પહેલા, ટુનટુને એકવાર એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને મારા માતાપિતાના ચહેરા પણ યાદ નથી’ તેમનો એક ભાઈ હતો. તેની ઉંમર તે સમયે ૮-૯ વર્ષની હતી અને તેનું નામ હરિ હતું. એ સમયે તેમનો પરિવાર અલીપોરમાં રહેતો હતો. વિધિની વક્રતા જુઓ, કે ઉમાદેવી જ્યારે ચાર-પાંચ વર્ષનાં હતાં, ત્યારે તેમના ભાઈની પણ હત્યા થઈ ગઈ હતી. આ રીતે તેમણે પોતાનું જીવન અનાથની જેમ વિતાવવાનો વારો આવ્યો. કહેવાની જરૂર નથી કે ટુનટુનનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું.

ટુનટુન અર્થાત કે ઉમાદેવીનો અવાજ બહુ સરસ હતો અને બહુ સારું ગાઈ શકતા. એટલે તેમની ઈચ્છા મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગાયિકા તરીકે નસીબ અજમાવવાની હતી. ત્રેવીસ વર્ષની ઉંમરે ઘર છોડીને મુંબઈ ભાગી આવેલા ઉમાદેવીએ સંગીતકાર નૌશાદનો દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, હું ખૂબ સારું ગાઉં છું, મને એક તક આપો નહીં તો હું મુંબઈના દરિયામાં કૂદી જઈશ! તેમને સાંભળ્યા પછી નૌશાદજીએ તેમનું ઓડિશન લીધું અને પછી તેમને ગાવાનો મોકો આપ્યો. ૧૯૪૭માં ફિલ્મ ‘દર્દ’નું ઉમા દેવીનું પહેલું ગીત ‘અફસાના લીખ રહી હૂં દિલ-એ-બેકરાર કા આંખો મેં રંગ ભર કે તેરે ઈન્તેઝાર કા’ આવ્યું અને આ ગીત સુપરહિટ રહ્યું. જૂનાં ગીતોના શોખીન લોકોને આજે પણ આ ગીત ખૂબ ગમે છે. આ ગીત પછી, ‘આજ મચી હૈ ધૂમ’, ‘યે કૌન ચલા’, ‘બેતાબ હૈ દિલ’ વગેરે જેવાં ઘણાં વધુ હિટ ગીતો તેમના અવાજમાં સિનેરસિકોને સાંભળવા મળ્યા દર્દ ફિલ્મ પછી તેમણે દુલારી, ચાંદની રાત, સૌદામિની, ભિખારી, ચંદ્રલેખા વગેરે ફિલ્મોમાં ગીતો ગાયા. પણ તે પછી હિન્દી ફિલ્મોમાં ગીત-સંગીતનો પ્રવાહ પલટાયો. લતા મંગેશકર, આશા ભોંસલે જેવી ગાયિકાઓના પ્રવેશ પછી ગાવાની શૈલીમાં પરિવર્તન આવ્યું અને વધુ ઘેરા ન હોય તેવા અવાજ ગાયિકાઓમાં આવ્યા, જે લોકોને પસંદ પડવા લાગ્યા. તેથી ઉમાદેવીની સંગીત કારકિર્દી ડોલવા માંડી. આ સમયે કહેવાય છે કે નૌશાદે ફરી ઉમાદેવીને મદદ કરી. તેમણે ઉમાને સલાહ આપી કે તેણે અભિનયમાં અજમાયશ કરવી જોઈએ. એટલુંજ નહીં, પણ નૌશાદે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉમાદેવીને કામ આપવા વાત પણ કરી. નૌશાદે દિલીપ કુમાર સાથે વાત કરી અને ટુનટુનને બાબુલ (૧૯૫૦) માં કામ મળ્યું, તે જ ફિલ્મમાં તેનું નામ ઉમા દેવીથી બદલીને ટુનટુન કરવામાં આવ્યું અને અહીંથી બોલીવૂડને તેની પ્રથમ મહિલા કોમેડિયન પણ મળી. લોકોએ તેમને કોમેડિયન તરીકે ખૂબ પસંદ કર્યા. આ રીતે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રથમ મહિલા કોમેડિયન તરીકે તેમનું નામ અંકિત થઇ ગયું. આ નામ પછી તેમની કાયમી ઓળખાણ જ બની ગઈ. ટુનટુને આરપાર, મિસ્ટર એન્ડ મિસિસ ૫૫, પ્યાસા, નમક હલાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ટુનટુને તેમની ફિલ્મી કરિયરમાં લગભગ ૨૦૦ ફિલ્મોમાં કામ કર્યું. તેમનું ભારેખમ શરીર તેમને કોમેડીમાં સહાયક બન્યું. તેમની લોકપ્રિયતા કેટલી હશે વિચાર કરો, કે સ્થૂળ શરીર ધરાવનાર સ્ત્રીને ટુનટુન કહેવાની એક પરંપરા જ લોકોમાં શરૂ થઇ ગઈ જે આજે પણ ચાલુ છે. ૯૦નો દશક આવ્યો ત્યાં સુધીમાં તેઓ ફિલ્મોથી દૂર રહેવા લાગ્યા. તેમની છેલ્લી ફિલ્મ ૧૯૯૦માં આવેલી ‘કસમ ધંધેકી’ હતી. આ પછી તેણે ફિલ્મોમાં કામ કર્યું નથી.

એક ઈન્ટરવ્યુમાં, શશી રંજને જૂના જમાનાની સ્ટાર કોમેડિયનની લીધેલી મુલાકાત યાદ કરીને જણાવેલું કે તેઓ મુંબઈમાં એક ચાલમાં દયનીય જીવન જીવી રહ્યાં હતાં. તેઓ બીમાર હતાં, પરિસ્થિતિ એવી ખરાબ હતી કે બે ટંકના ભોજનના સાંસા હતા. ઉંમરને લગતી બીમારીઓ માટે દવાના પૈસા પણ માંડ ચૂકવી શકતાં હતાં. આખરે ૨૩ નવેમ્બર ૨૦૦૩ના રોજ આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button