કેરળના વાયનાડમાં (Wayanad Landslides)આવેલા વિનાશમાં અત્યાર સુધી 150 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં અનેક લોકો બેઘર બન્યા છે અને અનેક ગામો પાણીમાં ડૂબી ગયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વાયનાડમાં ભૂસ્ખલન અંગે રાજ્યસભામાં સંબોધન કર્યું છે. અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર સરકારે કેરળ સરકારને ભૂસ્ખલન અંગે પહેલા ચેતવણી આપી હતી. રાજ્ય સરકારે આ બાબતે બેદરકારી દાખવી હતી. કેરળ સરકારે ચેતવણીની અવગણના કરી લોકોને ત્યાંથી હટાવ્યા નહિ .
કેરળ સરકારને આપી ચેતવણી
અમિત શાહે રાજ્યસભામાં કહ્યું, “હું કેટલીક બાબતો પર સ્પષ્ટતા માટે ઊભો છું. આ ઘટનામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા તમામ લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. જાણકારીના અભાવે અનેક ટિપ્પણી કરવામાં આવી છે. દેશની સામે કોઈ ગેરસમજ ઉભી ના થાય તે માટે સ્પષ્ટતા કરું છું. ભારત સરકારે 23 જુલાઇના રોજ ચેતવણી આપવામાં આવી હતી. જેની બાદ 24, 25 અને 26 જુલાઈએ આ અર્લી વોર્નિંગ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: Wayanad Landslides: મૃત્યુઆંક વધીને 158 થયો, ઘટના સ્થેળે જઈ રહેલા આરોગ્ય પ્રધાનને અકસ્માત નડ્યો
અર્લી વોર્નિંગ સિસ્ટમ પર પ્રશ્નો ઉભા થયા
તેમણે કહ્યું કે તમામ ચેતવણીઓમાં કહેવામાં આવ્યું છે કે 20 સેમીથી વધુ વરસાદ થશે, ભારે વરસાદ થશે અને ભૂસ્ખલનની સંભાવના છે, જેના કારણે લોકોના મોત થઈ શકે છે. હું કંઈ કહેવા માંગતો નથી પરંતુ ભારત સરકારની અર્લી વોર્નિંગ સિસ્ટમ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. દેશમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં આ ચેતવણી પ્રણાલીનો ઉપયોગ કરીને શૂન્ય જાનહાનિ જોવા મળી છે.
રાજ્યને 7 દિવસ અગાઉ માહિતી મોકલવામાં આવે છે.
ગુજરાત સરકાર અને ઓડિશા સરકારે આ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં આ ચેતવણી પ્રણાલીને કારણે એક પણ પશુનું મૃત્યુ થયું નથી. ભારત સરકારે અર્લી વોર્નિંગ સિસ્ટમ માટે 2 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે. દરેક રાજ્યને 7 દિવસ અગાઉ માહિતી મોકલવામાં આવે છે. આ માહિતી સાઇટ પર દરેક માટે ઉપલબ્ધ છે.