Delhi Coaching Centre: આ રીતે ફસાઈ ગયા તાન્યા અને શ્રેયા, સાથી વિદ્યાર્થીએ યાદ કર્યો ગોઝારો મંજર
નવી દિલ્હીઃ સિવિલ સર્વિસિઝની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દિલ્હીના કૉચિંગ ક્લાસમાં કઈ રીતે ભણે છે અને કેવા અમાનવીય કહી શકાય તેવા વાતાવરણમાં રહે છે, તેના ઘણા વીડિયો અને અહેવાલો બહાર આવી રહ્યા છે. અહીંના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં આવેલા કૉચિંગ ક્લાસમાં વરસાદનું પાણી ધસી આવતા બેઝમેન્ટમાં 35 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ ફસાઈ ગયો હતો અને ત્રણ વિદ્યાર્થીના જીવ ગયા હતા.
આ સમયે સૌને સવાલ થતો હતો કે બાકીના બચીને નીકળી ગયા ત્યારે આ ત્રણ કેવી રીતે ન નીકળી શક્યા. આ મામલે ઋષભ નામના એક વિદ્યાર્થીએ તે ગોઝારો દિવસ યાદ કરી જણાવ્યું હતું કે અમે 30-32 વિદ્યાર્થી બેઝમેન્ટમાં આવેલી લાયબ્રેરીમાં હતા. અચાનકથી પાણી ઘુસી આવ્યું. વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવ્યા ત્યારે મારી ક્લાસમેટ તાન્યા સોનીએ જ કહ્યું કે ચિંતા ન કરો. પણ પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો અને બધા સીડી તરફ જઈ રહ્યા હતા. સીડી તરફ જવામાં પણ તકલીફ હતી આથી તાન્યાએ જ કહ્યું કે આપણે હ્યુમન ચેઈન બનાવીએ. અમે કોશિશ પણ કરી, પરંતુ પાણીના પ્રવાહને લીધે બનાવી ન શક્યા. ત્યારબાદ હું મહામુસીબતે સિડી પાસે પહોંચ્યો, મારાથી પણ ચડી શકાતું ન હતું, પરંતુ સ્ટાફના એક માણસે મારો હાથ પકડી મને કાઢ્યો. મેં જ્યારે પાછળ જોયું ત્યારે તાન્યા અને શ્રેયા એક ટેબલ પર ચડી ગયા હતા. નવીન તો કોઈને દેખાયો જ નહીં, લગભગ તે ટોયલેટમાં હશે. જોકે ત્યારબાદ પાણીનો પ્રવાહ વધ્યો અને અમને તાન્યા સોની, શ્રેયા યાદવ અને નવીન ડેલ્વીનના મોતના સમાચાર જ મળ્યા.
ઋષભે એમ પણ કહ્યું કે સંસ્થાનો સ્ટાફ ઘણો મદદરૂપ બન્યો, નહીંતર મૃતકોની સંખ્યા ઘણી વધારે હોત. દિલ્હીની ઘટના બાદ હંમેશાંની જેમ રાજકારણ રમાઈ રહ્યું છે અને સરકાર અને પાલિકા કૉંચિંગ ક્લાસ સિલ કરી, નવી પોલીસી બનાવવાની વાત કરી રહી છે.
ચાલો, આ અધિકારીએ ભૂલ તો માની, જાણો એડિશનલ કમિશનરની પ્રામાણિક કબૂલાત
દિલ્હીના કૉચિંગ સેન્ટર જેવી ઘણી ઘટનાઓ બને છે, દેશમાં પણ અધિકારીઓ પોતાની જવાબદારીથી હાથ ખંખેરી દોષનો ટોપલો એકબીજા પર ઢોળી દેતા હોય છે, ત્યારે દિલ્હી મ્યુનિસિપાલિટીના એડિશનલ કમિશનર તારીક થોમસએ અધિકારી તરીકે કંઈક અલગ કર્યું છે. દિલ્હીની ઘટના બાદ ભૂખ હડતાળ પર ઉતરેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરવા ગયેલા થોમસે તેમને કહ્યું હતું કે અહીં બનેલી ઘટના આપણા સૌની નિષ્ફળતા છે, પણ વ્યક્તિગત રીતે મારી નિષ્ફળતા છે. અમારા પાલિકાના અધિકારીઓની નિષ્ફળતા છે. જે બન્યુ તે નહતું બનવું જોઈતું હતું.
Also Read –