મુંબઇના દમદાર મેયર : વીર વિઠ્ઠલભાઈ પટેલ
આજે દોઢસોમી જન્મજયંતી
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
વર્ષ ૧૯૨૪ના ડિસેમ્બર દરમ્યાન આઝાદીના આંદોલન ધીમા પડવા લાગ્યાં હતાં. ચંપારણથી અસહકાર સુધીના આંદોલન ચાલતાં હતાં ત્યારે એવું વાતાવરણ હતું કે નજીકના સમયમાં દેશ આઝાદ થઇ જશે. ગાંધીજી દ્વારા શરૂ કરાયેલ વર્ષ ૧૯૨૧ના અસહકાર આંદોલન જેવા આંદોલનની અસર પણ ઘટતી દેખાતા એ સમયના રાજનીતિના જાણકાર લેખકોએ ગાંધીજીના આંદોલન પર પ્રશ્ર્નાર્થ મૂકીને તેની સફળતા નિષ્ફળતા અંગે વિશ્ર્લેષણ લખવા લાગ્યા હતા. બંને તરફી લખાણોને લીધે અહિંસક આંદોલનની સફળતા માટે લોકોને શંકાઓ થવા લાગી હતી. કમનસીબે ગાંધી જવાબ આપવા માટે હતાં નહીં, ગાંધીજી પોતે બ્રિટિશ સરકારના કેદી તરીકે યરવડા જેલમાં કેદ હતા. આ સમયે બ્રિટિશ સરકારને ભારતમાંથી હાંકી કાઢવાની વાત એક દિવાસ્વપ્ન કે વાહિયાત લાગવા માંડી હતી અને બ્રિટિશ સરકાર પોતાની પકડ દેશ પર મજબૂત કરી રહી હતી. સ્વાભાવિક છે કે સત્તાલાલચુ લોકો સરકારની પડખે સંતાવા લાગ્યા.
ભારત આઝાદીના આંદોલનના પહેલા તબક્કામાં ત્રિભેટે હતું, બ્રિટિશ શાસન ભારતને ફરી જીતી લેવા પ્રયાસ કરી રહ્યું હતું.
પ્રજાની દ્વિધાના સમયનો લાભ લઈ શકાય એ માટે હિંદુસ્તાનના વાઈસરોય લોર્ડ રીડિંગની એક સત્તાવાર મુલાકાત મુંબઈ શહેર માટે ગોઠવાઈ. વાઇસરોયના હસ્તે મુંબઈમાં ભારતના અદ્વિતીય સ્થાપત્ય એવા ગેટ વે ઓફ ઈંડિયાના ઉદ્ઘાટનવિધિનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વાભાવિક છે કે વાઇસરોયના સન્માનમાં ભવ્ય સમારંભો યોજાયા હતા. આ સમારંભમાં ગણમાન્ય નાગરિકો સાથે ભોજન સમારંભો અને સ્નેહ મિલનો યોજાયા હતાં. વાઈસરોયના સન્માન માટે યોજાયેલા સમારંભોમાં પહોંચવા માટે તલપાપડ થતા કેટલાય સજ્જનો અને આગેવાનો આમંત્રણો માટે પડાપડી કરતા હતા.
આપણા પુરાણોની કથામાં કામદેવ થકી અસંખ્ય ચલિત થયા પણ કામદેવનો કોન્ફિડન્સ શિવજી સામે ઓવરકોન્ફિડન્સ સાબિત થયો એ જ ઘટનાનું પુનરાવર્તન મુંબઈમાં જોવા મળ્યું.
મુંબઈના મેયર એવા વિઠ્ઠલભાઈ પટેલે નીડરતા અને હિંમતપૂર્વક અસહકારની જ્યોત જલાવી રાખી. વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈનું મોભાદાર મેયરપદ (મુંબઈનો પ્રથમ નાગરિક) શોભાવતા હતા. આમ તો મેયરે શહેરમાં પધારતા દરેક મહાનુભાવોનું સૌ પ્રથમ સ્વાગત કરવાનો હક્ક અને અધિકાર હતો. એ સમય મુજબ જવલ્લે જ મળતી તક એવી વાઈસરોયના સ્વાગતનો લહાવો મળતો હતો. આવી તક વારે તહેવારે મળતી નથી, આ સ્વાગતમાં વાઇસરોય સાથે પરિચય થાય અને આ પરિચય ભવિષ્યમાં પ્રગતિ માટે ધોરીમાર્ગ બની શકે એવું જાણવા છતાં વિઠ્ઠલભાઈ પટેલ અસહકારની વાત પર ટકી રહ્યા. જીવનમાં મળનારી દરેક શ્રેષ્ઠ સંભાવનાઓ અને લાલચોને ઠોકર મારીને વિઠ્ઠલભાઈ પટેલે પોતાના મળેલા મુંબઈ સરકારના આમંત્રણ પર પ્રત્યુત્તરમાં મુખ્ય સચિવને સખેદ લખી જણાવ્યું કે પરદેશી ધૂંસરીમાંથી રાષ્ટ્રને મુક્ત કરવાનું પોતાના પક્ષનું સ્વપ્ન છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે પક્ષની સ્વીકૃત નીતિ અનુસાર હું વાઇસરોયના સમારંભોમાં ઉપસ્થિત રહી શકીશ નહીં!
