કચ્છભુજ

કચ્છની દેશી ખારેકની ખેતી કેમ ઘટી છે…આના પર આ ફોરેન યુનિવર્સિટી કરશે સંશોધન

ભુજઃ કચ્છી મેવા તરીકે વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી દેશી ખારેક પર ફિનલેન્ડની એકેડમી ઓફ ફિનલેન્ડ યુનિવર્સિટી દ્વારા યુરોપિયન દેશોના કેટલાક નિષ્ણાતો સાથે મળીને આગામી ચાર વર્ષ માટે કચ્છમાં સંશોધન હાથ ધરવામાં આવશે.

દેશી ખારેકની ખેતી લાંબા સમય સુધી ટકે અને અને તેના પાકમાં વિવિધતા આવે એ આ સંશોધનનો મુખ્ય ઉદેશ્ય હોવાનું અગાઉ કચ્છના ધરતીકંપ બાદ થયેલા પુનઃવસન પર અભ્યાસ કરી ચૂકેલા એકેડમી ઓફ ફિનલેન્ડના ડો. મરિયાના પાવહોલાના તત્કાલીન સહાયક બનેલા મૂળ ઝરપરાનાં અને હાલ કચ્છમાં પ્રાકૃત ફાઉન્ડેશન ફોર ડેવલોપમેન્ટ ટ્રસ્ટના શ્યામ ગઢવીએ જણાવ્યું હતું.

તેમણે આ સંશોધન વિશે વાત કરતાં કહ્યું હતું કે, સૂકા મુલક કચ્છમાં અન્ય પાકોની ખેતીની સાથે વધારાના પાક સ્વરૂપે વાવવામાં આવતી દેશી ખારેકને બદલાઈ રહેલાં જળવાયું પરિવર્તન અને બારહી પ્રકારની ખારેકની વધતી જતી લોકપ્રિયતા સામે ટકાવવી રાખવી પડકારજનક બાબત બનતી જાય છે તેથી વાતાવરણીય વિષમતા સામે દેશી ખારેકને ટકાવી કેમ રાખવી એ આ સંશોધનનો મુખ્ય ઉદેશ્ય હોવાની સાથે દેશી ખારેકનાં બાય પ્રોડક્ટ ઉપરાંત તેની ઘટતી-જતી ખેતી પર પણ અભ્યાસ કરાશે.

આ ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મ સાથે ખેડૂતોને જોડી યુરોપમાં આ કચ્છી મેવાની લોકપ્રિયતાનો અંદાજ મેળવાશે.
દરમ્યાન,તાજેતરમાં જખૌ કાંઠે ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાએ અન્ય પાકોની સાથે ખારેકના મોટાભાગના પાકને પહોંચાડેલા ભારે નુકસાનનો અંદાજ મેળવ્યા બાદ આ સંશોધનની શરૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચો: જીઆઈ ટેગ મળ્યા પછી વૈશ્ર્વિક બજારમાં ‘કચ્છી સૂકો મેવો’ તરીકે ઓળખાતી ખારેકને મળ્યું પ્રાધાન્ય

દેશી ખારેકના પાકને ખાતર કે પેસ્ટીસાઇડની ખાસ જરૂર પડતી નથી એ તેનો સૌથી મોટો ગુણ છે તેમજ રણપ્રદેશનું વધુ માત્રા ધરાવતું ટી.ડી.એસ.વાળું પાણી પણ ખારેકના વૃક્ષને ચાલે છે. વળી, મૂળ ખેતીની સાથે વધારાના પાક તરીકે એ ફળદાયી ગણાવાય છે.

ફળ ઉપરાંત ખારેકના થડ, પાંદડા પણ કૃષિકારો માટે અતિ મૂલ્યવાન હોવાનું તેમણે ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, સાડા ચાર સદી જેટલો જૂનો ઇતિહાસ ધરાવતી કચ્છથી કન્યાકુમારી સુધીની સફર ખેડતી કચ્છી દેશી ખારેક દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય છે.

દેશી અને બારહી એમ બંને પ્રકારની ખારેકનું ઉત્પાદન થાય છે જેમાં દેશી ખારેકનો સ્વાદ અલગ જ પ્રકારનો હોવાથી એની માંગ વધુ રહે છે. સામાન્ય રીતે ટિસ્યૂ કરેલા અને ત્રણ વર્ષ બાદ ફળ આપવાની શરૂઆત કરતા એક રોપાના રૂ. ૪ હજારથી લઈ રૂ. ૪૫૦૦ સુધી મળતા હોય છે.

દેશી ખારેકમાં બારહી ખારેક કરતાં થોડો ઓછો ખર્ચ આવે છે અને દેશી ખારેક વેચાણ માટે બજારમાં પણ વહેલી આવે છે. ખારેકના એક ઝાડમાં સરેરાશ ૧૫૦થી ૨૦૦ કિલો જેટલું ઉત્પાદન મળે છે.

આ પણ વાંચો: નેચરલ એરકન્ડિશનર: કચ્છી ભુંગા

કચ્છમાં મુખ્યત્વે મુંદરા, ભુજ અને અંજારમાં ખારેકનું વાવેતર વિશેષ છે, પરંતુ હવે પ્રમાણમાં વધારે ક્ષારયુક્ત જમીન ધરાવતા નખત્રાણા તાલુકામાં ખારેકનું ઉત્પાદન વધ્યું છે.

ખારેકની સિઝન દરમિયાન ૫ એકર પ્રમાણે સ્થાનિક ભાવ મુજબ રૂ. ૧૫ લાખ જેવી આવક થતી હોવાનું ચોબારીના ધર્મેન્દ્ર અહિરે જણાવ્યું હતું.

દેશી ખારેકના ૧૫થી ૨૦ દિવસ બાદ બારહી ખારેક બજારમાં ઠલવાય છે જેમાં લાલ-પીળા રંગની અને સહેજ ચપટી બારહી ખારેકની અન્ય રાજ્યોમાં વિશેષ માંગ હોય છે.

ખારેકની કચ્છથી બેંગલુરુ, રાયપુર, કોલકાતા, ગોવા, નાસિક અને છેક ચેન્નઇ પહોંચાડવામાં આવતી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આગામી સમયમાં કચ્છી કેસર કેરી અને બારાહી ખારેક જેવી લોકપ્રિયતા દેશી ખારેકને પણ મળે તેવા પ્રયાસો કૃષિ વિભાગ દ્વારા વેગવાન બનાવાયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button