મોરબે બંધ ખાતે ભાજપના નેતાઓદ્વારા ગેરકાયદે જલ પૂજનનો વિવાદ
મુંબઈ: ભૂતપૂર્વ સંસદસભ્ય સંજીવ નાઇક અને નવી મુંબઈ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ મેેયરો સાગર નાઇક અને સુધાકર સોનાવણે તથા ભાજપના ભૂતપૂર્વ નગરસેવકોએ રવિવારે મોરબે બંધના પરિસરમાં કરેલા ‘જલ પૂજન’નો વિવાદ જાગ્યો છે. નવી મુંબઈને પાણી પુરવઠો આપતો મોરબે બંધ છલકાતાં ‘જલ પૂજા’ કરવામાં આવી હતી. આ પૂજા કરનારા નેતાઓ સામે નવી મુંબઈ મહાનગરપાલિકા પોલીસ ફરિયાદ નોંધાવનાર હોવાની પણ ચર્ચા પ્રસારમાધ્યમોમાં ચાલતી હતી. સત્તાતંત્રની મંજૂરી લીધા વગર કરવામાં આવેલી પૂજા બાબતે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવાની માગણી કરતું આવેદનપત્ર કૉંગ્રેસના સ્થાનિક એકમે નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર રાજેશ નાર્વેકરને સુપરત કર્યું હતું. તેમણે મોરબે બંધના પરિસરમાં ગેરકાયદે પ્રવેશ અને એ વિસ્તારમાં પ્રદૂષણ કરવાના મુદ્દા પણ ફરિયાદમાં સામેલ કરવાની માગણી કરી હતી. જો એ બાબતે ફરિયાદ ન નોંધાવાય તો આંદોલન કરવાની ચીમકી કૉંગ્રેસના નવી મુંબઈ એકમે આપી હતી. નવી મુંબઈ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ મેયર અને કૉંગ્રેસના નેતા રમાકાંત મ્હાત્રેએ જણાવ્યું હતું કે સંજીવ નાઇક તથા ભાજપના અન્ય નેતાઓએ મોરબે બંધના પરિસરમાં પૂજા કરી હોવાના મીડિયા રિપોટર્સ અમે જોયા. તેમણે એ પૂજા ગેરકાયદેસર કરી હતી અને જળાશયના પાણીમાં નિર્માલ્ય (પૂજા સામગ્રી) પધરાવ્યાં હતાં. (એજન્સી)