સમગ્ર ભારતના વહીવટી વડા અને ઈંગ્લેંડના રાજાના પ્રતિનિધિ ભારતના એ સમયના મુખ્ય શહેરમાં પધારે અને તેના સ્વાગતમાં શહેરનો પ્રથમ નાગરિક જ ગેરહાજર હોય તો કેવું ખરાબ લાગે!
વાઈસરોયનું અપમાન બ્રિટિશ સરકારની નોકરશાહી કેવી રીતે સહન કરી શકે? આથી પડદા પાછળનો દોરીસંચાર શરૂ થયો. કોર્પોરેશનના સરકાર નિયુક્ત સભ્યો પર ફરમાન કાઢવામાં આવ્યા. ઇવન બિનસરકારી પણ સરકારથી અંજાઈ જતા મ્યુનિસિપલ સભ્યોને ઈશારા થયા કે પ્રમુખ ઉપર દબાણ લાવો. કોર્પોરેશનની સભામાં વાઇસરોયના સમારંભમાં હાજરી આપવા અંગે ઠરાવ લાવીને પ્રમુખને આદેશ આપો. મુંબઈના મેયર વિઠ્ઠલભાઈ પટેલને વાઇસરોયના સમારંભમાં હાજરી આપી કોર્પોરેશનની શોભા વધારવા આદેશ આપો. જ્યારે સત્તા તરફથી દબાણ આવે ત્યારે લાભ લેવા ચારેકોર ચક્રો ગતિમાન થયાં, મેયર પર અંગત દબાણો આવ્યાં છતાં મેયર વિઠ્ઠલભાઈ પટેલ અડગ રહ્યા. દરેક સભાસદને ખાતરી થઈ કે કોર્પોરેશનની સભા વગર કોઈ આરો નથી; આથી કોર્પોરેશનની સભા બોલાવવામાં આવી.
સભાની શરૂઆતમાં જ મેયર વિઠ્ઠલભાઈ પટેલે સ્પષ્ટતા કરી કે રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ બજાવવાના અને પોતાના અંતરાત્માના અવાજને માન આપવાના હેતુથી પોતે પગલું ભર્યું છે. વાઈસરોય પ્રત્યે અંગત દ્વેષભાવ નથી.
વિઠ્ઠલભાઈ પટેલ થકી સ્પષ્ટતા સાંભળીને એક સભ્યે કાનૂની મુદ્દો ઊભો કર્યો કે મેયર પરની કાર્યવાહી અંગે ચર્ચા કરવા સભા એકત્ર થઈ છે ત્યારે મેયર જાતે જ પ્રમુખપદ શોભાવી શકે ખરા? કાયદાના તજજ્ઞ મેયર વિઠ્ઠલભાઈ પટેલે ચુકાદો આપ્યો કે આ ક્ષણે મ્યુનિસિપલ નિયમ અને ધારા અનુસાર વર્તન કરી રહ્યા છે અને એ ધારાની જોગવાઈઓનું પાલન કરી રહ્યા છે. મેયરની કાયદાની પકડ અને વકીલાતી ચોકસાઈ એવી હતી કે એમાં વાંધો ઉઠાવવા કોઈની હિંમત ચાલી નહીં. પરિણામે પરચૂરણ સામાન્ય કામકાજ કરી સભા બરખાસ્ત થઈ અને મેયરની હાજરીનો સવાલ વિચારવા અલગ સભા બોલાવાઈ. એ સભામાં મેયર ગેરહાજર રહ્યા અને કોર્પોરેશનની બહુમતીએ ઠરાવ કર્યો કે વાઈસરોયના માનમાં કે એમની મુલાકાતના સંદર્ભમાં ગોઠવાયેલા આ સમારંભોમાં, કોર્પોરેશનનું પ્રતિનિધત્વ સાચવવા મેયરે હાજર રહેવું.
