World Lung Cancer Day: અમદાવાદમાં અન્ય રાજ્યના દરદીઓ પણ લઈ રહ્યા છે સારવાર
અમદાવાદઃ આજે વર્લ્ડ લંગ કેન્સર દિવસ છે. દર વર્ષે 1લી ઓગસ્ટને વર્લ્ડ લંગ કેન્સર ડે (ફેફસાંનું કેન્સર દિવસ) તરીકે ઉજવવામા આવે છે. ફેફસાંનું કેન્સર માત્ર ધૂમ્રપાનથી જ થાય છે, તેમ માનવામાં આવે છે, પરંતુ પ્રદૂષણ સહિતના ઘણા કારણો જવાબદાર છે. ગુજરાતની અમદાવાદની સરકારી કેન્સર હૉસ્પિટલ જીસીઆરઆઈમાં છેલ્લા પાંચ વર્ષમાં જ 4,660 દર્દીઓ ફેફસાંના કેન્સરના નોંધાયા છે. આ દરદીઓ માત્ર ગુજરાત નહીં, પણ દેશના અન્ય રાજ્યોમાંથી પણ આવે છે.
મહિલાઓ કરતા પુરુષોમાં ફેફસાના કેન્સરનું પ્રમાણ પાંચ ગણુ વધુ
મહિલાઓ કરતા પુરુષોમાં ફેફસાના કેન્સરનું પ્રમાણ અને જોખમ ચારથી પાંચ ગણુ વધુ હોય છે અને જેની પાછળ સૌથી મોટુ કારણ બીડી-સિગારેટનું વ્યસન હોય છે. મહિલાઓમાં ફેફસાંના કેન્સરમાં ધૂમ્રપાન અને ગ્રામ્ય વિસ્તારમાં ચૂલા પર રસોઈને લીધે થતો ધુમાડો પણ કારણભૂત છે. 90 ટકા દર્દીઓમાં સ્મોકિંગ મુખ્ય કારણ છે. દેશમાં ફેફસાંના કેન્સરમાં મૃત્યુદર 80 ટકા છે. તેમજ 50થી 80 વર્ષની વયના લોકોએ લો ડોઝ સિટી સ્કેન કરાવવો હિતાવહ છે. તમાકુ-ધુમ્રપાનના સેવનને લીધે ફેફસાંના કેન્સરની શક્યતા 25 ગણી વધી જતી હોય છે, આસપાસની વ્યક્તિને પણ ધુમાડાની અસરને લીધે કેન્સર થાય છે. વિશ્વમાં વર્ષે અંદાજિત 13 લાખ જેટલા લોકોનાં મોત થઈ રહ્યા છે.
અમદાવાદમાં વર્ષ 2023માં કુલ 953 દર્દીઓએ સારવાર લીધી
અમદાવાદ સિવિલ કેમ્પસ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ એન્ડ ઈન્સ્ટિટયૂટ (જીસીઆરઆઈ)માં છેલ્લે વર્ષ 2023ના અરસામાં ફેફસાંના કેન્સરના કુલ 953 દર્દી સારવાર માટે આવ્યા છે, જે પૈકી 745 પુરુષો એટલે કે 78 ટકા અને 208 મહિલા એટલે કે 21.83 ટકા મહિલા દર્દીને સારવાર આપવામાં આવી છે. વર્ષ 2019થી 2023 એમ છેલ્લા પાંચ વર્ષમાં જીસીઆરઆઈમાં ફેફસાંના કેન્સરના 4660 કેસ નોંધાયા છે, જેમાં 82.42 ટકા પુરુષો એટલે કે 3841 પુરુષ દર્દી અને 17.58 ટકા મહિલા એટલે કે 819 મહિલા દર્દીએ સારવાર લીધી છે.
અમદાવાદમાં સૌથી વધુ 61થી 65 વર્ષના દર્દી
અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં 26થી 30 વર્ષની વયના પાંચ વર્ષમાં 43 દર્દી નોંધાયા હતા, 31થી 35 વર્ષ વાળા 65 અને 36થી 40 વર્ષના 134 દર્દીએ લંગ કેન્સરની સારવાર લીધી હતી. સૌથી વધુ 61થી 65 વર્ષના 928 એટલે કે 19.91 ટકા દર્દી નોંધાયા હતા.
દેશમાં દર વર્ષે 81 હજારથી વધુ દર્દીઓ ફેફસાનું કેન્સર થાય
ભારતમાં 81 હજારથી વધુ દર્દીઓ દર વર્ષે ફેફસાંના કેન્સરના નોંધાયા છે અને જેમાંથી 75 હજાર જેટલા મૃત્યુ પામે છે. ફેફસાંના કેન્સરમાં 85 ટકા દર્દીઓ મુખ્યત્વે કારણ ધુમ્રપાન જોવા મળે છે. પ્રથમ અને બીજા સ્ટેજમાં ઓપરેશન કે સર્જરી અને કીમો થેરાપી તેમજ રેડીયોથેરાપી સહિતની ટ્રીટમેન્ટ આપીને દર્દીને સાજા કરવામાં આવે છે. જીસીઆરઆઈમાં માત્ર પાંચ વર્ષમાં 4990 દર્દીઓ નોંધાયા છે અને જેમાં ગુજરાતના 3290 તથા મધ્યપ્રદેશના 689 અને ઉત્તરપ્રદેશના 68 તેમજ બાકીના અન્ય રાજ્યોના છે.