ઈન્ટરવલ

પૃથ્વીના છેડા એવા ઉત્તર ધ્રુવ-દક્ષિણ ધ્રુવ પર જવું છે?

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

માણસને કોઈ સૂચન કરવામાં આવે અને એ સાંભળવાનું બંધ કરી દે એટલે આપણે એને છેલ્લે પાટલે બેસી ગયો એવું કહીએ. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પણ છેલ્લે પાટલે બેઠેલા છે. ઉત્તર ધ્રુવના કેન્દ્રમાંથી તમારે કશે પણ જવું હોય તો દક્ષિણ દિશા તરફ જ જવું પડે અને દક્ષિણ ધ્રુવના કેન્દ્રમાંથી ફક્ત ઉત્તર તરફની દિશામાં જવું પડે.

એવું માનવામાં આવે છે કે અમેરિકાને કોલંબસે શોધ્યું એના પાંચસો વર્ષ પછી વાયા અમેરિકા થઇને ઉત્તર ધ્રુવ તરફ માણસે ગતિ કરવાનો પ્રારંભ કર્યો હતો. એરિક રેન્ડ નામના આયર્લેન્ડના સાહસિકે યેનકેન પ્રકારે ઉત્તર ધ્રુવ પહોંચવાની કોશિશ કરી હતી. નવું જાણવાની ઉત્તેજનાને લીધે યુરોપિયનો ઉત્તર ધ્રુવ તરફ સાહસ કરવા લાગ્યા. વર્ષ ૧૮૨૭માં પહેલીવાર વ્યવસ્થિત પ્રયાસ કરવામાં આવ્યો. એક હદ સુધી ઉત્તર ધ્રુવમાં પ્રવેશ કર્યો પણ ખરાબ હવામાનનો સામનો કરવામાં નિષ્ફળતા મળતાં પ્રયત્ન અડધેથી રોકવામાં આવ્યો. ચાર વર્ષ પછી પોતાને વિશ્ર્વવિજેતા સમજતા બ્રિટિશરોએ પ્રયાસ કર્યો અને અંશત: સફળતાનો પાયો નાખ્યો. ઉત્તર ધ્રુવના કેન્દ્ર ભાગ તરફ બધાને જવું હતું જેમાં કોઈ પણ તરફ જાવ તો દક્ષિણ દિશા તરફ ગતિ થાય. ઉત્તર ધ્રુવના મધ્ય કેન્દ્ર પર પહોંચવા માટે સાહસ થવા લાગ્યા.

અમેરિકન સેનાના અધિકારી રોબર્ટ પિયરીએ ઉત્તર ધ્રુવના કેન્દ્ર તરફ જવા પ્રયાસ કર્યો, પણ એક યા બીજાં કારણોસર નિષ્ફળતા મળી. રોબર્ટ પિયરીએ સતત પ્રયાસ ચાલુ રાખ્યા. વર્ષોના અનુભવ થકી ૬ એપ્રિલ, ૧૯૦૯ના દિવસે સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો. પિયરી સાહેબ દાવો કરે એ પહેલાં ડો.કુક નામના સજજને જણાવ્યું કે આ જગ્યા પર એક વર્ષ પહેલાં હું પહોંચ્યો હતો! આને લઈને વિવાદ થયા કે ત્યાં પહેલું કોણ પહોંચ્યું હશે.

જો કે આવા દાવાઓ પર થયેલા સંશોધન મુજબ ડો કૂકની વાતનો અસ્વીકાર કરવામાં આવ્યો. અમેરિકન પિયરી સાહેબ જ પહેલાં પહોંચ્યા હોવાની વાતને સ્વીકારવામાં આવી.

