રાયન રેનોલ્ડ્સ ને ડેડપૂલ મેરે નસીબ મેં તુ હૈ કિ નહીં!
‘ડેડપૂલ’ ફિલ્મ ફ્રેન્ચાઈઝ પાછળ કેવી રહી એક્ટર રાયન રેનોલ્ડ્સની વર્ષોની મહેનત?
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
રાયનનો ડેડપૂલ સાથેનો નાતો ગજબનાક છે. ૨૦૦૪માં એક જૂની કોમિક બુક વાંચતી વખતે રાયને તેમાં ડેડપૂલ માટે રાયન રેનોલ્ડ્સના નામનો ઉલ્લેખ જોયો. પોતાનું નામ વાંચીને એને થયું કે આ તો સાચે જ બિલકુલ નિયતિની વાત છે. એ પાત્રને વધુ સમજતા ખબર પડી કે ડેડપૂલ તો મજાનું પાત્ર છે.
‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’ મતલબ કે ‘એમસીયુ’ની લેટેસ્ટ ફિલ્મ ‘ડેડપૂલ એન્ડ વુલ્વરીન’ ગયા અઠવાડિયે રિલીઝ થઈ. ધાર્યા મુજબ જ આ ફિલ્મ ચાહકોને ખૂબ જ પસંદ પડી રહી છે અને વકરો પણ કરી રહી છે, પણ આપણે વાત કરવી છે ફિલ્મના એક્ટર રાયન રેનોલ્ડ્સ અને એના સુપરહીરો પાત્ર ડેડપૂલ સાથેના સંબંધની. બંનેની જોડી ‘મેઈડ ફોર ઈચ અધર’ જેવી છે.
વર્ષો લાંબી આ સંબંધની સફર અત્યંત મજેદાર છે. ચાલો જાણીએ કારકિર્દીના શરૂઆતનાં વર્ષોમાં રાયન રેનોલ્ડ્સને કોમેડી અને રોમેન્ટિક ફિલ્મ્સમાં જ એના સારા દેખાવ અને કોમેડી ટાઈમિંગના કારણે કામ મળતું હતું, પરંતુ રાયનને અલગ જોનરની ફિલ્મ્સમાં પણ કામ કરવું હતું. રાયને કોશિશ કરી, પરંતુ એની એક્શન અને એમાં પણ સુપરહીરોવાળી ફિલ્મ્સ સફળ ન થઈ શકી. રાયને ‘ગ્રીન લેન્ટર્ન’ (૨૦૧૧), બ્લેડ: ટ્રિનિટી’(૨૦૦૪), આરઆઇપીડી’ (૨૦૧૩) અને ‘એક્સ-મેન ઓરિજિન્સ: વુલ્વરીન’ (૨૦૦૯) ફિલ્મ્સમાં સુપરહીરોના પાત્રો
ભજવ્યા, પણ બધી જ ફિલ્મ્સ ફ્લોપ. આટલી નિષ્ફળ એક્શન ફિલ્મ્સ અને તેમાં પણ સુપરહીરો પાત્રમાં આટલી ફ્લોપ ફિલ્મ્સ પછી હોલીવૂડમાં વધુ એ જ જોનરમાં આવા એક્ટર પર કોઈ સ્ટુડિયો પૈસા લગાવવા તૈયાર ન થાય,પરંતુ રાયનના નસીબમાં ડેડપૂલ જેવું
સફળ સુપરહીરો પાત્ર અને ડેડપૂલના નસીબમાં રાયન જેવી મહેનતુ અને દ્રઢ મનોબળવાળી વ્યક્તિ લખાઈ હશે એટલે રાયનને વધુ એક મોકો મળ્યો.
એમ કહી શકાય કે રાયન રેનોલ્ડ્સે નિષ્ફળતાને પડકાર તરીકે જોઈ અને સફળતા મેળવવા માટેના વધુ પ્રયાસો આદર્યા. એણે પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યો. ‘ગ્રીન લેન્ટર્ન’ની નિષ્ફળતાથી રાયનને એ સમજાયું કે મોટા બજેટ અને ‘સીજીઆઈ’ ( કમ્પ્યુટર ઈફેક્ટસ) ના વધુ પડતા ઉપયોગથી ફિલ્મ સફળ થાય જ એ જરૂરી નથી, ફિલ્મની નબળી વાર્તા અને કાચા પાત્રો તેનાથી ઢાંકી શકાતા નથી.
