એક થા સદાશિવ અમરાપુરકર આમ તો વિલન ને આમ તો હીરો
ડ્રેસ-સર્કલ -સંજય છેલ
આમતૌર પર આપણી ભોળી પ્રજા સામે ફિલ્મોવાળાઓની બે જ ઇમેજ હોય છે.
એક : સ્વિમિંગ પૂલમાં બિકિની પહેરેલી છોકરીઓ સાથે શરાબની જ્યાફત ઉડાડતાં નફ્ફટ લોકો.
બે: નિષ્ફળ થઇને ગુમનામીનાં અંધકારમાં ટૂંટિયુંવાળીને બેઠેલો કોઇ ભિખારી, જે એક જમાનામાં મોટો સ્ટાર હતો અને હાય રે, હવે તે શું હાલત થઇ છે!
આમ લોકો માટે ફિલ્મવાળાંઓ કાંતો ઐયાશ કાં તો ખલ્લાસ હોય!
બરોબર ૧૦ વરસ અગાઉ ૨૦૧૪ જાણીતાં ફિલ્મ-નાટ્ય કલાકાર સદાશીવ અમરાપુરકરનું અવસાન થયું ત્યારે પણ સ્હેજ આવી જ લાગણી થઇ આવી હતી .
૨૦૦૦ની સાલ પછી સદાશિવ અમરાપુરકર , ખાસ કોઇ મોટી કે જાણીતી હિંદી ફિલ્મોમાં ચમકયાં નહોતાં એટલે એમનાં મૃત્યુ પર અને ઢળી પડેલી કેરિયર પર એમ બબ્બે મૃત્યુનોંધો સોશ્યલ મીડિયામાં વાંચવા મળી! દુ:ખ થયું કે લોકો, કલાકારને માત્ર બોક્સ ઓફિસ પરથી જ આ ફિલ્મજગતના માણસનો મૂલવે છે.
મરાઠી નાટકોમાં સદાશિવ સ્ટાર હતાં અને ‘હેંડઝ-અપ’ નામના નાટકને જોઇને જ ગોવિંદ નિહાલાનીએ એમને અર્ધસત્ય’ ફિલ્મમાં રામા શેટ્ટીનાં રોલ માટે પસંદ કરેલાં. હિંદી ફિલ્મોનાં પાંચ બેસ્ટ ખલનાયકોમાં સદાશીવ ચોક્કસ આવી શકે.‘અર્ધસત્ય’માં કડક ઇન્સપેકટર વેલણકર (ઓમપુરી) જ્યારે રામા શેટ્ટી (અમરાપુરકર)નાં અડ્ડા પર એને પકડવાં એરેસ્ટ વોરંટ લાવે છે ત્યારે શેટ્ટી શાર્પ લૂક આપીને એટલું જ કહે છે:
જાઓ, કલ આઓ! એ ‘કલ આઓ’ માં હજારો શબ્દોથી વધુ તાકાત હતી! ‘અર્ધસત્ય’ ફિલ્મના લેખક મરાઠી નાટ્યકાર વિજય તેંદૂલકરે જ્યારે આ રોલ માટે સદાશિવને પૂછયું ત્યારે એ મરાઠી નાટકોમાં સ્ટાર હતાં ને ફિલ્મમાં રોલ નાનો હતો, પણ સદાશિવે પોતાનાં મેક-અપ પર ખૂબ કામ કર્યુ. માથાનાં વાળ મૂંડાવી નાખ્યાં, મુંબઇની ઉડીપી હોટેલનાં શેટ્ટીઓ જેવાં કપડાં બનાવ્યાં, પત્તા રમવાની સ્ટાઇલ ઉમેરી અને રામા શેટ્ટી-નું પાત્ર અમર બનાવી દીધું.
મહેશ ભટ્ટની પૂજા ભટ્ટ સંજય દત્તવાળી સુપર હીટ ફિલ્મ ‘સડક’ ફિલ્મમાં જુવાન છોકરીઓની વેશ્યાવાડે લે-વેંચ કરતો ખુંખાર વિલન સાડી પહેરે અને જેનું નામ ‘મહારાણી’ હોય એવો વિચિત્ર પણ સુપર હીટ આઇડિયા મહેશ ભટ્ટને ખુદ સદાશિવે આપેલો અને આપણે ત્યાં પહેલીવાર પડદાં પર કોઇ ક્ધિનરને વિલન તરીકે દેખાડવામાં આવ્યો. એટલું જ યાદગાર પાત્ર ‘ઈશ્ક’ ફિલ્મમાં રમૂજી બાપ તરીકે એમણે કરેલું.
