પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

બૅડમિન્ટનમાં લક્ષ્ય સેન વર્લ્ડ નંબર-થ્રીને હરાવીને પહોંચી ગયો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં

પૅરિસ: ફ્રાન્સના પાટનગરમાં ચાલી રહેલી 33મી ઑલિમ્પિક ગેમ્સમાં ભારતનો લક્ષ્ય સેન બૅડમિન્ટનની સિંગલ્સની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે.

મહિલા વર્ગમાં પી. વી. સિંધુએ પ્રી-ક્વૉર્ટરમાં સહેલાઈથી એન્ટ્રી કરી ત્યાર બાદ લક્ષ્ય સેને ઇન્ડોનેશિયાના વર્લ્ડ નંબર-થ્રી ખેલાડી જૉનટન ક્રિસ્ટિનને સ્ટ્રેઇટ ગેમમાં 21-18, 21-12થી પરાજિત કરી દીધો હતો. લક્ષ્ય સેન અન્ડરડૉગ તરીકે શ્રેષ્ઠ 16 ખેલાડીઓના પ્રી-ક્વૉર્ટર રાઉન્ડમાં પહોંચી ગયો છે.

તે પહેલી ગેમમાં શરૂઆતમાં ઘણો પાછળ હતો, પણ પછીથી તેણે જોરદાર કમબૅક કર્યું હતું અને જૉનટનનો પ્રત્યેક પડકાર ઝીલ્યો હતો અને તેને એ ગેમમાં 21-18થી હરાવીને પ્રેક્ષકોને ચોંકાવી દીધા હતા. કારણ એ છે કે જૉનટન વિશ્ર્વવિખ્યાત સ્પર્ધા ઑલ ઇંગ્લૅન્ડ બૅડમિન્ટનનો ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને એશિયન ચૅમ્પિયન પણ છે.
ત્યાર બાદ લક્ષ્યનું લક્ષ પ્રી-ક્વૉર્ટરનું સ્થાન હતું અને તેણે બીજી ગેમમાં પ્રભુત્વ વધાર્યું હતું અને એ ગેમ થોડી આસાનીથી (21-12થી) જીતીને વિજય મેળવ્યો હતો.

બાવીસ વર્ષનો લક્ષ્ય સેન અલ્મોડાનો છે. 2021ની વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં તે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
લક્ષ્ય સેને હવે પ્રી-ક્વૉર્ટરમાં કદાચ ભારતના જ એચ. એસ. પ્રણોય સામે રમવું પડશે. પ્રી-ક્વૉર્ટર માટેનો પ્રણોયનો મુકાબલો વિયેટનામના લી ડક ફૅટ સામે નિર્ધારિત હતો.

લક્ષ્ય સેને પ્રથમ ગ્રૂપ મૅચમાં ગ્વાટેમાલાના કેવિન કૉર્ડનને હરાવ્યો હતો, પરંતુ પછીથી કેવિન કોણીની ઈજાને કારણે સ્પર્ધામાંથી નીકળી જતાં લક્ષ્યની મૅચને ‘ડિલિટ’ કરવામાં આવી હતી. 2022ની કૉમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ લક્ષ્ય સેને ત્યાર બાદ બેલ્જિયમના જુલિયન કૅરાગીને હરાવ્યો હતો.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button