રાજતરફી વલણથી દોરવાયેલા બહુમતી સભ્યોના આ આદેશનો સ્વીકાર કર્યો નહીં.
પોતાની દેશભક્તિને ધ્યાનમાં રાખીને મેયરપદ જઇ શકે છે અને બ્રિટિશ સરકાર ભવિષ્યમાં પરેશાન કરી શકે છે જેવાં જોખમો વહોરીને મેયરે આદેશને અવગણ્યો અને મુંબઈ શહેરના પ્રથમ નાગરિકની ગેરહાજરી સર્વપ્રસંગે વર્તાઈ, એટલું જ નહીં પણ લોકજીભે અને મીડિયાની ચર્ચામાં જોરશોરથી ચઢી. આ અવજ્ઞાથી છંછેડાયેલા, ધુંધવાયેલા ઉચ્ચ અધિકારીઓના ચઢાવેલા પેલા સભ્યો પણ મનોમન ઉશ્કેરાટ અનુભવી રહ્યા હતા અને પ્રમુખશ્રી પ્રત્યે આગામી સભામાં અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરવાનો મનસૂબો સેવતા રહ્યા અને તેની યોજનાઓ બનાવતા રહ્યા.
વાઈસરોયની વિદાયના થોડાજ સમય પછી કોર્પોરેશનની બેઠક બોલાવાઈ એટલે અવિશ્ર્વાસની દરખાસ્તની ગુલામ માનસિકતાવાળા સભાસદોને લાગ્યું કે મેયરને પાઠ શીખવાડવો જોઈએ. મેયરને પાઠ ભણાવવાની તક ગુમાવવી જોઈએ નહીં. વિઠ્ઠલભાઈ પટેલને સમજવામાં સભાસદો ભૂલ કરી રહ્યા હતા, વિઠ્ઠલભાઈને અંદાજ હતો કે સભાસદ અવિશ્ર્વાસની દરખાસ્ત લાવશે, એ માટે તૈયાર હતા.
વિઠ્ઠલભાઈ પટેલ મેયર તરીકે સભાના પ્રમુખસ્થાને બેસવાને બદલે સૌ સભ્યો સાથે મેયરના આસનની સામેની તરફ ગૃહમાં આરામથી બિરાજ્યા. જેમના વિરુદ્ધ ઠરાવ પસાર કરવાનો હતો એ જ વ્યક્તિ પોતાની સાથે બેઠેલી જોઇને સભ્યોનો દાવ ઊલટો પડવા લાગ્યો. હજી તો વિઠ્ઠલભાઈ પટેલના સ્થાનફેરનો આંચકો વિરોધીઓ માટે અણધાર્યો હતો અને તેમને આ આંચકાથી મુક્તિ મળે તે પહેલાં વિઠ્ઠલભાઈએ મ્યુનિસિપલ સેક્રેટરીને સભા સમક્ષ મેયરશ્રી પદ પરથી રાજીનામાનો પત્ર પ્રસ્તુત કર્યો. પત્રમાં ઉલ્લેખ હતો કે, પોતાના વલણની કોર્પોરેશનના સભ્યોને સ્પષ્ટ જાણ હોવા છતાં બહુમતીએ ઠરાવ કર્યો કે મારે વાઈસરોયના સમારંભોમાં હાજર રહેવું તેને હું મારા પ્રત્યેના અવિશ્ર્વાસનું સૂચક લેખું છું. મારા અંતરાત્માના અવાજને માન આપતાં આ સ્થાન ખાલી કરવાની મારી ફરજ સમજું છું. કેટલાક મિત્રોએ મને એવી પણ સલાહ આપી છે કે ઠરાવની તરફદારી કરનાર બહુમતી સાવ નજીવી હોવાથી મારે વિશ્ર્વાસના અભાવને ધ્યાનમાં લેવો જોઈએ નહીં અને મેયર તરીકે મારું કાર્ય યથાવત રાખવું જોઈએ. મારા મિત્રોની સદ્દભાવના બદલ હું એમનો ઋણી છું, પણ મારા પોતાના સ્વમાન ખાતર મારે રાજીનામું આપવું મને વિશેષ પસંદ અને ઉચિત લાગ્યું છે.
અચાનક આપેલા રાજીનામા થકી સભામાં સન્નાટો વ્યાપી ગયો. મેયરના આવા અણધાર્યા પગલાના કારણે જે લોકો મેયર ઉપર હાવી થવા માગતા હતા તેમના સ્વપ્ન અધૂરાં રહી ગયાં.
