નવી દિલ્હી: મંગળવારે વહેલી સવારે કેરળના વાયનાડમાં બનેલી લેન્ડ સ્લાઈડ(Wayanad Landslide)ની ઘટનાને કરીને અત્યાર સુધીમાં 250 લોકોના મોત થયા છે, લગભગ 190 લોકો હજુ લાપતા છે. એવામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દિલ્હીથી કેરળ જવા રવાના થયા છે, રાહુલ ગાંધી વાયનાડથી લોકસભાના સાંસદ રહી ચુક્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે છે. બંને વાયનાડ પહોંચશે અને આપત્તિગ્રસ્ત પરિવારોને મળશે. આર્મી, NDRF, સ્ટેટ ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને સ્થાનિક લોકો દ્વારા રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.
રાહુલ અને પ્રિયંકા બંને ગઈ કાલે બુધવારે વાયનાડ જવાના હતા પરંતુ ખરાબ હવામાનને કારણે પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો હતો. જે બાદ બંને આજે ગુરુવારે વહેલી સવારે દિલ્હીથી વાયનાડ જવા રવાના થયા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં રાયબરેલીની સાથે વાયનાડથી પણ ચૂંટણી લડી હતી. જેમાં રાહુલ ગાંધીએ રાયબરેલીની સાથે વાયનાડમાં પણ જીત મેળવી હતી. જોકે, રાહુલ ગાંધીએ રાયબરેલીથી સાંસદ પદ જાળવી રાખ્યું અને વાયનાડથી રાજીનામું આપ્યું હતું. જે બાદ ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે. જ્યાંથી રાહુલ ગાંધીની બહેન અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાયનાડથી ઉમેદવાર બને તેવી શક્યતા છે. અગાઉ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ યુપીના અમેઠીની સાથે વાયનાડથી પણ ચૂંટણી લડી હતી. આ સમયગાળા દરમિયાન રાહુલ અમેઠીથી હારી ગયા હતા જ્યારે તેઓ વાયનાડથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા.
વાયનાડમાં આવેલી કુદરતી આફતે સમગ્ર દેશને હચમચાવી દીઘી છે. વાયનાડના ચાર ગામો ભૂસ્ખલનથી સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તેના કારણે લોકો અને જાનમાલને પણ ભારે નુકસાન થયું છે.
મળતી માહિતી મુજબ આ ચાર ગામમાં ચાના બગીચાના કામદારો રહે છે, આ ગામોમાં લગભગ 22 હજારની વસ્તી હતી. ગામવાસીઓ શાંતિથી સૂઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે ભુસ્ખલને તારાજી સર્જી.