લાડકી

વેર- વિખેર-પ્રકરણ ૨૫

તું અભિમાનની પૂતળી છો. જિંદગીમાં મેં તારા મોઢે બધા શબ્દો સાંભળ્યા છે પણ તું આજ સુધી ‘સોરી’ બોલી નથી શકી.. એક વાર ક્ષમા માગીશ ત્યાર બાદ જ નવી શરૂઆત શકય બને. !

કિરણ રાયવડેરા

સમજણો થયો ત્યારથી મા-બાપ વચ્ચેના ઝઘડાનો હંમેશાં સાક્ષી રહેલો વિક્રમ બંનેની દલીલો અને તર્કને સમજવાની કોશિશ કરતો નહીં. ઝઘડો કોઈ પણ નાની વાતથી શરૂ થાય અને પછી થોડી વારમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે. બંને ભૂલી જાય કે કલહનું મુખ્ય કારણ શું હતું. પછીના કલાકો દરમિયાન બંનેના અવાજો જ સંભળાય, બંનેના આક્ષેપો સંભળાય, બંનેની ચીસો સંભળાય, શબ્દો સમજાય નહીં પણ એવી ગંભીરતા સમજાય… છેલ્લે મમ્મીનું રુદન સંભળાય અને દીવાલ પર અફળાતી પપ્પાની મુઠ્ઠીનો અવાજ સંભળાય..

બચપણથી આજ સુધીનું આ રોજનું દૃશ્ય હતું. વિક્રમને કોઠે પડી ગયું હતું. મા-બાપ ગમતાં, પણ ઝઘડે ત્યારે બંને તરફ નફરત થતી. જોકે જાહેરમાં એ પક્ષ લેવાનું ટાળતો પણ મનોમન જાણતો હતો કે એને મમ્મી વગર ચાલતું નહોતું. એટલે જ એને હંમેશાં થતું કે મમ્મી નિર્દોષ છે.

આજે મમ્મી કહી રહી હતી કે તારા બાપ જેવો માવડિયો નહીં થતો. ‘ઓહ ભગવાન, બચાવ… આ માહોલમાંથી મુક્ત કર અમને’. વિક્રમ એક નજર મમ્મી ફેંકીને લાંબા ડગ ભરતો બહાર નીકળી ગયો.
લખુકાકા પણ આસ્તેથી સરકી ગયા હતા. દીવાલ પર લાગેલી ગ્રાન્ડફાધર કલોકમાં સાતના ટકોરા પડતા હતા.

કરણ દરવાજા પાસે ઊભો હતો. પિતાની જેમ એને પણ ટકોરા ગણવાની આદત પડી ગઈ હતી.

પ્રભાને અફસોસ થતો હતો કે એ વિક્રમ સાથે વધુ ઉગ્ર સ્વરે બોલી ગઈ હતી. પતિના કારણે નાનપણથી જ છોકરાઓ તરફ અન્યાય થતો આવ્યો હતો. એટલે જ જગમોહન તરફ એની નફરત ઘૂંટાતી જતી હતી.
જગમોહન સાથે ઉગ્ર દલીલબાજી થયા બાદ એ છોકરાઓ પર હાથ ઉપાડી દેતી. પછી જ્યારે એનો ગુસ્સો ઠંડો પડતો ત્યારે જગમોહન ઑફિસે જતો રહ્યો હોય અથવા ચૂપચાપ સૂઈ ગયો હોય. બાળકો જાણે કંઈ ન બન્યું હોય એમ પોતાના કામમાં વળગી ગયા હોય. ત્યારે એ એકલીઅટૂલી એક ખૂણામાં પોતાના ગુના તેમજ ગુસ્સાની આગમાં બળતી રહેતી. છેવટે કંઈ સૂઝ ન પડતાં એ રડી પડતી.

ઘણી વાર એને ઈચ્છા થઈ આવતી કે જગમોહન સાથે વણસી ગયેલા સંબંધને ફરી સુધારી લે. બંને વચ્ચે ભયંકર જીભાજોડી થયા બાદ પણ એ જાણે કંઈ ન બન્યું હોય એમ જગમોહન પાસે એક યા બીજા બહાને જતી. ‘સોરી’ કહેવાની ઈચ્છા થતી પણ માફી માગી શકતી નહીં ત્યારે જગમોહન ખિજાઈ જતો.