બીજી તરફ, ઉત્તર ધ્રુવમાં રશિયનોને રસ પડ્યો એ તરફ એક બે ચક્કર માર્યા પછી ત્યાં તરતી લેબોરેટરી વસાવી દીધી. રશિયનોએ પોતાની લેબોરેટરીનો ઉપયોગ ઉત્તર ધ્રુવના કેન્દ્ર પર પહોંચવાનું સાહસ કરવાને બદલે આસપાસના દુર્ગમ વિસ્તારોમાં સંશોધન કામ શરૂ કર્યું. રશિયા સાહસ કરે તો અમેરિકા પાછળ રહે નહીં. અમેરિકાએ વર્ષ ૧૯૬૯ના ઓગસ્ટ મહિનામાં મેકહટ્ટન નામનું વિશાળ ટેંકર તૈયાર કર્યું. આ ટેંકરમાં લગભગ સોએક નાવિક સાથે વૈજ્ઞાનિકો અને પત્રકારોએ બે બરફ તોડવાની બોટ અને હેલિકૉપ્ટર લઇને યાત્રા શરૂ કરી. મેકહટ્ટન ટેંકરને આગળ વધવામાં ઘણી તકલીફો પડી, કેટલીય વાર માર્ગ બદલવો પડ્યો અને દિવસો સુધી બરફમાં ફસાવા છતાં અલાસ્કાના તેલભંડારો માટે માર્ગ શોધી નાખ્યો. લગભગ સોળ હજાર કિલોમીટર ની યાત્રા કરીને બે મહિના પછી પરત આવ્યા. મેકહટ્ટન થકી માર્ગમાં બરફના નમૂનાનો અભ્યાસ કરીને ઉત્તર ધ્રુવ પર સંશોધન માટે નવો માર્ગ ખોલી નાખ્યો.

વર્ષ ૧૯૦૯માં અમેરિકન પિયરી સાહેબે ઉત્તર ધ્રુવ પર ઝંડો ફરકાવ્યો એ જ રીતે બે વર્ષ પછી નોર્વેના આમુંડસેને દક્ષિણ ધ્રુવ પર વિજય પતાકા લહેરાવીને પોતાના દેશનો ઝંડો ફરકાવ્યો. દક્ષિણ ધ્રુવ માટે એક સદીથી સાહસ શરૂ થઈ ગયાં હતાં. બ્રિટિશરો જહાજ લઇને દક્ષિણ ધ્રુવ તરફ ગયાં અને માણસજાત વગરના વિસ્તારમાં અંદરની તરફ ઘણા આગળ વધ્યા હતા.

નોર્વેના આમુંડસેન દક્ષિણ ધ્રુવના કેન્દ્ર સુધી સૌપ્રથમ પહોંચ્યો હતો , જ્યાં કોઈ પણ દિશા તરફ જાવ તો ગતિ ઉત્તર તરફ જ રહે. સ્કોટ નામનો સાહસિક એક દાયકાથી પ્રયાસ કરતો હતો, પણ ધારી સફળતા મળી નહીં. સ્કોટ વર્ષ ૧૯૧૨માં દક્ષિણ ધ્રુવના કેન્દ્ર પર પહોંચ્યો. એ પરત આવતો હતો ત્યારે એનું જહાજ વાવાઝોડામાં ફસાયું. અસહનીય હવામાન તથા પેટ્રોલ- ખોરાકની તંગી વચ્ચે કેમ્પ નજીક પહોંચી ગયો હતો, પણ નસીબે સાથ આપ્યો નહીં અને એ મૃત્યુ પામ્યો.

નોર્વેનો આમુંડસેન નાનકડા જહાજમાં મર્યાદિત સાથીઓ સાથે એક મહિના પહેલાં જ પહોંચ્યો હતો. મૂળે આમુંડસેનનું પ્લાનિંગ ઉત્તર ધ્રુવના કેન્દ્ર શોધવાનું હતું, પણ ત્યાં અમેરિકન પિયરી સાહેબ પહોંચી જતા આમુંડસેન દક્ષિણ તરફ સાહસ કર્યું. આમુંડસેને પોતાના સાથીઓ માટે કૂતરા અને સ્લેજ ગાડીઓની થકી સાહસ શરૂ કર્યું હતું. માર્ગમાં વારંવાર બરફનાં તોફાનો આવતા હોવા છતાં આગળ વધતાં રહ્યા. માર્ગમાં બરફની ખીણો આવતી અને બરફમાં મોટી ફાટ પડેલી હોય. એક કૂતરો તેમાં પડીને મરી ગયો. એક સમયે સ્લેજ ગાડી પડી જતાં વધારાનો સામાન ફેંકી દીધો. વ્હિસ્કી જામ થઇ જતાં કાચ સાથે તોડવામાં આવતી હતી. ૧૪ ડિસેમ્બર, ૧૯૧૧ના બપોરે ત્રણ વાગે અંતિમ પડાવ પર પહોંચ્યા ત્યારે પ્રમાણમાં હવામાન સારું હતું. આ વિષમ સ્થળે સાહસિકોની ટીમે ત્રણ દિવસ માટે કેમ્પ કરીને વિગતે અભ્યાસ કર્યો.

આમ પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને શોધવા અસંખ્ય લોકોએ શહીદી વ્હોરી છે.

