મહારાષ્ટ્રમાં ટોયોટા કિર્લોસ્કર મોટર કરશે 20 હજાર કરોડનું રોકાણઃ શિંદેની જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્રમાં વધુને વધુ રોકાણ થાય અને રોજગારની તકો ઊભી થાય એ માટે રોકાણકારોને આકર્ષવા માટે મહારાષ્ટ્ર સરકાર તત્પર છે ત્યારે કુલ 81,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંગળવારે મુખ્ય પ્રધાને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટમાં ટોયોટા કિર્લોસ્કર મોટરના છત્રપતિ સંભાજીનગર ખાતેના પ્રોજેક્ટને અત્યંત મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે, જેની પાછળ લગભગ 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
Also Read: 150:70:60 મહારાષ્ટ્રમાં મહાયુતિમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી?
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે આ પ્રોજેક્ટ માટે ટોયોટા કિર્લોસ્કર મોટર સાથે કરાર કર્યા હતા. કરાર પર સહી કર્યા બાદ શિંદેએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે રાજ્યમાં મોટોમોબાઇલ સેક્ટરની કાયાપલટ થઇ જશે અને ક્રાંતિ આવશે. મુખ્ય પ્રધાન શિંદે દ્વારા સહ્યાદ્રી ગેસ્ટ હાઉઝ ખાતે આ પ્રોજેક્ટના એમઓયુ(મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) પર સહી કરવામાં આવી હતી.
ચાર લાખ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કાર બનશે
પ્રોજેક્ટ વિશે માહિતી આપતા શિંદેએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે અહીં ચાર લાખ ઇલેક્ટ્રીક અને હાઇબ્રિડ કાર બનશે. આ પ્રોજેક્ટના કારણે 8,000 પ્રત્યક્ષ રોજગાર ઉપલબ્ધ થશે અને અપ્રત્યક્ષ રીતે પણ રોજગારની 8,000 તકોનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે.
ગ્રીન ફિલ્ડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે 850 એકર જમીન
નાયબ મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસે આ પ્રસંગે જણાવ્યું હતું કે ટોયોટાએ ભારત પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરી દાખવી છે. મહારાષ્ટ્રની કાયાપલટ અને મરાઠવાડાનો વિકાસ થઇ રહ્યો છે. ટોયોટા કિર્લોસ્કર મોટર્સ મહારષ્ટ્રમાં ગ્રીન ફિલ્ડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી લૉન્ચ કરવા માટે તૈયાર છે. ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી, છત્રપતિ સંભાજીનગરમાં એ માટે 850 એકરની જમીન ફાળવવામાં આવી છે.