Maratha Reservation: મરાઠા સમાજ અનામતને પાત્ર, હાઈ કોર્ટમાં MMCBCએ કરી રજૂઆત
મુંબઈ: મરાઠા સમુદાયના લોકો અત્યંત પછાત છે અને સમગ્ર સમાજને આદરથી નથી જોવામાં આવતો. આ કારણોસર શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં તેઓ અનામત મેળવવાને પાત્ર છે એવી રજૂઆત બેકવર્ડ ક્લાસિસ કમિશને બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ કરી છે.
મરાઠા સમુદાયના લોકોને આપવામાં આવેલી અનામતને પડકારતી વિવિધ અરજીના જવાબમાં હાઈકોર્ટના નિર્દેશ મુજબ મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ આયોગ (મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ – એમએસસીબીસી)એ 26 જુલાઈએ એક સોગંદનામું દાખલ કર્યું હતું. સોગંદનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓપન કેટેગરીની વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાના 10 વર્ષની આંકડાકીય માહિતી અનુસાર 94 ટકાથી વધુ લોકો મરાઠા સમુદાયના છે.
મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં સરકારી નોકરી અને શિક્ષણમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (એસઈબીસી) કેટેગરી હેઠળ મરાઠા સમુદાયને 10 ટકા અનામત આપી હતી. આ અરજીઓમાં પંચ દ્વારા રજૂ કરવામાં આવેલી ભલામણોને પણ પડકારવામાં આવી હતી. આ ભલામણોને આધારે જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સોગંદનામામાં કમિશને જણાવ્યું હતું કે તેણે આંકડાકીય માહિતી એકઠી કરી સંશોધન અભ્યાસ હાથ ધર્યો હતો અને અગાઉની સમિતિઓ દ્વારા કરવામાં આવેલા અહેવાલો અને ભલામણોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. ‘રાજ્યમાં મરાઠા સમુદાય માટે આદર નથી એવો નિષ્કર્ષ અધ્યયનની નીપજ હતી. મરાઠા સમુદાય અત્યંત પછાત હોવાનું જાણવા મળ્યું હતું,’ એમ પણ સોગંદનામામાં જણાવાયું હતું.
આ પણ વાંચો : મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓને મુખ્ય પ્રધાનની મોટી રાહત, જરાંગેની માગણી પણ પૂરી
સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો છે કે ‘મરાઠા સમુદાયના સભ્યોએ કરેલી આત્મહત્યાની સંખ્યા ઘણી વધારે છે જે તીવ્ર હતાશાની નિશાની છે. મરાઠાઓ સહિત ઓપન કેટેગરીના લોકો દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાના 10 વર્ષના આંકડા અનુસાર આત્મહત્યા કરનારા માત્ર 5.18 ટકા લોકો બિન – મરાઠા ઓપન કેટેગરીના હતા અને મોટા ભાગના લોકો એટલે કે 94.11 ટકા લોકો મરાઠા સમુદાયના હતા.
2018થી 2023 દરમિયાન અન્ય સમુદાયના ખેડૂતોની સરખામણીએ આત્મહત્યા કરનારા મરાઠા ખેડૂતોની ટકાવારી વધુ હતી. સમાજમાં પોતાનું સ્તર ઉપર જવા માટે કે સુધારવા માટે કોઈ તક નથી એવો અહેસાસ થયા પછી જ કોઈ વ્યક્તિ આત્મહત્યા જેવું આત્યંતિક પગલું લેતી હોય છે.’
સોગંદનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કમિશન દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, મરાઠા સમુદાયના વ્યક્તિઓએ ઓપન કેટેગરીની તુલનામાં નીચલા સ્તરનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, ખાસ કરીને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરવા અને સ્નાતક, અનુસ્નાતક ડિગ્રી અને વ્યાવસાયિક અભ્યાસક્રમો પ્રાપ્ત કરવાના સંદર્ભમાં. મુખ્ય ન્યાયમૂર્તિ ડી કે ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણી અને ફિરદોશ પૂનીવાલાની ખંડપીઠ પાંચમી ઓગસ્ટે અરજીઓની સુનાવણી કરશે.
(પીટીઆઈ)