આપણું ગુજરાત

મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામના હૃદય છેડાએ સર્જ્યો ઇતિહાસ

ભુજ: ચીનના હોંગઝોઉ ખાતે રમાઈ રહેલી એશિયાઈ રમતોમાં ભારતની ઘોડેસવાર ટીમે ૪૧ વર્ષ બાદ સુવર્ણપદક મેળવતાં દેશભરમાં આનંદ ફેલાયો છે ત્યારે મહત્ત્વની વાત એ છે કે, ચાર સભ્યોની બનેલી ભારતીય ઘોડેસવાર ટીમ એટલે કે ઇન્ડિયન ડ્રેસેજ ટીમના એક સભ્ય તરીકે હૃદય છેડાનું નામ પણ છે જેનો પરિવાર મૂળ કચ્છના મુંદરા તાલુકાના મોટા કાંડાગરાનો છે અને હાલે તેવો મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં રહે છે.

સુદીપતિ હાજેલા,દિવ્યકિર્તી સિંઘ,હૃદય છેડા,અનુશ અગ્રવાલને સમાવતી આ ટીમના હૃદય છેડાનો પરિવાર મૂળ કચ્છના મુંદરા તાલુકાના મોટા કાંડાગરાનું છે તેમ ભુજ સ્થિત તેમની સાથે સંપર્ક ધરાવતા ગિરીશભાઈ છેડાએ જણાવ્યું હતું.

માત્ર છ વર્ષની ઉંમરે મુંબઈના જુહુ ખાતે ઘોડીના બચ્ચા પર ‘ફનરાઇડિંગ’ કર્યા બાદ હૃદયને ઘોડેસવારીનો શોખ જાગ્યો હતો અને અંતે અથાગ પરિશ્રમ બાદ તે આ કીર્તિના પડાવ સુધી પહોંચ્યો છે.
જો કે હૃદય છેડાએ મુંબઈની જમનાબાઈ નર્સિંગ સ્કૂલ ખાતે પોતાનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ પુણે ખાતેના જપાલો યુપુ ઇકવેસ્ટેરિયમ સેન્ટર ખાતે ઘોડેસવારીની પ્રારંભિક તાલીમ લીધી હતી.

આ ઉપરાંત તે એમેચ્યોર રાઈડર્સ ક્લ્બનો પણ સભ્ય રહ્યો હતો. ત્યારબાદ તેણે યુરોપ સહિતના કોચ પાસેથી વિદેશમાં રહીને તાલીમ લીધી હતી.

ભારતમાં ઈકવેસ્ટરિયમ સ્પોર્ટ્સનો વિકાસ હજુ થઇ રહ્યો છે પણ એશિયન રમતોમાં આ રમતોની શરૂઆત છેલ્લાં ૧૬ વર્ષોથી થઇ ચુકી છે.

ઈકવેસ્ટરિયમ સ્પોર્ટ્સને ગુજરાતીમાં અશ્ર્વારોહણ રમતો તરીકે ઓળખાય છે.

જયારે આ રમતોનો ઓલમ્પિક રમતોમાં છેક ઈ.સ ૧૯૧૨થી સમાવેશ કરાયો છે.

દરમ્યાન, કચ્છ સાથે નાતો ધરાવતા હૃદય છેડાની આ સિદ્ધિ બદલ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, સુશ્રી મમતા બેનર્જી સહિતનાઓએ ટ્વિટર પર અભિનંદન આપ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button