રાયનનું માનવું હતું કે આખરે તો દર્શકોને પાત્રો અને વાર્તા જ વધુ સ્પર્શતા હોય છે. અને ‘એક્સ મેન ઓરિજિન્સ: વુલ્વરીન’માં તો એને ડેડપૂલનું પાત્ર પણ થોડીક મિનિટ્સ માટે ભજવવા મળ્યું હતું. પણ એને ટેસ્ટ ઓડિયન્સે અત્યંત ખરાબ પ્રતિભાવ આપ્યો હતો.
કોમિક બુકસ આધારિત આ પાત્રમાં સ્ટુડિયો દ્વારા કરાયેલા ઘણા ફેરફારો દર્શકોને પસંદ નઆવ્યા અને એ અનુભવ પરથી રાયને એ શીખ મેળવી કે કોમિક બુકસથી વધુ દૂર હટવામાં આવે ત્યારે દર્શકો બહુ જ યોગ્ય વિવેચક બની જતા હોય છે.
મજાની વાત એ છે કે રાયને પોતે જ ડેડપૂલ પ્રત્યેના પ્રેમના કારણે એની સ્ક્રીપ્ટ પર કામ કરવાનું ૨૦૦૫થી શરૂ કરી દીધું હતું. ૨૦૦૮માં આયર્ન ‘મેન’થી ‘એમસીયુ’ની શરૂઆત થઈ ત્યારે રાયને જોયું કે રોમેન્ટિક કોમેડીની સર્ખામણીએ સુપરહીરો ફિલ્મ્સ વધુ પ્રમાણમાં ચાલી રહી છે.
રાયનને લાગ્યું કે ડેડપૂલમાં ફિલ્મને સફળતા મળે એવા કેટલાંય કારણ છે, જેમ કે માર્વેલ કોમિક્સનું પાત્ર, તગડો ફેન બેઝ, એક્સ મેન ક્રોસઓવર, વગેરે. એ વખતે ટવેન્ટીએથ સેન્ચુરી ફોક્સ સ્ટુડિયો કે જે બહુ જ સફળતાપૂર્વક એક્સ મેન ફિલ્મ્સ બનાવી રહ્યો હતો તેનાં પાત્રો ડેડપૂલમાં આવે તો બંનેને વધુ ફાયદો થાય એવાં સમીકરણો હતા. આમ છતાં રાયન રેનોલ્ડ્સની પહેલી ડેડપૂલ’ ફિલ્મ ૧૧ વર્ષની મહેનત બાદ છેક ૨૦૧૬માં રિલીઝ થઈ.
‘ફોક્સ સ્ટુડિયો’એ તો રાયનને ડેડપૂલ ફિલ્મ બનાવવાની ના જ પાડી દીધી હતી. મુખ્ય કારણ એ હતું કે એ વખતે હોલિવૂડના કર્તા-હર્તાઓ કોઈ જોખમ લેવા તૈયાર નહોતા. જે ચાલતું હતું એ જ ચલાવવા માંગતા હતા.
સિક્વલ્સ અને ફ્રેન્ચાઈઝ સારી ચાલી રહી હતી. તેમાં ફિલ્મ્સમાં નવા પાત્રોને લેવા-ઉમેરવા એ વખતે સ્ટુડિયોઝ તૈયાર નહોતા. ઉપરાંત રાયનનો સુપરહીરો ફિલ્મ સાથેનો ઇતિહાસ પણ વખાણવામાં લાયક ન હતો. ‘ગ્રીન લેન્ટર્ન’ને તો રાયનની સૌથી નબળી ફિલ્મ ગણવામાં આવે છે. ‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’ની જેમ જ ડીસી કોમિકસના પાત્ર ગ્રીન લેન્ટર્ન થકી સ્ટુડિયોની ડીસી યુનિવર્સ બનાવવાની યોજના હતી, પણ મોટા બજેટ અને મોટી આશા છતાં ફિલ્મ કંઈ ઉકાળી શકી નહીં એટલે એ પછી બનાવવા ધારેલી બાકીની ફિલ્મ્સ અને રાયનની સુપરહીરો સફર પર ત્યારે પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. અત્યારે તો જોકે રાયન પોતે જ ‘ગ્રીન લેન્ટર્ન’ને મજાકનો મુદ્દો બનાવીને લોકો સમક્ષ રજૂ કરે છે.