‘તું અભિમાનની પૂતળી છો. જિંદગીમાં મેં તારા મોઢે બધા શબ્દો સાંભળ્યા છે પણ તું આજ સુધી સોરી’ બોલી નથી શકી. એક વાર ભૂલ કર્યા બાદ માફી માગ્યા વિના નોર્મલ થવાની કોશિશ કરીશ તો એ મને મંજૂર નથી. ક્ષમા માગીશ ત્યાર બાદ જ નવી શરૂઆત શકય બને.

આ સાંભળીને પ્રભા ઉશ્કેરાઈ જતી, ‘તું કેવી રીતે નક્કી કરી શકે કે ભૂલ મારી જ હતી? તારી પણ ભૂલ હોઈ શકે! તો હું એકલી શેની માફી માગું?’ કહીને એ મોઢું ફેરતી લેતી.

પ્રભાને શિકાયત હતી કે જગમોહન એના સંબંધોને સુધારવાના પ્રયત્નોને સમજતો નથી.

જગમોહનને ફરિયાદ હતી કે ભૂલ કર્યા બાદ પ્રભા માફી કેમ માગતી નથી અને પરિણામે બંને વચ્ચે પોલાદ કરતાં વધુ મજબૂત એવી અહમ્ની દીવાલ વધુ ને વધુ ઊંચી થતી ગઈ. એટલી હદ સુધી કે છેવટે એ દીવાલની આરપાર બંને એકમેકને જોઈ શકતાં નહીં. નજર પડી જાય તો આંખમાંથી તણખા ઝરે – વાતો ન થાય, એકબીજા સામે વડકાં ભરાય.

એક જ બેડરૂમમાં સૂવા છતાંય બંને વચ્ચે જોજનોનું અંતર હતું.

કરણ હજી બારણાને અઢેલીને મમ્મીને જોઈ રહ્યો હતો.

‘કાં, કરણ તું હજુ ઊભો છે? તારે જવું નથી?’ કરણ સામે અકારણ ઉશ્કેરાટ પ્રગટ ન થઈ જાય એનું પ્રભાને ધ્યાન રાખવું પડતું. કરણ જાણે કાચનો બનેલો હોય એટલો ભાવુક હતો. એની સામે થોડા પણ ઊંચા સાદે વાત થતાં એના મન પર ઘસરકો પડી જતો.

આવા ફૂલ જેવા છોકરા પર એણે કેટલી વાર હાથ ઉપાડ્યો હતો, પ્રભાનો જીવ કપાતો હતો. આ બધું પેલા બિનજવાબદાર માણસના કારણે, જેનું નામ જગમોહન દીવાન છે.

‘આવ બેટા કરણ, મારી પાસે બેસ!’ કરણ નીચું મોઢું કરીને મમ્મીની પાસે બેસી ગયો.

‘મમ્મી, એક વાત કરવી છે!’ કરણ ભાગ્યે જ બોલતો એ પ્રભા જાણતી હતી.

‘હા, હા, બોલને, પપ્પાની ચિંતા નહીં કરતો. એ પાછા આવી જશે. તને ફિકર થતી હોય તો તું એમના સેલ પર વાત કરી લેજે.’
‘મમ્મી, હું ફોન લગાડું તો તું વાત કરીશ?’ કરણે ડરતાં ડરતાં પૂછ્યું.

‘ના, કરણ, મેં તને અગાઉ પણ કહ્યું છે કે અમારા બંનેના મામલામાં તમારે માથું મારવું નહીં. તમારા બાપ-દીકરાની બાબતમાં હું વચ્ચે નહીં પડું. હું એની સાથે વાત નહીં જ કરું. એની ઈચ્છા હોય ત્યારે ઘરે આવે. આ ઘર એનું જ છે. એની માનું જ છે.’
કરણ ફરી મૂંગો થઈ ગયો.

મા-બાપ વચ્ચેની નફરતે એના કુમળા માનસ પર એવી ઘેરી અસર કરી હતી કે એને બોલવાની બહુ ઈચ્છા થતી જ નહીં. એ મિત્રો સાથે મોકળા મને વાત કરી શકતો, પણ જેવો ઘરે પ્રવેશે કે એના ગળામાંથી અવાજ જ ન નીકળે. એનો જીવ મૂંઝાવા લાગે.