સદાશિવભાઉ સાથે મને કામ કરવાનો ઝાઝો મોકો નહોતો મળ્યો, પણ જ્યારે જ્યારે એમને મળવાનું થયું ત્યારે એક સારી ફીલિંગ થઇ આવતી. કારણ? કારણ બહુ સાફ છે, સદાશિવ માત્ર વિલન કે કોમેડિયન નહોતા, પણ સમાજનાં શોષિત-દલિત-ગરીબ વર્ગ માટે કામ કરનારો પ્રતિબદ્ધ સમાજવાદી માણસ હતો, મારો એક મિત્ર શશીકાંત સાવંત જૂના અલભ્ય પુસ્તકોનો સંગ્રાહક છે. ફિલ્મ લાઇનમાં બહુ ગણ્યા-ગાંઠ્યા લોકો એની પાસેથી મોંઘા ભાવે બૂક્સ ખરીદે એમાંના એક એટલે સદાશિવ. એ ફિલ્મમાં રોલ ભલે નેગેટીવ કરે પણ માણસ નખશિખ પોઝિટીવ. સદાશિવ જ્યારે મળે ત્યારે મને હંમેશાં ટોણો મારે કે હું એને મારી લખેલી કોઇ ફિલ્મમાં કોઇ રોલ કેમ નથી અપાવતો?
આખરે એકવાર શાહરુખ ખાન-જૂહી ચાવલા દ્વારા નિર્મિત ફિલ્મ ‘ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની’ માટે એક ખટપટી રાજકારણીના રોલ માટે એમનો મેં સંપર્ક કર્યો. રોલ સાંભળ્યો પણ એક યુવાન યુવતી પર રેપ સીન એમાં એમણે ભજવવાનો હતો. સદાશિવે રોલ સાંભળીને તરત જ વિનયપૂર્વક ના પાડી કે હવે આવા રોલ નથી કરવા. એ સમયે સદાશિવને કામની બહુ ખૂબ જરૂર હતી અને એમના જિદ્દી સિદ્ધાંતવાદી સ્વભાવને લીધે હવે કામ પણ ઓછું મળતું હતું, છતાંયે મોટી ફિલ્મમાં ના કહેવાની ખુમારી એમણે દાખવી, જે ફિલ્મ લાઇનમાં બહુ રેર-દુર્લભ ઘટના છે.
ફિલ્મોમાં ગંદા -ભ્રષ્ટ કે વિલનનું કામ કરનાર સદાશિવ પોતે અંગત જીવનમાં ખૂબ જ પરગજુ માણસ હતા. ગરીબો કે દલિતો માટેની સામાજિક ચળવળમાં ખૂબ ભાગ લેતા અને સત્તા અને સરકારો સામે બિંદાસ લડી પણ લેતા. શિવસેનાનાં સ્થાપક સ્વ.બાળ ઠાકરેએ જેની બોલવાની કળાની સ્ટાઇલ અપનાવી હતી એવાં મરાઠી વક્તાં-લેખક સ્વ.આચાર્ય અત્રેનું રમૂજી નાટક છે: ‘લગ્નાચી બેડી’. આ નાટકનાં અસંખ્ય શો, વિના મૂલ્યે- ગાંઠનાં નાણાં ખર્ચીને સદાશિવ આખાં મહારાષ્ટ્રમાં ગામે ગામ કર્યાં અને એ જમાનામાં કરોડો રૂપિયા જમા કરીને એક ટ્રસ્ટ બનાવ્યું. એ ટ્રસ્ટમાંથી અનેક સામાજિક સંસ્થાઓ,સમાજ સેવકોને દર મહિને વરસોથી આર્થિક મદદ મળતી રહે છે. આ વાતના સદાશિવે કોઇ ઢંઢેરા પણ નહોતા પીટાવ્યા.
આજે અદાકાર સદાશિવ ભલે હયાત નથી પણ ઇન્સાન સદાશિવ એ સંસ્થાઓની મદદ પામતાં લોકોની આંખોમાં જીવે છે. મરાઠીમાં આવાં ઘણાં કલાકારો મળી આવે છે, જેમ કે- મરાઠી નાટકો ને ફિલ્મોના અદ્ભુત અભિનેતા નીળુ ફૂલે (‘કૂલી’ ફિલ્મનો વૃદ્ધ ‘કૂલી કે ‘સારાંશ’ ફિલ્મમાં રાજનેતા) અને રીમા લાગુ જેવાં અનેક કલાકારો સદાશિવનાં સામાજિક કામોમાં સમય આપતાં. સદાશિવે, ગામડાંઓમાં નશામુક્તિ કરાવતી સંસ્થા-મુક્તાંગણ માટે પણ મરતાં દમ સુધી ખૂબ કામ કર્યું.
