મહિલા બૉક્સિંગનો બાઉટ શરૂ થયો ને 46 સેકન્ડ પછી ઇટલીની સ્પર્ધકે ચાલતી પકડી!
પૅરિસ: અલ્જિરિયાની ઇમેન ખેલિફ નામની બૉક્સરનો પૅરિસ ઑલિમ્પિક્સની મહિલા બૉક્સિંગ ઇવેન્ટના પ્રથમ રાઉન્ડમાં બધાના આશ્ર્ચર્ય વચ્ચે ફક્ત 46 સેકન્ડમાં વિજય થયો હતો.
વાત એવી છે કે ગુરુવારે ખેલિફનો ઇટલીની ઍન્જેલા કૅરિની સાથે જંગ હતો. જોકે બન્ને હજી તો એકમેકને થોડા પંચ લગાવ્યા ત્યાં તો કૅરિનીએ એ બાઉટમાંથી ચાલતી પકડી હતી. ઑલિમ્પિક બૉક્સિગંમાં આવી ઘટના પહેલી જ વાર બની છે.
કૅરિની રિંગ છોડી ગઈ એ પહેલાં તેનું હેડગિયર નીકળી ગયું હતું. તેણે વિજેતા બૉક્સર ખેલિફ સાથે હાથ પણ નહોતા મિલાવ્યા. ઊલટાનું તે (કૅરિની) ઘૂંટણિયે બેસીને ખૂબ રડી હતી. પછીથી કૅરિનીએ કહ્યું હતું કે ‘શરૂઆતના પંચ બાદ મારા નાકમાંથી ખૂબ લોહી નીકળ્યું હતું અને મને નાકમાં ખૂબ દુખાવો પણ હતો. હું કોઈ રાજકીય કારણસર ખેલિફ સામે લડવા નહોતી માગતી એવું નથી. મને થયું કે નાકમાં આટલી બધી ઈજા થઈ છે તો પણ મારે લડવાનું ચાલુ ન જ રાખવું જોઈએ.’
ઉલ્લેખનીય છે કે પુરુષ જેવી દેખાતી ખેલિફને 2023ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાંથી કાઢી મૂકવામાં આવી હતી, કારણકે તે જાતિને લગતી (જેન્ડર એલિજિબીલિટી) ટેસ્ટમાં નિષ્ફળ ગઈ હતી. તે પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવા આવી છે એને પગલે પણ વિવાદ જાગ્યો છે.