મેયરે રાજીનામું મુકતાં સભાને પ્રમુખ વગર કેવી રીતે આગળ વધારવી તે એક ટેકનિકલ પ્રશ્ર્ન થઈ ગયો. સભ્યોએ અંદરોઅંદર ગુસપુસ અને મસલતો થયા બાદ એક સભ્યે ઠરાવ મુક્યો કે માજી મેયર જ આજની સભાના પ્રમુખસ્થાને
કામગીરી બજાવે. આ વાતને બહુમતી સાથે ટેકો મળ્યો અને રાજીનામું આપનાર મેયર વિઠ્ઠલભાઈ પટેલ ફરીથી સભાના પ્રમુખસ્થાને બિરાજ્યા. પ્રમુખ તરીકે સ્થાન ગ્રહણ કર્યા પછી જરૂરી કાર્યવાહીના અંતે શાંતિથી સભાનું સમાપન થયું. આ પછી બીજી સભામાં પણ પહેલી સભાની જેમ જ માજી મેયરના પ્રમુખપદે સભાનું કામકાજ સંપૂર્ણ થયું.
૫ જાન્યુઆરી ૧૯૨૫ મેયરની ચૂંટણીની તારીખ આવી. રાષ્ટ્રીય પક્ષના એક સભ્યે દરખાસ્ત કરી કે રાજીનામું આપનાર માજી મેયરને જ પુન: ચૂંટણીમાં પસંદ કરવા જોઈએ. આ દરખાસ્તને અણધાર્યો ટેકો એક સમયે વિઠ્ઠલભાઈ પટેલના વિરોધી કહી શકાય એવા બહેરામજી જીજીભાઈ જેવા સરકારતરફી વલણવાળા સભ્યનો મળ્યો. તેમણે નિવેદન કર્યુ કે વાઈસરોય સમારંભની
ગેરહાજરી અંગે પોતાના અંતરાત્માના અવાજને માન આપી એમણે જે પગલું ભર્યુ તેને બાદ કરતા વિઠ્ઠલભાઈનું એવું કોઈ કાર્ય નથી કે જેનો આદર સૌએ ન કર્યો હોય!
એમની કામ કરવાની ધગશ અને ઢબના કારણે જ તેમને પુન: મેયરપદે ચૂંટવા. એ સમયના બ્રિટિશ સનદી મ્યુનિસિપલ કમિશ્ર્નરશ્રી ક્લેટને પણ જણાવ્યું કે મેયરપદને શોભાવે તેવા સૌ ગુણ, લક્ષણો અને આવડત માજી મેયર એવા વીર વિઠ્ઠલભાઈ પટેલમાં છે, એમની આજદિન સુધીની કાર્યવાહીની સ્પષ્ટ અસરથી માલૂમ થાય કે તેમની નિષ્પક્ષતાપણામાં કોઈ શક કરી શકે તેમ નથી તથા તેમની નિષ્ઠા તરફ ક્યારેય સવાલ થયો નથી.
બહેરામજી અને ક્લેટના અણધાર્યા ટેકાથી પુન: મેયરપદે બહુમતીથી ચૂંટાયા અને એક રીતે કહીએ તો ગુલામ માનસિકતા વચ્ચે અડગ રાષ્ટ્રભકતનો વિજય થયો.