માણસની પ્રકૃતિમાં જાતજાતના ભેદ રહેલા છે એવું આ બંને ધ્રુવ વચ્ચે છે. ઉત્તર ધ્રુવનો બરફ કાયમી નથી. સિઝન મુજબ થોડો બરફ પીગળી અને ઠંડીમાં પાછો યથાવત બની જતો હોય છે. દક્ષિણ ધ્રુવના વાતાવરણમાં ઉત્તર જેવું નથી. અહીં બરફ કાયમી છે. ઉત્તર ધ્રુવનો બરફ સમુદ્ર પર છે, જ્યારે દક્ષિણ ધ્રુવમાં નીચે જમીન છે. આ કારણે બંનેની સ્થિતિ વચ્ચે ઘણો ફરક છે. વર્ષોથી બરફ જમા હોવાથી દક્ષિણ ધ્રુવ વધારે ઠંડો છે.

બંનેના ઓઝોન સ્તરમાં ફર્ક છે. માનવે ઊભા કરેલા પ્રદૂષણનો ભોગ આ કુદરતી
સંપદા ન બને એની ભવિષ્યના અસ્તિત્વ માટે કાળજી રાખવી પડશે.

બંને ધ્રુવની વાત આવે એટલે આપણા માટે પેંગ્વિન અને બર્ફિલું રીંછ નજર સામે તરે. બંનેના નિવાસ અલગ અલગ હોય છે. બર્ફિલા રીંછ ઉત્તર ધ્રુવ પર હોય અને પેંગ્વિન દક્ષિણમાં છે. બંનેની જીવન પદ્ધતિ અને ખોરાક મેળવવાની પદ્ધતિ સાવ વિપરીત છે. વૈજ્ઞાનિકો બંને પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતાનો અભ્યાસ કરવા પેંગ્વિન અને રીંછની જીવનશૈલીનો અભ્યાસ કરતા હોય છે.  ઉત્તર ધ્રુવના આસપાસ માનવ સંસ્કૃતિ વિકાસ પામેલી છે. આ વિસ્તારની વસાહતોમાં ટુરિઝમ ડેવલપ છે. જ્યારે  દક્ષિણ ધ્રુવમાં કાયમી વસવાટ શક્ય નથી. બંને વિસ્તારની અલગ ઓળખ એ ઇશ્ર્વરની વિવિધતાનો વિસ્તાર છે. 

માની લો કે બંને ધ્રુવ એક સરખા હોત તો માણસજાત એમાં રસ લેતી ના હોત. ધરતીની વિવિધતાએ સાહસના આકર્ષણમાં વધારો કરતું હોય છે.

વર્ષમાં એક જ વાર સૂર્યોદય અને સૂર્યાસ્ત થતો હોવાથી કવિઓએ અલગ સર્જન કરવું પડત. એક અભ્યાસ મુજબ લાખો વર્ષ પહેલાં દક્ષિણ ધ્રુવ ગરમ વિસ્તાર હતો, પણ સમય જતાં ઠંડો પડી ગયો. ક્રિસમસના બ્રાન્ડ એમ્બેસેડર જેવા સાન્તા ક્લોઝનું વતન ઉત્તર ધ્રુવ છે. યુરોપ અમેરિકા બંને ધ્રુવો પર સાહસ કરે તો એશિયન એટલે કે એક જાપાની ભાઇ નામે શિંજી કજામાએ ઉત્તર ધ્રુવ પર બાઇક લઇને જવાનું નક્કી કર્યું. વર્ષ ૧૯૮૮માં યામાહા બાઇક પર સહાયકોની મદદથી પિસ્તાલીસ દિવસ યાત્રા કરી. દક્ષિણ ધ્રુવ પર બાઈકનો રેકોર્ડ અન્ય કોઇ બનાવે એ પહેલાં શિંજી કજામા ભાઇએ વર્ષ ૧૯૯૨માં સફળ પ્રવાસ કરી આવ્યા. બંને ધ્રુવ પર બાઇક સફારી કરનારા આ જાપાની ભાઇ એકલા જ છે.

પૃથ્વીની સંયુક્ત માલિકીના વિસ્તારમાં ભારત પણ દાયકાઓથી સંશોધન કેન્દ્ર બનાવીને બેઠું છે.

ધ એન્ડ:
અમેરિકાએ અવકાશમાં વર્ષ ૧૯૬૧માં ચિમ્પાઝીને મોકલ્યો હતો, જે સલામત પરત આવતા માણસોને અવકાશમાં મોકલવાનું સાહસ શરૂ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button