એકસ્ટ્રા અફેર

લોકો ના જાગે તો વાયનાડમાં થયું એ દેશમાં ગમે ત્યાં થઈ શકે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

રાહુલ ગાંધીના મતવિસ્તાર તરીકે દેશભરમાં વધારે જાણીતા કેરળના વાયનાડમાં ભૂસ્ખલને કાળો કેર વર્તાવી દીધો અને ૧૨૦ લોકોનો ભોગ લઈ લીધો. આપણે ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થાય છે એ સાંભળેલું પણ કેરળ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભૂસ્ખલનના કારણે આવી હાલત થઈ શકે એ કોઈએ વિચાર્યું નહોતું. કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલને અહેસાસ કરાવ્યો છે કે આપણે ના ધારીએ એવું પણ બને છે પણ વાયનાડમાં આવું પહેલી વાર નથી બન્યું.

પાંચ વર્ષ પહેલાં ૨૦૧૯માં વાયનાડનાં મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝા એ ૪ ગામોમાં ભૂસ્ખલન થયું તેમાં ૧૭ લોકોનાં મોત થયાં હતાં અને ૫ લોકો આજદિન સુધી મળ્યા નથી. એ વખતે પણ ૫૨ મકાનો ધરાશાયી થયાં હતાં. આ વખતે ૫૦૦થી વધારે મકાન ધરાશાયી થયાં છે. કેરળના વાયનાડમાં સતત ભારે વરસાદને કારણે લોકો ઘરમાં જ પુરાઈ રહેલાં ને ત્યારે જ મંગળવારે વહેલી સવારે અચાનક જ પહાડીઓ પરથી પથ્થરો પડવા માંડ્યા. મંગળવારે સવારે ૨ વાગ્યાની આસપાસ પહેલું ભૂસ્ખલન થયું ને પછી ૪ કલાકમાં જ ત્રણ મોટા ભૂસ્ખલન થતાં તબાહી તબાહી થઈ ગઈ.

કેરળની તબાહીએ કહેવાતા વિકાસના કારણે આપણી કેવી હાલત થઈ ગઈ છે એ છતું કર્યું છે. નિષ્ણાતોના મતે, આ તો હજુ ટ્રેલર છે અને તેના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. કેરળમાં આડેધડ બાંધકામો કરીને જમીનના સ્તરને નુકસાન કરાયું છે તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ભૂસ્ખલનનો સામનો કરનાર વાયનાડ કેરળનો એકમાત્ર જીલ્લો નથી કેમ કે કેરળના મોટા ભાગના જિલ્લાઓ લાંબા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યાં મોટા પ્રમાણમાં જાનહાનિ ના થઈ તેથી કોઈના ધ્યાનમાં નહોતું આવ્યું.

કેરળમાં આટલી તબાહી થઈ તેનું કારણ એ છે કે, કેરળમાં વાયનાડ માટી, પથ્થરો અને તેના પર ઊગેલાં વૃક્ષોનો ઊંચો અને ટેકરાવાળો વિસ્તાર એટલે કે એકમાત્ર ઉચ્ચપ્રદેશ છે. કેરળના વાયનાડની માટી લેટેરાઇટ માટી છે એટલે કે ખૂબ જ નબળી કક્ષાની છે. આ માટી વરસાદના સમયે પાણીનો બોજ સહી નથી શકતી અને ધોવાવા માંડે છે તેથી ભૂસ્ખલન થઈ જાય છે.

વાયનાડમાં છેલ્લાં કેટલાંક વરસોથી વરસાદ પણ વધારે પડે છે. ૨૦૧૯માં વાયનાડમાં કેટલાક વિસ્તારમાં ૪૦૦૦ મિલીમીટર વરસાદ થયો હતો. ૪૦૦૦ મિલીમીટર વરસાદ એટલે ૧૬૦ ઈંચ વરસાદ થયો. ગુજરાતમાં સરેરાશ ૩૫ ઈંચ વરસાદ પડે છે તેમાં પણ આપણી હાલત બગડી જાય છે તો ૧૬૦ ઈંચ વરસાદ પડે તો વાયનાડની શું હાલત થાય એ વિચારી જોજો. વાયનાડમાં તો એક દાયકાનો સરેરાશ વરસાદ પણ ૨૨૦૦ મિલિમીટર એટલે કે ૮૮ ઇંચ છે. આ ભારે વરસાદને કારણે વાયનાડમાં સતત ધોવાણ થઈ રહ્યું છે ને તેનું પરિણામ મંગળવરે વિનાશક દુર્ઘટનામાં જોવા મળ્યું. વાયનાડમાં વધારે પડતી તબાહી થઈ ગઈ પણ વાયનાડમાં જે બન્યું એ કેરળમાં ગમે ત્યાં બની શકે છે ને દેશમાં પણ ગમે ત્યાં બની શકે છે.

જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના તાજેતરના અભ્યાસ પ્રમાણે કેરળનો લગભગ ૪૩ ટકા વિસ્તાર ભૂસ્ખલનનો શિકાર બની શકે તેમ છે. તેનું કારણ પણ સમજવા જેવું છે. કેરળમાં છેલ્લાં ૧૦૦થી વધુ વર્ષોથી ચાનું વાવેતર થાય છે પણ છેલ્લાં કેટલાક સમયથી જંગલોને આડેધડ કાપવામાં આવી રહ્યા છે. વાતાવરણમાં ફેરફાર થવાને કારણે વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે. વધારે વરસાદ પડે તેના કારણે માટી ધોવાય છે તેથી ઢાળવાળા વિસ્તારોમાં ભૂસ્ખલન વધી રહ્યું છે. કેરળના અનેક જિલ્લા પશ્ર્ચિમ ઘાટના ઊચ્ચપ્રદેશના ઢોળાવ ઉપર આવેલા છે જ્યાં ખીણો અને ટેકરીઓ છે. આ વિસ્તારોમાં ગમે ત્યારે ભૂસ્ખલનનો કેર વર્તાવાનો ખતરો છે.

આ ખતરાનો જમીનના ઉપયોગમાં થયેલા ફેરફારના કારણે વધારો થયો છે. કેરળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના નામે આડેધડ બાંધકામને કારણે આફતો વધતી જાય છે. ખેતી થતી હોય ત્યારે જમીનમાં ભેજ હોય ત્યારે માટી બંધાયેલી રહે પણ બાંધકામ કરાય ત્યારે માટી બંધાયેલી રહેતી નથી તેથી ઝડપથી નીચે જવા માંડે છે અને ભૂસ્ખલન થઈ જાય છે અને કેરળમાં એ જ થઈ રહ્યું છે. વાસ્તવમાં ભારતના મોટા ભાગના પહાડી વિસ્તારોમાં આ રીતે જ આડેધડ બાંધકામો થઈ રહ્યાં છે. ઉત્તરાખંડમાં આપણે તેનાં ખરાબ પરિણામો જોઈએ જ છીએ અને હવે કેરળમાં પણ એ જ હાલત થઈ રહી છે.

વાયનાડમાં તો બીજો એક ખતરો બાણાસુર સાગર બંધના કારણે છે. બાણાસુર સાગર બંધ ભારતમાં માટીનો બનેલો સૌથી મોટો અને એશિયામાં બીજો સૌથી મોટો બંધ છે. માટી અને પથ્થરોના વિશાળ ગોળાઓનો બનેલો આ બંધ વાયનાડના દક્ષિણ-પશ્ર્ચિમ ભાગમાં કરલાડ સરોવરની નજીક આવેલો છે. બાણાસુર સાગર ડેમની ઊંચાઈ ૩૮.૫ મીટર એટલે કે ૧૨૬ ફૂટ અને લંબાઈ ૬૮૫ મીટર એટલે કે ૨,૨૪૭ ફૂટ છે. આ ડેમને કંઈ થાય તો મોટા પાયે તબાહી વેરાય તેથી લોકો આ ડેમને કંઈ ના થાય એ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

કેરળની તબાહી આખા દેશનાં લોકો માટે એક મોટી ચેતવણી છે. આ પ્રકારની સ્થિતિ બીજે ના સર્જાય એટલા માટે સરકારે જાગવું જોઈએ અને જમીનનું જતન કરવું જોઈએ. જમીનનું જતન કરીશું તો જમીન આપણને સાચવશે, નહીંતર ઉત્તરાખંડમાં થયું ને હવે કેરળમાં થયું એમ જમીન લોકોને ભરખી જશે. રાજકારણીઓને તેનાથી કદાચ ફરક નથી પડતો તેથી એ લોકો કશું નહીં કરે પણ લોકોએ જાગવું પડશે. લોકોએ પોતાન જીવની સુરક્ષા કરવી હશે તો જમીનને બચાવવી પડશે.

કેરળની સરકારે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારતા હોય તેમ રાજ્યની તમામ ગ્રેનાઈટ ક્વોરીને કામચલાઉ ધોરણે બંધ રાખવા માટે કહી દીધું છે પણ તેનાથી ફરક નથી પડવાનો. ફરક ત્યારે પડે કે જ્યારે પહાડી વિસ્તારોમાં બાંધકામો રોકવા માટેની ઝુંબેશ શરૂ થાય. કોઈ પણ પ્રકારની જમીનના સ્તરમાં ફેરફાર સામે લોકો જ વિરોધ કરે અને સરકારને રોકવાની ફરજ પાડે. બાકી તો કેરળમાં થયું એવું બીજે બધે પણ થશે ને લોકો મર્યા કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો…