વૈષ્ણોદેવીની છબિ સાથેના સિક્કાને નામે સિનિયર સિટિઝન સાથે લાખોની ઠગાઈ
મુંબઈ: માતા વૈષ્ણોદેવીની છબિ સાથેના પાંચ રૂપિયાના સિક્કાને નામે સિનિયર સિટિઝન સાથે રૂ. 8.50 લાખની ઠગાઇ આચરવામાં આવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે આ પ્રકરણે છેતરપિંડી સહિત આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.
આ પણ વાંચો: સીબીઆઈના અધિકારીના સ્વાંગમાં કંપનીની નિવૃત્ત મહિલા ડિરેક્ટર સાથે 25 કરોડની ઠગાઈ
માહિમ વિસ્તારમાં વૃદ્ધ બહેન સાથે રહેતા ફરિયાદી જૂના સિક્કા એકઠા કરવાનો શોખ ધરાવે છે. તેમણે 26 જૂને ફેસબૂક પર સંજીવકુમાર નામની વ્યક્તિની જાહેરાત જોઇ હતી, જેમાં વૈષ્ણોદેવીની છબિ સાથેનો પાંચ રૂપિયાનો સિક્કો દર્શાવવામાં આવ્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે એ સિક્કાના બદલામાં કોઇને રૂ. નવ લાખ મળી શકે છે. દરમિયાન ફરિયાદીએ સંજીવકુમારનો સંપર્ક સાધતાં સિક્કા માટે રૂ. નવ લાખ મળશે, એવું તેણે ફરિયાદીને કહ્યું હતું.
આ પણ વાંચો: શૅરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે ઠગાઈ કરનારા ત્રણ જણ પકડાયા
ફરિયાદી સિક્કો ખરીદવા અને ફરીથી વેચવા માટે સંમત થયાના થોડા દિવસ બાદ સંજીવકુમારે તેમનો સંપર્ક કર્યો હતો અને આધાર કાર્ડ તેમ જ ફોટો માગ્યો હતો. બાદમાં જીએસટી નોંધણી માટે અમુક રકમ મોકલવાનું કહ્યું હતું. સંજીવકુમારે ત્યાર બાદ ફરિયાદીને કેટલાક દસ્તાવેજો મોકલ્યા હતા અને તે માટે વિવિધ બેન્ક એકાઉન્ટમાં પૈસા ભરવાનું કહ્યું હતું. ફરિયાદીએ થોડા થોડા કરીને રૂ. 8.58 લાખ વિવિધ બેન્ક એકાઉન્ટમાં જમા કર્યા હતા. જોકે રૂપિયા ભરવા છતાં સંજીવકુમારે વૈષ્ણોદેવીની તસવીરવાળો સિક્કો મોકલાવ્યો નહોતો. પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ ફરિયાદીએ પોલીસનો માહિમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.