સ્પોર્ટસ

ગાયકવાડે પાકિસ્તાન સામે 11 કલાક ક્રીઝ પર ટકી રહીને 201 રન બનાવેલા

વેસ્ટ ઇન્ડિઝના ખૂંખાર ફાસ્ટ બોલર્સ સામે ગજબની હિંમત અને નીડરતાથી રમનાર અંશુમાનને પીએમ મોદી અને ક્રિકેટજગતની શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી, કોચ અને સિલેક્ટર અંશુમાન ગાયકવાડે બ્લડ કૅન્સર સામેની લાંબી લડાઈ બાદ બુધવારે રાત્રે અંતિમ શ્ર્વાસ લીધા હતા અને તેમના અવસાન બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, ગૃહ પ્રધાન અમિત શાહે, બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની તથા સેક્રેટરી જય શાહે તેમ જ સુનીલ ગાવસકર, ગુંડપ્પા વિશ્ર્વનાથ સહિત ક્રિકેટજગતની નામાંકિત હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

બાહોશ અને નીડર અભિગમ રાખીને રમતા ગાયકવાડ ઘણી યાદગાર ઇનિંગ્સ રમ્યા હતા, પરંતુ એ બધામાં વિશેષ કરીને વેસ્ટ ઇન્ડિઝ સામેની 1975-’76ની લડતભરી ઇનિંગ્સ અને પાકિસ્તાન સામેની 201 રનની હાઇએસ્ટ ઇનિંગ્સ ખાસ હતી. તેઓ જલંધરના એ ટેસ્ટ-દાવમાં 11 કલાક સુધી ક્રીઝ પર ટકી રહ્યા હતા અને તેમની એ લાંબી ઇનિંગ્સથી કોઈને પણ આશ્ર્ચર્ય નહોતું થયું.

ગાયકવાડ ઘણી ટેસ્ટ ઇનિંગ્સમાં હરીફ બોલર્સ માટે દીવાલ બનીને રમ્યા હતા. 1975થી 1987 દરમ્યાન 40 ટેસ્ટ અને 15 વન-ડે રમનાર ગાયકવાડે ટેસ્ટમાં બે સદીની મદદથી 1985 રન અને વન-ડેમાં એક સેન્ચુરીની મદદથી 269 રન બનાવ્યા હતા. તેમણે કુલ 21 કૅચ પકડ્યા હતા. રણજી ટ્રોફી સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેમણે 34 સેન્ચુરી સાથે કુલ 12,136 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની તબિયત લથડી, કપિલ દેવે માગી મદદ

સપ્ટેમ્બર, 1983માં જલંધરમાં ઝહીર અબ્બાસના સુકાનમાં પાકિસ્તાને વસીમ રાજાના 125 રનની મદદથી 337 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે મહા મહેનતે 374 રન બનાવ્યા હતા. જોકે આ 374 રન ગાયકવાડ (201 રન, 436 બૉલ, 671 મિનિટ, 17 ફોર)ની મૅરેથોન ઇનિંગ્સને આભારી હતા.

સુનીલ ગાવસકર (5) અને મોહિન્દર અમરનાથ (7) સસ્તામાં આઉટ થયા બાદ ઓપનર ગાયકવાડે 11 કલાકની એ ઇનિંગ્સમાં યશપાલ શર્મા (7) સાથે 53 રનની, સંદીપ પાટીલ (26) સાથે 58 રનની, રવિ શાસ્ત્રી (26) સાથે 78 રનની, રોજર બિન્ની (54) સાથે 121 રનની તથા કૅપ્ટન કપિલ દેવ (4) સાથે 15 રનની ભાગીદારી કરી હતી અને પાકિસ્તાનને મોટી લીડથી વંચિત રાખ્યું હતું. તાહિર નકાશ, અઝીમ હાફિઝ, મુદસ્સર નઝર, મોહમ્મદ નાઝિર સહિત સાત પાકિસ્તાની બોલર ગાયકવાડને વહેલા આઉટ નહોતા કરી શક્યા. છેવટે ભારતના છેક 353 રનના સ્કોર પર વસીમ રાજા સામે તેઓ કૉટ ઍન્ડ બોલ્ડ થયા હતા.

ગાયકવાડ 71 વર્ષના હતા. તેઓ 35 વર્ષના હતા ત્યારે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા. મુશ્કેલ પરિસ્થિતિમાં માનસિક દબાણથી પર રહીને રમતા હતા. ટીમ પ્રત્યે તેમનામાં ગજબની સમર્પણ ભાવના હતી અને ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ અતુલ્ય હતો.

વડા પ્રધાન મોદીએ ગાયકવાડને અંજલિ આપતા જણાવ્યું હતું કે ‘શ્રી અંશુમાન ગાયકવાડજીએ ભારતીય ક્રિકેટને જે અમૂલ્ય યોગદાન આપ્યું હતું એ બદલ તેઓ સદા યાદ રખાશે. ભારતીય ક્રિકેટને ઈશ્ર્વરની બક્ષિસ તરીકે મળેલા ગાયકવાડ અસાધારણ કોચ પણ હતા. તેમના નિધનથી મને ખૂબ જ દુ:ખ થયું છે. તેમના પરિવારજનો અને તેમના પ્રશંસકો પ્રત્યે હું શોક વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.’

આ પણ વાંચો: બે અનોખા રેકૉર્ડ કરનાર ભૂતપૂર્વ પાકિસ્તાની ઑલરાઉન્ડરનું નિધન…

અમિત શાહે જણાવ્યું હતું કે ‘ગાયકવાડે પોતાના કૌશલ્યથી ભારતીય ક્રિકેટનું સ્તર વધાર્યું હતું અને એને ગૌરવ અપાવ્યું હતું.’
બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્નીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ‘ક્રિકેટ સમુદાયને હંમેશાં ગાયકવાડની ખોટ વર્તાશે. તેઓ માત્ર ક્રિકેટર નહીં, મેન્ટર તેમ જ અનેકના મિત્ર પણ હતા. તેમણે ભારતીય ક્રિકેટને આપેલું યોગદાન હંમેશાં યાદ રહેશે.’

જય શાહે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે ‘ગાયકવાડમાં ભલભલા મોટા બોલર્સનો સામનો કરવાની ગજબની હિંમત અને સમજદારી હતી. ભારતીય ક્રિકેટને તેમણે સમર્પણની ભાવના સાથે અનેરું યોગદાન આપ્યું હતું.’

બીસીસીઆઇએ તાજેતરમાં જ કપિલ દેવની ભલામણથી ગાયકવાડને એક કરોડ રૂપિયાની તબીબી સહાય કરી હતી. મહિના પહેલાં ગાયકવાડને લંડનથી ભારત પાછા લાવવામાં આવ્યા હતા. એ પહેલાં તેમને લંડનની કિંગ્સ કૉલેજ હૉસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બીસીસીઆઇએ ગુરુવારે ગાયકવાડને અંજલિ આપતા જણાવ્યું હતું, ‘તેમણે સૉલિડ બૅટિંગ ટેક્નિકથી તેમ જ દૃઢ સંકલ્પશક્તિથી વિશ્ર્વના શ્રેષ્ઠ બોલરનો હિંમત અને સફળતાથી સામનો કર્યો હતો.

સુનીલ ગાવસકર અને ગુંડપ્પા વિશ્ર્વનાથે પણ ગાયકવાડના નિધન બદલ શોક વ્યક્ત કરીને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…