તમારી માતા ને તમારાં સંતાનોનીમાતામાં તમે ભેદ રાખો છો?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
થોડા દિવસો પહેલાં જાવેદ અખ્તરે એક ઈન્ટરવ્યૂમાં બહુ વિચારણીય વાત કહી. એમણે સમાજના બેવડા માપદંડોને લઈને એક મજાનું ઉદાહરણ આપ્યું હતું. એ કહે કે સમાજ પોતાની માતાને લઈને અત્યંત સંવેદનશીલ છે. પોતાની મા એટલે મા તે ઈશ્ર્વર સમાન! પરંતુ જ્યારે વાત પોતાનાં સંતાનોની માતાની આવે છે ત્યારે સમાજના માપદંડો બદલાઈ જાય છે. આવું કહીને જાવેદસાબે જાણે સમાજના ગાલ પર તમાચો મારી દીધો!
એમની વાત શતપ્રતિશત સાચી છે. જોકે આપણે જાવેદસાબની વાતનું કંઈ પિતૃસત્તાક માનસિકતાના દૃષ્ટિકોણથી કે નારીવાદના દૃષ્ટિકોણથી પીંજણ નથી કરવું, પરંતુ જાવેદસાબની એ વાતને પારિવારિક કે લગ્નજીવનના સંદર્ભમાં સમજવી અને જરૂર પડ્યે આપણા જીવનમાં ઉતારવી રહી.
એ વળી કઈ રીતે? તો કે પુરુષે પોતાની જાતને એ રીતે કેળવવી જોઈએ કે એને પોતાની માતાના જેટલા સંઘર્ષો દેખાય છે એટલા જ સંઘર્ષો એની પત્નીમાં પણ દેખાવા જોઈએ. અથવા તો એને પોતાની માતાનું જેટલું યોગદાન દેખાય છે એટલું જ પત્નીનું યોગદાન પણ દેખાવું જોઈએ!
અહીં કંઈ દરેક વાતે આંધળી કે તર્ક વિનાની સરખામણી કરવાની વાત નથી.આખરે મા મા હોય છે અને પત્ની પત્ની! બંનેની ભૂમિકા જુદી છે. બંનેના સમય જુદા છે. એટલે બંનેના યોગદાન કે એમના સંઘર્ષોમાં પણ અંતર હોવાનું. પરંતુ એક વાત નક્કી કે બંનેનું આપણા જીવનમાં યોગદાન તો હોવાનું જ!
જોકે, મોટાભાગના પુરુષ પત્નીએ જીવનમાં કે પોતાના કુટુંબમાં આપેલા યોગદાનને નજરઅંદાજ કરતા હોય છે. નજરઅંદાજ તો ઠીક, પત્નીનું યોગદાન મોટાભાગના પુરુષના ધ્યાનમાં હોવા છતાં એ પત્નીની વાત આવે એમાં થેંકલેસ બની જાય છે! પતિ એવું માનતા હોય છે કે ‘એ તો કરવું જ પડેને, એમાં નવાઈ શું છે?’ કેટલાક પુરુષ તો એમ પણ કહે કે એ તો બધાના જ બૈરા કરે હું ય કરું જ છુંને એને માટે ફલાણું.
ફલાણું’
જોકે પુરુષે એ યાદ રાખવું પડશે કે ઘરેણાં, ગાડી, ઘર કે પ્રવાસો એ કંઈ પત્નીએ ઘરમાં આપેલા યોગદાનની સામે અપાતું વળતર નથી. એ પણ ત્યારે જ્યારે તમારી પત્ની તમારા માતા-પિતાની સેવા કરતી હોય. અથવા તો તમારા ભાઈભાંડુઓને ભૂતકાળમાં સાચવી ચૂકી હોય! કે પછી તમારી નોકરી માટે થઈને દર બે-ત્રણ વર્ષે પોટલાં બાંધીને શહેરે શહેરે રખડી હોય. અથવા તો પછી તમારો બિઝનેસ સેટ થાય એ માટે તેણે પણ પેટે પાટા બાંધીને, તમારી ગેરહાજરીમાં તમારો સંસાર નિભાવી લીધો હોય. આ અને આવા અનેક યોગદાન બીજા ઘરની દીકરી હોવા છતાં એ કરે છે અને એ કંઈ ખાવાના ખેલ નથી. આ માટે માનસિક, શારીરિક અને સંસ્કારિક રીતે અનેક ભોગ આપવો પડતો હોય છે. તેમજ આ તમામ સ્તરે અત્યંત ધીરજ પણ હોવી ઘટે.
આમ છતાં, પુરુષને મન આ તમામ બાબત માત્ર જવાબદારીનો એક ભાગ છે. જિંદગી આખી એમ જ પુરુષ માનતા હોય છે કે આવું તો કરવું જ પડેને? પત્ની નહીં કરે તો બીજું કોણ કરવાનું? પણ પુરુષે આને લઈને ગ્રેટિટ્યુડ-કૃતજ્ઞતાનો ભાવ આણવાનો છે. એણે સહેજ થંભીને વિચાર કરવાનો થાય છે કે જો એની પત્નીએ અમુક જવાબદારીઓ ઉઠાવવા માટે ધરાર ના કહી દીધી હોત તો આજે એનું જે જીવન છે એવું જીવન તે જીવી શક્યો હોત ખરો? અને આ વિચારથી જ પેલા જાવેદસાબના ઉદાહરણનું અવળું થવા માંડે, કારણ કે જો પુરુષ આવો વિચાર કરતો થાય તો એને પોતાની પત્નીના સંઘર્ષો પણ દેખાવા માંડે અને અહીંથી જ એને એ અહેસાસ થવા માંડે કે માતાએ એને મોટો કરવામાં જે યોગદાન આપ્યું છે એટલું જ યોગદાન એની પત્નીએ એને સામાજિક અને આર્થિક રીતે મોટો કરવામાં આપ્યું છે.
પુરુષને જો આ અહેસાસ થાય તો બીજું કશું બને કે નહીં બને, પરંતુ એટલું જરૂર બને કે જ્યારે પણ એ પોતાનાં સંતાનો સામે પોતાની માના યોગદાનની બિરદાવલી ગાય ત્યારે સાથે એની પત્નીનો પણ ઉલ્લેખ કરે ને સંતાનોને પણ સમજાવે કે જીવનની આ શાંતિ અને સમૃદ્ધિમાં પોતાની માતા અને સંતાનોની માતા જ કેન્દ્રસ્થાને છે. જો એ બન્ને ન હોય તો આખો સંસાર વીંખાઈ ગયો હોત. વળી, આ અહેસાસથી ઘરેલું હિંસાના કે મનદુ:ખના કેટલાય કિસ્સા શમી ગયા હોય એ છોગામાં!