અત્યારે જે ડેડપૂલે એને વધુ ખ્યાતિ અપાવી છે તેને ‘એક્સ મેન ઓરિજિન્સ: વુલ્વરીન’માં સામેલ કર્યા પછી તેને મળેલા પ્રતિસાદના આધારે પણ ટવેન્ટીએથ સેન્ચુરી ફોક્સ સ્ટુડિયો રાયનને પોતાની સોલો ડેડપૂલ ફિલ્મ આપવા તૈયાર નહોતો.
ડેડપૂલના કારણે એમની પહેલેથી સફળ
ચાલી રહેલી મોટી એક્સ મેન ફ્રેન્ચાઇઝને કોઈ ફટકો ન લાગે એ પણ એમણે જોવાનું હતું. એટલે પણ રાયન રેનોલ્ડ્સના વર્ષોના પ્રયાસ છતાં એને ‘ડેડપૂલ’ ફિલ્મ માટે મંજૂરી ન આપવામાં આવી.
રાયનનો ડેડપૂલ સાથેનો નાતો ગજબનાક છે. ૨૦૦૪માં એક જૂની કોમિક બુક વાંચતી વખતે રાયને તેમાં ડેડપૂલ માટે રાયન રેનોલ્ડ્સના નામનો ઉલ્લેખ જોયો. પોતાનું નામ વાંચીને એને થયું કે આ તો સાચે જ બિલકુલ નિયતિની વાત છે. એ પાત્રને વધુ સમજતા ખબર પડી કે ડેડપૂલ તો મજાનું પાત્ર છે. એ મેટા (વાસ્તવિક જિંદગીના દ્રષ્ટાંતોનો ઉલ્લેખ) છે, ફોર્થ વોલ બ્રેક (વાચકો કે દર્શકો સાથે સીધો સંવાદ સાધવો) કરે છે અને પોતે જાણે પણ છે કે તે એક કોમિક બુક પાત્ર છે. આ બધા ઉપરાંત એને પોતાનામાં અને ડેડપૂલમાં ખુશમિજાજી અને રમૂજી સ્વભાવની સામ્યતા પણ લાગી. બસ , આ બધા
પરથી એને લાગ્યું કે ડેડપૂલ તો એના નસીબ સાથે જોડાયેલું પાત્ર છે. અને તેના પરથી કેમે કરીને તેને ફિલ્મ બનાવવી જ છે. કોઈ એક્ટરને કોઈ પાત્ર સાથે લગાવ થઈ જાય અને જાતે જ એ ફિલ્મ બનાવવા પાછળ વર્ષો સુધી પ્રયાસો કરે એ સિનેમાજગતમાં વારંવાર નથી બનતું હોતું.
ટવેન્ટીએથ સેન્ચુરી ફોક્સ સ્ટુડિયો સામે ઘણા પ્રયત્નો પછી પણ એને તેમાં સફળતા ન મળી એટલે તેણે સ્ટુડિયોના બદલે દર્શકોનો સહારો લીધો. જોકે એમ પણ કહી શકાય કે જેમને બતાવવા માટે રાયનને ફિલ્મ બનાવવી હતી એ જ દર્શકોનો સહયોગ એને યોગાનુયોગ
મળ્યો. અને એની સફર અનોખી રીતે જ ડેડપૂલ સાથે ફરી વખત જોડાઈ ગઈ. પણ એ કઈ
રીતે થયું અને અત્યારે ડેડપૂલની ત્રીજી ફિલ્મ બનવા સુધીમાં રાયન, ડેડપૂલ, એમસીયુ,
ફોક્સ અને વુલ્વરીન સાથે કઈ-કઈ ઘટનાઓ બની એ જાણવું રસપ્રદ છે. તેની વાત આવતા સપ્તાહે. (ક્રમશ:)
લાસ્ટ શોટ
‘ડેડપૂલ એન્ડ વુલ્વરીન’ માર્વેલ સિનેમેટિક યુનિવર્સની પ્રથમ આર રેટેડ ફિલ્મ છે.