‘શું વાત કરવી હતી કરણ?’
પ્રભાએ બગાસું ખાતા પૂછી લીધું. જગમોહન સાથે ફોનમાં વાત કરવા કરતાં તો એકાદ કલાક ઊંઘ ખેંચી નાખવી સારી.

‘ના મમ્મી, આ તો જતીનકુમારે કાલે…’
‘શું કર્યું જતીનકુમારે ફરી? શું ફરી કોઈ ગરબડ કરી કરણ? તું મારાથી કોઈ વાત છુપાવતો નહીં, તને મારા સમ.’ પ્રભાને ધ્રાસ્કો પડ્યો.

જતીનકુમાર એટલે જગમોહન અને પ્રભા દીવાનના જમાઈરાજ. દીકરી રેવતીના પતિદેવ. દેખાવ સોહામણો પણ સ્વભાવ વિચિત્ર. ઘણી વાર લાગે કે માનસિક રીતે અસ્થિર છે અને એમને ચિકિત્સાની જરૂર છેપણ દીવાન ખાનદાનના જમાઈ કોઈ મનોચિકિત્સકની ટ્રીટમેન્ટ લે તો તો આબરૂ જાય એ ભયથી બધા ઢાંકપિછોડા કરતાં હતાં. છેલ્લાં કેટલાંક વરસોથી એક નવી બીમારીએ માથું ઊંચક્યું હતું. કરણ એ જ કુટેવનો ઉલ્લેખ કરતો હતો.

‘મમ્મી, ગઈકાલે જતીનકુમાર મારા મિત્રના પપ્પા પાસે જઈને બે લાખ રૂપિયા લઈ આવ્યા. કૈલાશના પપ્પાએ તો ખુશ થઈને કહ્યું કે અરે તમે તો દીવાન પરિવારના જમાઈરાજ છો. હજી વધુ રૂપિયાની જરૂર હોય તો કહેજો.’

પ્રભાએ આઘાતથી પોતાના મોઢા પર હાથ મૂકી દીધો. ઓહ નો, જતીનકુમારે ફરી ગોટાળો કર્યો. હજી ગયા અઠવાડિયે એ વિક્રમના મિત્ર પાસેથી પચાસ હજાર રૂપિયા ઉછીના લઈ આવ્યા હતા.

‘કરણ, તું ફિકર નહીં કરતો. આજે તારા પપ્પા આવે ત્યારે તું એને પણ વાત કરજે. આપણે કોઈ રસ્તો કાઢીશું.’ પ્રભાએ કરણના માથે હાથ ફેરવતાં કહ્યું.

‘ના, મમ્મી, તારે કહેવું હોય તો કહેજે. પણ હું પપ્પાને વાત નથી કરવાનો. મારાથી એમને નહીં કહી શકાય.’ કહેતાં કરણ ઊભો થઈ ગયો.

‘ઓ.કે. ડોન્ટ વરી, બેટા. હું વાત કરીશ. તારા પપ્પા નહીં માને તો હું પ્રોબ્લેમનો ઉકેલ લાવીશ.’ પ્રભાએ દીકરાને સાંત્વન આપ્યું.

‘મમ્મી, પપ્પા તો કહી દેશે કે વાંધો નહીં, એમણે જેટલા રૂપિયા લીધા હોય એ ચૂકવી દો. પણ મમ્મી, હવે બહુ શરમ આવે છે. હું મારા મિત્રોને ફેસ નહીં કરી શકું. બધાને ખબર પડી જશે.’
‘ના, એવું નહીં થાય. તું આજે જ ઑફિસે કામથ અંકલને ફોન કરીને રૂપિયા મંગાવી લે. એક વાર તારા મિત્રના પપ્પાને રૂપિયા પહોંચતા થઈ જશે વાત દબાઈ જશે.’
પ્રભાને પોતાનો અવાજ જ બોદો લાગ્યો. જમાઈની કુટેવને ઢાંકવાનો આ કોઈ રસ્તો નહોતો એ ખુદ જાણતી હતી. પણ એ સિવાય વિકલ્પ પણ શું હતો?