સદાશિવ, પ્રેકટિકલ નહોતાં. ફિલ્મ લાઇનમાં જરૂરી એવી ચમચાગીરી નહોતી આવડતી. સમાજવાદી સિદ્ધાંતવાદ, જક્કી સ્વભાવ, ક્યારેય કોઇપણ સાથે તડજોડ ના કરવી- એવો એનો લડાકુ મરાઠી મિજાજ હતો. કોઇ નિર્માતાનાં પૈસા બાકી હોય તો કોર્ટનાં ધક્કા ખાઇને કેસ લડતાં અને પછી એ જ પૈસા સામાજિક કૃત્તજ્ઞતા ‘નિધિ’ નામનાં ટ્રસ્ટમાં આપી દેતા. અંધ-મૂક-બહેરી હેલન કેલર પર એમણે નાટક પણ લખેલું.
સદાશિવને જ્યારે જ્યારે મેં ફિલ્મ સેટ પર જોયાં ત્યારે એ હંમેશાં પુસ્તકો વાંચવામાં ખૂંપેલાં જ દેખાતાં. ફિલ્મના સેટ પર કોઇ સાથે ખા-ખા-ખી-ખી કરતાં નહીં, પણ ખૂણામાં બેસીને વિશ્ર્વસાહિત્ય વાંચે રાખે . પુસ્તકોનો પ્રેમ તો ત્યાં સુધીનો હતો કે નાનાં ગામોમાં બૂકસેલરોને સપોર્ટ આપવા પુસ્તકો ખરીદતાં ને પછી લોકોને ભેટમાં આપી દેતાં. ટ્યુસડે વિથ મોરી’ નામની અંગ્રેજી નવલકથા સદાશીવને એટલી બધી ગમી કે પત્ની સુનંદા અમરાપુરકર પાસે મરાઠીમાં અનુવાદિત કરાવી અને પ્રગટ કરી, જે આજેય મરાઠી ભાષામાં બેસ્ટસેલર કિતાબ છે.
વ્યવસાયે વિલન એવા સદાશિવને ગાંધીવાદી અને બૌદ્ધ સાહિત્યનો પ્રેમ હતો. ગાંધી પ્રેમને લીધે એમણે મરાઠીમાં ‘વાસ્તુ-પુરૂષ’ નામની ફિલ્મ પૈસો લીધાં વિના કરી, જેમાં એક ગાંધીવાદીની અદ્ભુત ભૂમિકા ભજવેલી. આજનાં જમાનામાં સદાશિવે બે રેં ટિયાં વસાવેલાં અને પોતે ચરખો કાંતતા, પણ! સમાન્ય પ્રજાને કયાંથી સમજાય કે ફિલ્મોમાં બળાત્કાર કે મર્ડર કરતો વિલન અંગત જીવનમાં ચુસ્ત ગાંધીવાદી પણ હોઇ શકે! જાહેરજીવનમાં ગાંધી-ગાંધી જપતા જૂઠ્ઠા નેતાઓ અંદરખાને ફિલ્મી વિલનને શરમાવે એવાં હોય છે અને ફિલ્મી વિલન ખરેખર ગાંધીવાદી નીકળી આવે છે!
છેલ્લે છેલ્લે રાજશ્રી ફિલ્મ્સ માટે ફિલ્મ પણ ડિરેક્ટ કરવાનાં હતા, પણ એમના અકાળ મોતને લીધે ફિલ્મ ના બની. ખેર સદાશિવ અભિનયની અમુક મર્યાદાઓ સાથે પણ અમર્યાદ ગુણોવાળા ઇન્સાન જીવ હતાં. સદાશીવની ચકળવકળ આંખો, સામાજિક પ્રતિબદ્ધતાવાળી ચર્ચાઓ, ગામડામાં પાણીનાં ટેંકરવાળાં માફિયાઓ સામેની શારીરિક લડત..વગેરે હજુયે ભૂલાતી નથી. એમની યાદગાર ‘અર્ધસત્ય’ ફિલ્મનાં એક દ્રશ્યમાં, આદર્શવાદી ઇન્સ. વેલણકરને (ઓમ પુરીને) વિલન રામા શેટ્ટી (સદાશિવ)કહે છે: ‘વેલણકર, તુમ્હારા એક હી ચ પ્રોબ્લેમ હૈ, સાલા તુમ સોચતા બોત હૈ!’
સદશિવનો પણ આ જ પ્રોબ્લેમ હતો.