નેશનલ

સેન્સસને મુદ્દે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ: જાતિ આધારિત ટિપ્પણીને પગલે વિપક્ષની ધમાલ

નવી દિલ્હી: વિપક્ષી સભ્યોએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી પરની ટિપ્પણી બદલ ભાજપના નેતા અનુરાગ ઠાકુર માફી માગે તેમ જ જાતિ આધારિતની વસ્તી ગણતરી કરવામાં આવે એવી તેમની માગણી ચાલુ રાખી હોવાથી લોકસભામાં બુધવારે ભારે ઘોંઘાટના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગૃહની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરવામાં આવી હતી.

પ્રશ્ર્નકાળ શરૂ થતાંની સાથે જ વિપક્ષી સભ્યો અને ખાસ તો કૉંગ્રેસના સભ્યોએ મુદ્દો ઉઠાવવાની માગણી કરી હતી, પરંતુ સ્પીકર ઓમ બિરલાએ તેમની વિનંતીઓ પર ધ્યાન આપ્યું ન હતું.

કૉંગ્રેસ, ડીએમકે, એસપી અને શિવસેના (યુબીટી) સહિતના કેટલાક સભ્યો ગૃહના વેલમાં ઘૂસી ગયા હતા અને પ્રશ્ર્નોત્તરીનો સમય ચાલુ હોવા છતાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

એક સમયે જ્યારે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ બોલવા માટે ઊભા થયા, ત્યારે કૉંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈ અને તેમના કેટલાક અન્ય સાથીઓએ કેટલાક કાગળો ફાડી નાખ્યા અને વેલ તરફ ફેંકી દીધા હતા.
બિરલાએ વિરોધ કરી રહેલા સભ્યોને કહ્યું કે તેમનો અભિગમ ‘અયોગ્ય’ હતો.

આ પણ વાંચો: Anurag Thakur ની રાહુલ ગાંધી પરની ટિપ્પણીને લઈને સંસદના બંને ગૃહમાં હોબાળો

મંગળવારે ગૃહમાં કેન્દ્રીય બજેટ પર ચર્ચા દરમિયાન ઠાકુરે ગાંધીની જાતિનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો જેનાથી વિપક્ષ અને ટ્રેઝરી બેન્ચ વચ્ચે સંઘર્ષ થયો હતો.

આ ટિપ્પણી માટે ઠાકુરે માફી માગવી જોઈએ એવી અને જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવાની પણ માગણી કરી હતી. હંગામા વચ્ચે રિજિજુએ ગૃહમાં વિરોધની નિંદા કરી અને આરોપ લગાવ્યો કે કૉંગ્રેસે દેશને નબળો પાડવા અને હિંસા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.

સવારે 11.40 વાગ્યા સુધી ચાલેલા પ્રશ્ર્નકાળ દરમિયાન ચાર પ્રશ્ર્નો અને તેમના પૂરક પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા હતા અને વિરોધ વચ્ચે પ્રશ્ર્નકાળને બપોર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. જ્યારે મહારાષ્ટ્રના કૉંગ્રેસના સભ્ય કિરસાન નામદેવે પૂરક પ્રશ્ર્ન પૂછ્યો ત્યારે બિરલાએ વિરોધ કરી રહેલા સભ્યોને કહ્યું કે તેમને ખલેલ ન પહોંચાડો.

આ પણ વાંચો: અનુરાગ ઠાકુરના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું “જે ઓબીસી, દલિત અને પછાતની વાત કરે તેને ગાળ ખાવી પડે”

તમારા પક્ષના સભ્ય પ્રશ્ર્ન પૂછે છે, પણ તમે તેને બોલવા દેતા નથી. આ સારું નથી, એમ તેમણે કહ્યું હતું. કૉંગ્રેસે મંગળવારે ઠાકુરના ભાષણને ‘અત્યંત અપમાનજનક અને ગેરબંધારણીય તિરાડ’સમાન ગણાવ્યું હતું.

રાહુલ ગાંધીએ ચર્ચા દરમિયાન ઠાકુર પર તેમનું અપમાન અને દુર્વ્યવહાર કરવાનો આરોપ પણ મૂક્યો હતો, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ઠાકુર પાસેથી કોઈ માફીની માગણી કરશે નહીં, જેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પણ છે.

અનુરાગ ઠાકુરે મારું અપમાન કર્યું છે અને હું તેમની પાસેથી કોઈ માફીની અપેક્ષા રાખતો નથી. તમે ગમે તેટલું મારું અપમાન કરો પરંતુ ભૂલશો નહીં, અમે ચોક્કસપણે આ સંસદમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો ઠરાવ પસાર કરીશું, એમ વિપક્ષી નેતાએ મંગળવારે ગૃહમાં કહ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button