Israelલે 12 માસુમની મોતનો બદલો લીધો, Hezbollahના કમાન્ડર Fouad Shukurને માર્યો
હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકર આખરે માર્યો ગયો છે. ઇઝરાયલી વાયુસેનાએ મંગળવારે લેબનીઝ રાજધાની બેરૂતમાં બોમ્બમારો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાહનો ટોચના લશ્કરી કમાન્ડર ફુઆદ શુકર માર્યો ગયો હતો. શુકરને હજ મોહસીન તરીકે પણ ઓળખવામાં આવતો હતો. ઇઝરાયલે પોતાના નિયંત્રણ હેઠળના ગોલાન હાઇટ્સ પર રોકેટ હુમલા માટે ફુઆદ શુકરને જવાબદાર ગણાવ્યો હતો.
ઈઝરાયલ અને અમેરિકા છેલ્લા ઘણા દાયકાઓથી ઈઝરાયલ વિરુદ્ધ ઘણા મોટા હુમલા કરનારા ફુઆદ શુકરની શોધમાં હતા. અમેરિકાએ તેના માથે 40 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. શુકરને માર્યાનો દાવો કરી રહેલી ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે તેણે ઘણા નિર્દોષ લોકોના મોતનો બદલો લીધો છે.
હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકર મજદલ શમ્સ હત્યાકાંડ માટે જવાબદાર હતો. 27 જુલાઈની સાંજે ઉત્તરી ઈઝરાયલમાં એક ફૂટબોલ મેદાનને હિઝબુલ્લાએ ઈરાની ફલક-1 રોકેટથી નિશાન બનાવ્યું હતું. આ રોકેટ હુમલામાં મેદાનમાં રમતા 12 બાળકોના મોત થયા હતા. આ હુમલા બાદ જ ઈઝરાયલે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને હિઝબુલ્લાહને ગંભીર પરિણામોની ધમકી આપી હતી.
ફુઆદ શુકરને આતંકવાદી સંગઠનના નેતાનો નજીકનો સલાહકાર માનવામાં આવતો હતો અને અમેરિકી સરકાર માટે વોન્ટેડ હતો. 2016માં સિરિયામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર મુસ્તફા બદ્રેદ્દીનની હત્યા બાદ ફુઆદ શુકરે તેનું સ્થાન લીધું હતું. 1983માં બેરૂતમાં જ્યાં અમેરિકન અને ફ્રેન્ચ સૈનિકો તૈનાત હતા ત્યાંના બેરેક પરના હુમલામાં લગભગ 300 અમેરિકન અને ફ્રેન્ચ સૈનિકો માર્યા ગયા હતા. ત્યાર બાદ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ફુઆદ શુકરના સ્થાન સુધીની માહિતી માટે 5 મિલિયન ડોલર સુધીના ઈનામની ઓફર કરી હતી.
ફુઆદ શુકરનું હિઝબુલ્લા સાથેનું જોડાણ દાયકાઓ પહેલાનું છે. શુકરે આવા ઘણા આતંકવાદી હુમલા કર્યા, જે હિઝબુલ્લા માટે માઈલસ્ટોન સાબિત થયા હતા. ઈઝરાયલની સેનાએ હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકરને માર્યો હોવાનો દાવો કર્યો છે. ઇઝરાયેલની સેનાએ કહ્યું છે કે તેના ફાઇટર પ્લેન્સે મંગળવારે બેરૂત વિસ્તારમાં ફુઆદ શુકરને મારીને બદલો લીધો હતો. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ફુઆદ શુકર ઈઝરાયલના હુમલામાં ખરેખર માર્યો ગયો છે કે નહીં.
Also Read –