મધ્ય રેલવેમાં સિગ્નલમાં ખામીના ધાંધિયા અવિરત, હવે આ સેક્શનમાં ટ્રેનસેવા ખોરવાઈ
મુંબઈઃ મધ્ય રેલવેમાં વગર વરસાદે પણ ટેક્નિકલ ફેલ્યોરના કિસ્સામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેમાં આજે બદલાપુરમાં સિગ્નલ ફેઈલ્યોર પછી સમગ્ર સેક્શનની ટ્રેનસેવા ખોરવાઈ હતી. મોટા ભાગની લોકલ ટ્રેનોને સીએસએમટીથી અંબરનાથ સુધી દોડાવવામાં આવતી હતી, જ્યારે ગૂડસ ટ્રેનની પણ મૂવમેન્ટ અટકી હતી.
બપોરના ચાર વાગ્યાના સુમારે બદલાપુર રેલવે સ્ટેશને સિગ્નલ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી, ત્યારબાદ સ્ટેશન પર ગૂડ્સ ટ્રેન પણ ખોટકાઈ હતી, પરિણામે એકસાથે બે બાબતને લઈ બદલાપુરથી અંબરનાથ, કર્જત, ખપોલી વચ્ચેની ટ્રેન સર્વિસ ખોટકાઈ હતી.
આ પણ વાંચો: વિના ‘બ્લોક’ મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનોની રફતાર પર બ્રેક, જાણો કેમ?
બંને જગ્યાએ ખામી સર્જાયા પછી સાડા પાંચ વાગ્યાના સુમારે ટ્રેનસેવા રાબેતા મુજબ શરુ કરવામાં આવી હતી. સિગ્નલમાં ખામી સર્જાવવાને કારણે ત્રણ નંબરના પ્લેટફોર્મ પરથી ટ્રેનસેવાને બંધ કરવામાં આવી હતી, જ્યારે અમુક ટ્રેનોને ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું.
મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે બદલાપુરથી કર્જત-ખપોલીની તમામ ડાઉન લાઈનની લોકલ ટ્રેનોને અંબરનાથ સુધી દોડાવવામાં આવતી હતી, ત્યારબાદ સીએસએમટી સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવતી હતી. ટ્રેનોના બન્ચિંગને કારણે ટ્રેનસેવા રેગ્યુલર કરવામાં વાર લાગી હતી.
આ મુદ્દે કર્જત-કસારા પેસેન્જર એસોસિયેશને કહ્યું હતું કે કલ્યાણ પછીના સેક્શનમાં ટ્રેન સર્વિસ માટે રેલવે પ્રશાસન કોઈ ધ્યાન આપતું નથી. પીક અવર્સમાં ટ્રેનો રેગ્યુલર ખોટકાઈ છે, પરંતુ રેલવે પ્રશાસન ફક્ત સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને હાથ ઊંચા કરી જાય છે, પરંતુ રેગ્યુલર નિરાકરણ લાવતા નથી.