દેશના વિકાસ માટે સ્વચ્છ, સ્થિર સરકાર જરૂરી: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે દેશનો ઝડપી વિકાસ ચાલુ રાખવા માટે સ્વચ્છ અને સ્થિર સરકાર જરૂરી છે. દેશમાં રાજકીય સ્થિરતા, સ્પષ્ટ નીતિ અને લોકતાંત્રિક મૂલ્યના જતનને લીધે સાચી દિશામાં પ્રગતિ થઇ રહી છે.
તેમણે ‘જી-૨૦ યુનિવર્સિટી કનેક્ટ’ના કાર્યક્રમમાં શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે જી-૨૦ની શિખર મંત્રણાના સફળ આયોજન અને તાજેતરમાં લેવાયેલા કેટલાક નિર્ણયને લીધે ભારતનું માન આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ગણું વધી ગયું છે. જી-૨૦માં અનેક અગ્રણી દેશ એક જ જગ્યાએ ભેગા થયા હતા અને વૈશ્ર્વિક બાબતોમાં ચર્ચાવિચારણા કરાઇ હતી. હું છેલ્લાં ૩૦ દિવસમાં વિશ્ર્વના ૮૫ નેતાને મળ્યો હતો.
મોદીએ ચંદ્રયાન-થ્રીની સફળતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે દેશના લોકો ૨૩મી ઑગસ્ટે ચંદ્રયાનની સફળતા માટે એક સાથે પ્રાર્થના કરતા હતા અને દક્ષિણ ધ્રુવ પર ઉતરાણમાં મળેલી સફળતાની સાથે બધાના ચહેરા પર સ્મિત આવ્યું હતું. વિશ્ર્વના અન્ય દેશો ભારતની આ સિદ્ધિ જોઇને દંગ થઇ ગયા હતા. અમે ૨૩ ઑગસ્ટને ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિન’ જાહેર કર્યો છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે અમારી સરકારે ભ્રષ્ટાચારની નાબૂદી માટે બનતા દરેક પગલાં લીધાં છે. ઘણી જગ્યાએ ટૅક્નૉલૉજીના ઉપયોગની સાથે વચેટિયાઓને હટાવાયા છે.
મોદીએ જણાવ્યું હતું કે ભારતના પ્રયાસને લીધે ‘બ્રિક્સ’ સંગઠનમાં વધુ છ દેશનો સમાવેશ કરાયો છે. ભારત હવે મધ્ય પૂર્વના દેશો અને યુરોપની સાથે મળીને ઇકૉનૉમિક કૉરિડૉર શરૂ કરવાનું છે. આ ઉપરાંત, બાયોફ્યુઅલ માટે વૈશ્ર્વિક સ્તરે યુતિ કરાઇ રહી છે. જી-૨૦ના સભ્ય દેશોમાં આફ્રિકન યુનિયનનો પણ સમાવેશ કરાયો છે.
તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને મધ્યમ વર્ગના લાભાર્થે અનેક પગલાં લીધાં છે. રોજગાર મેળા યોજીને એક લાખથી વધુ લોકોને રોજગારી અપાઇ હતી.
મોદીએ જણાવ્યું હતું કે સ્વદેશી અને સ્થાનિક માલસામાનને પ્રોત્સાહન આપવા ઘણી કામગીરી કરાઇ રહી છે. ખાદી માટે ફેશન શૉ યોજાય છે. સ્વાવલંબન દ્વારા દેશ સમૃદ્ધ બનીને નવા શિખરે પહોંચશે. દેશનું અર્થતંત્ર વિશ્ર્વમાં ત્રીજા ક્રમે પહોંચી જશે. (એજન્સી)