ગયા અઠવાડિયે વિક્રમના મિત્ર પાસેથી રૂપિયા માગી આવ્યા ત્યારે એ જ દિવસે બપોરે જતીનકુમાર તથા રેવતીને પ્રભાએ ઘરે બોલાવ્યાં હતાં. જગમોહનને ખબર ન પડવા દેવી એવી પણ આપસમાં સમજૂતી કરી લીધી હતી.

પણ જતીનકુમારનો પ્રતિભાવ જોઈને પ્રભા ઠંડીગાર થઈ ગઈ હતી.

‘સાસુમા, તમે કયા જમાનાની વાતો કરો છો?’ પ્રભાએ જમાઈને માઠું ન લાગી જાય એની તકેદારી લેતા સાંભળીને વિક્રમના મિત્ર પાસેથી હાથઉછીન રૂપિયા વિશે પૂછતાં જતીનકુમાર તાડૂક્યા હતા.
‘અરે, મોટા ઘરની દીકરી જ્યારે નાના ઘરની વહુ બને ત્યારે પૈસા તો જોઈએ ને? એ ક્યાંથી કાઢવા? અને એક પચાસ હજાર રૂપરડી ઉછીની લઈને આવ્યો એમાં કયું આભ તૂટી પડ્યું?’
રેવતીએ પતિને અટકાવવાની કોશિશ કરી, આ તમે શું બોલો છો એનું ભાન છે? તમે શું મારા માટે રૂપિયા માગવા ગયા હતા?’ ત્યારે જમાઈરાજ રેવતીના ગળે પડ્યા હતા.

‘તું તો ચૂપ જ રહે. તેં જ મારી લાઈફને બગાડી નાખી છે. જા મારી માને પૂછી જો હું કેટલો ટેલેન્ટેડ હતો પણ તું પનોતી બનીને આવી અને મારી લાઈફ બરબાદ કરી નાખી.’
રેવતીના ચહેરા પર અપમાનની લાગણી ફરી વળી.એ તો માની સામે આંખ મિલાવીને જોઈ જ ન શકી. પ્રભાને થયું બધા પુરુષો પોતાની માની વાત કરતાં કેમ થાકતા નથી, પછી પરિસ્થિતિને વણસતી જોઈને એ તુરત જ બોલી ઊઠી:
‘અરે જમાઈરાજ, તમે ગેરસમજ કરી, અને આ તો વિક્રમનો મિત્ર તમારું નામ દઈને ખોટું નથી બોલતો ને એની ચોકસાઈ તો કરવી પડે ને એટલે તમને પૂછવું પડ્યું. બાકી, જમાઈરાજ, તમે લાખોમાં એક છો. તમારા પર તો કરોડો કુરબાન કરાય!’
‘હા, જરુર … કરોડો કુરબાન કરવાની જરૂર પડશે ત્યારે તો તમને જ યાદ કરીશ ને… મારે ક્યાં બીજું કોઈ ઘર છે! સાસુ અને સસરા બંને દિલદાર મળ્યાં છે એટલે તો આ પનોતી સાથે ચલાવી લઉં છું. બાકી તો…’
જતીનકુમારના ચહેરા પર ફેલાતું નિર્લજજ અને બીભત્સ હાસ્ય જોઈને રેવતી નીચું જોઈ ગઈ.

પ્રભાને સમજાતું નહોતું કે જમાઈની વર્તણૂક જોઈને શરમ અનુભવવી કે દીકરીની પીડા જોઈને દુ:ખી થવું. જમાઈ પર તો તેને ભારોભાર ધિક્કાર થતો હતો.

આ માણસ હવે ફાયદો ઉપાડે છે એ તો સમજાય છે. હવે આનો રસ્તો કેવી રીતે કાઢવો? જગમોહનને વાત કરીશ તો એ પૂરી વાત સાંભળ્યા વિના પ્રભાને જ દોષ દઈને કહેશે કે આ બધું તારાં જ લાડને કારણે થયું છે.

વાસ્તવમાં, એનું પોતાનું તો દામ્પત્યજીવન બગડી ચૂક્યું હતું. દીકરીના કોડ પણ એની આંખ સામે કચડાતા હતા.

બધા પુરુષો આવા જ હશે એવો વિચાર ઉદ્ભવે એ પહેલાં જ એણે એને ડામી દીધો: ના, મારા પિતા, ભાઈઓ અને દીકરાઓ આવા હલકટ નથી.