વિઠ્ઠલભાઈ પટેલ વર્ષ ૧૯૨૧માં મહાત્મા ગાંધી અને કૉંગ્રેસની હાકલ થકી ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ અને બાંદરા સુધરાઇના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું હતું. વિઠ્ઠલભાઈ ઇચ્છતા હતાં કે એ સક્રિય રાજકીય ભૂમિકા ભજવે, કૉંગ્રેસ એ સમયે સરકારી હોદ્દા ત્યાગવા જણાવતું હતું પણ લોકશાહી ઢબે પ્રાપ્ત થયેલા હોદ્દા માટે વાંધો હતો નહીં. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પર તેમની નજર હતી પણ સભ્ય બનવા માટે કોઇપણ પ્રકારે વેરો ભરવો જરૂરી હતો. દાણાબજારના પ્રમુખ વેલશીજીએ પોતાની ગાડી વિઠ્ઠલભાઈના નામે ચડાવી દીધી અને ગાડીની વેરા પાવતી મળતા વિઠ્ઠલભાઈ પટેલ માટે મુંબઈ કોર્પોરેશનનો માર્ગ ખૂલી ગયો. દૂરંદેશી વિઠ્ઠલભાઈ પટેલને ખબર હતી કે એકલા હાથે કશું પણ કરવું મુશ્કેલ છે તેથી કૉંગ્રેસના સહયોગથી સ્વરાજ પક્ષ બનાવીને સાડત્રીસ જેટલા સભ્યો કોર્પોરેશનમાં લાવ્યા. જો કે બહુમતીથી દૂર હોવા છતાં હોમી મોદી સામે મેયરપદ માટે ચૂંટણી લડ્યા. એ સમયે અલગ અલગ ધર્મના લોકો વારાફરતી સત્તા પર આવતા પણ આવું બંધારણમાં લખ્યું નથી એ મુદ્દો રજૂ કરીને ચૂંટણી લડ્યા અને હાર્યા. આમ ધર્મના આધારે થતી લાહણી પર પહેલો ઘા કર્યો. વિપક્ષમાં રહીને હોમી મોદીને ચેન પડવા દીધું નહીં. એક સમયે પ્રશ્ર્નોત્તરી દરમિયાન પ્રેક્ષકદીર્ઘા ભરેલી હતી, હોમી મોદી અસ્વસ્થતા અનુભવતા હતા. હોમી મોદીએ પ્રેક્ષકદીર્ઘા ખાલી કરવા અંગે ઠરાવ રજૂ કરતા વિઠ્ઠલભાઈએ વિરોધ કરતાં હોમી મોદીએ શું કરવું જોઈએ એની સમજ પડી નહીં, વિઠ્ઠલભાઈ માનતા કે પ્રજાને કાર્યવાહી જાણવાનો અધિકાર છે, જે છીનવી શકાય નહીં. જો કે વિઠ્ઠલભાઈએ સભા મુલત્વી રાખવાનો પ્રસ્તાવ રજૂ કરીને હોમી મોદીને પાઠ ભણાવવા સાથે મદદ પણ કરી હતી. વિઠ્ઠલભાઈ પટેલની નીડરતા અને સ્પષ્ટ રજૂઆત થકી કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ઘટવા લાગ્યો, શિક્ષણનું સ્તર સુધર્યું. સ્વદેશી આંદોલનના અભિગમ હેઠળ ખાદીનો વપરાશ થાય એવા ઠરાવ પસાર કરાવ્યા. વિઠ્ઠલભાઈની લોકપ્રિયતા થકી ત્રીજી એપ્રિલ, ૧૯૨૪ના રોજ મુંબઈ કોર્પોરેશનના મેયરપદ પર ચૂંટાયેલા જાહેર થયા. મેયર થતાં કોર્પોરેશનની ઓફિસમાં આવીને પોતાની કેબિન અંગે પૃચ્છા કરી. એ સમયે મેયર ઘરમાંથી જરૂરી કામકાજ કરતાં, બાકી સત્તા કમિશ્ર્નર પાસે રહેતી પણ વિઠ્ઠલભાઈ પટેલે યુગ બદલ્યો. કોર્પોરેશનમાં મેયરની ઓફિસ શરૂ કરી અને અધિકારીઓની સત્તા પર કાપ મૂક્યો. મુંબઈગરા વિઠ્ઠલભાઈ પટેલ માટે જી એસ મેડિકલ કોલેજ અને કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલની સ્થાપના માટે ઋણી રહેશે.
એ સમયે ગવર્નરને મુંબઈ કોર્પોરેશન ખાસ આમંત્રિત કરીને એક સમારંભ રાખતું. વિઠ્ઠલભાઈએ સમારંભમાં કેફી પીણાં પર પ્રતિબંધ મૂક્યો અને પ્રજાના ખર્ચે થતાં મોંઘા કાર્યક્રમ રોક્યા. પોતાના નિર્ણયમાં મક્કમ રહી વિરોધીઓને પોતાની કાર્યશક્તિ, કુનેહ અને અક્કલ હોશિયારીથી માત આપીને આજીવન બ્રિટિશ સરકાર અને તેની નોકરશાહીને પોતાના દાવપેચથી નિયંત્રણમાં રાખનાર ભારતના સ્વાતંત્રસંગ્રામના એક અગ્રગણ્ય સેનાની વીર વિઠ્ઠલભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે વંદન. (ક્રમશ:)
ધ એન્ડ :
સ્હેજ હડસેલી ઠેલી ખોલી નાખ,
બંધ જીવતરની ડેલી ખોલી નાખ,
શ્ર્વાસને સાવ છુટ્ટા મેલી દે!
તું હવાની હવેલી ખોલી નાખ.
- મનોજ ખંડેરિયા