‘સાસુમા’, જમાઈરાજે પ્રભાના વિચારોમાં ખલેલ પાડી, ‘તમે ફિકર કરતાં નહીં. એક જ્યોતિષે કહ્યું છે કે મારા હાથમાં કરોડો રૂપિયા છે. એક વાર મારી કમાણી શરૂ થઈ જશે કે હું પેલાને પચાસ હજાર પાછા કરી દઈશ… આ તો મારા જેવાને મદદરૂપ થવાની એને તક મળી એવું એને સમજાવજો.’
જતીનકુમારના અવાજમાં નફફટાઈ હતી કે અણસમજ એ કળવું મુશ્કેલ હતું કેમ કે આટલું બોલીને એ ફરી ગુમસૂમ થઈને બેસી ગયા હતા. ન બોલે, ન ચાલે. જાણે એ એકલા જ હોય એવી રીતે ભાવહીન બેઠા રહ્યા હતા.

‘મમ્મી, જોને એમને વચ્ચે વચ્ચે આવો ઍટેક આવે છે. સમજાતું નથી એમને શું થાય છે. બાકી, મમ્મી, તું ખરાબ નહીં લગાડતી. એમના મનમાં પાપ નથી. એ બહુ જ ભોળા છે, આ તો બીમારીના કારણે…’ રેવતી આગળ બોલી ન શકી. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

‘પ્રભાને સમજાયું નહીં કે દીકરી એના પતિની નિર્લજજતાને ઢાંકવાની કોશિશ કરે છે કે ખુદ એટલી ભોળી છે કે પોતાના પતિને ઓળખી નથી શકતી.
કદાચ દીકરી મા દુ:ખી ન થાય એ માટે ખોટું બોલે છે.

ત્યારે પ્રભાએ રેવતીના માથે હાથ મૂકયો હતો.

જતીનકુમાર દૂર દીવાલ સામે એકધારું તાકી રહ્યા હતા. જાણે એ કોઈ જુદી જ દુનિયામાં પહોંચી ગયા હોય.

એ વાતને તો એક અઠવાડિયું થઈ ગયું. આજે કરણ કહે છે કે એના મિત્રના પપ્પા પાસેથી બે લાખ રૂપિયા… બાપ રે, હવે જગમોહનને કહેવું જ પડશે.

‘કરણ, તું ટેન્શન નહીં કર. હું આજે જ તારા પપ્પા સાથે વાત કરીશ.’ પ્રભાએ દીકરાને દિલાસો આપ્યો.

‘હા, પણ મમ્મી, પપ્પા ક્યાં છે? એ કોઈ મુસીબતમાં તો નથી ફસાયા ને…’
કરણને બાપ માટે ચિંતા કરતો જોઈને પ્રભાને આશ્ર્ચર્ય અને ઈર્ષ્યાની લાગણી થઈ આવી.


બારીનો કાચ તોડીને પથ્થર જેવો ગાયત્રીના પગ પાસે પડ્યો કે જગમોહન અને ગાયત્રી બંને ઊભાં થઈ ગયાં.

હજી થોડી વાર પહેલાં તો કબીરનો ફોન હતો કે બાબુ, ઈરફાન અને આલોક ભલે પોલીસ કસ્ટડીમાં બંધ હોય પણ એમનો સાથી બબલુ બહાર છૂટો ફરે છે અને એણે જગમોહન સામે વેર વાળવાનું નક્કી કર્યું છે.
કબીર સાથેની વાતચીત બાદ જગમોહને મક્કમ સ્વરે ગાયત્રીને કહી દીધું હતું:
‘હવે હું તારી કોઈ જીદ ચલાવી નહીં લઉં. હવે તું મારી સાથે જ રહીશ. નો આર્ગ્યુમેન્ટ… એ.કે.’
અને ત્યારે જ બારીનો કાચ તૂટ્યો હતો અને એક મોટો પથ્થર ગાયત્રીના પગ પાસે પડ્યો હતો.

ગાયત્રીએ એ પથ્થરને ઊંચકીને એની આસપાસ વીંટાળેલી ચબરખીને ખોલી અને વાંચવાની શરૂઆત કરી… (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button