સાયબર ક્રાઈમ ટોર્ચર સેલની કમકમાટી ઉપજાવતી વાસ્તવિકતા
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
ક્યારેક મલાડ, મિર્ઝાપુર, મોરબી કે મિદનાપોરમાં કોઈકના બૅન્કના ખાતા સાવ ખાલીખમ થઈ જાય ત્યારે ગુનેગાર નજીક, રાજ્યમાં કે દેશમાં હોતો નથી. હા, આ સાયબર ક્રિમિનલ દૂર-દૂરના દેશમાં બેઠા હોય છે.
સાયબર ક્રાઈમમાં ઓછી કે નહિવત મહેનતે લખલૂંટ કમાણી છે એટલે માફિયાઓની દાઢ ન સળકે તો જ નવાઈ. સાઉથ ઈસ્ટ એશિયામાં મોટે પાયે હ્યુમન ટ્રાફિકિંગ મારફતે સાયબર ક્રાઈમ સામ્રાજ્યનું સંચાલન થાય છે. ફિલિપાઈન્સ, વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, કમ્બોડિયા અને થાઈલેન્ડ સહિતના દેશોમાં ઓર્ગેનાઈઝડ સાયબર ક્રાઈમ નેટવર્ક ચાલે છે. આ દાવા પર શંકા કરવાનું કોઈ કારણ નથી. કારણ ખુદ ઈન્ટરપોલના અહેવાલમાં આવું કહેવાયું છે.
કમનસીબી એ છે કે આ સાયબર ક્રાઈમના સામ્રાજ્યમાં માણસોની ભરતી પણ પાછી ઓનલાઈન કરે અને એમાંય પાછી ઠગાઈ તો ખરી જ. એ કેવી રીતે સોશિયલ મીડિયા પર આકર્ષક પગાર અને સવલત સાથેની નોકરી અને એ પણ વિદેશમાં એવી બનાવટી જાહેરાતો થકી શિક્ષિત અને ટૅક્નો-સેવી યુવાધનને એક ગાજર બતાવે. યુવાન-યુવતીઓ અરજી કરે, નોકરી મળે અને રાજીખુશીથી પહોંચી જાય સપનાં સાકાર કરવા.
પરંતુ સુખ-શાંતિ-સમૃદ્ધિના સપનાને બદલે યાતનાનાં દુ:સ્વપ્નોમાં ભેરવાઈ જાય. આ ૨૨ કોડ ભર્યા જીવો પાસે બળજબરીથી ન કરાવવાનાં કામોમાં નોતરી દેવાય. શરૂઆતમાં તાલીમ આપ્યા બાદ સાયબર ફ્રોડથી લઈને સેક્સટોર્શનના ગોરખધંધામાં નોતરી દેવાય.
અહીં સવાલ થાય કે નોકરીમાંથી રાજીનામું કેમ નથી આપી દેતા? સ્વદેશ પાછા કેમ આવી જતા નથી? એ શક્ય નથી કારણ કે બંધક જેવી અવસ્થામાં રખાય, પાસપોર્ટ જપ્ત કરી લેવાય અને બહારની દુનિયા સાથેના સંપર્ક બંધ કરાવી દેવાય.
આ બધાં સોશિયલ મીડિયા પર ખોટા નામે એકાઉન્ટ ખોલાવીને શિકાર માટે જાળ બિછાવી દે. આમાં ધારી કમાણી ન કરાવી આપે તો અત્યાચાર પણ ગુજારાય. યુવતીઓને ક્યારેક હવસ સંતોષવા સાથે પોર્ન ફિલ્મમાં કામ પણ કરવું પડે.
અને આવા બે, દશ, પાંચસો કે હજાર યુવાન-યુવતી નથી. દસેક લાખ યુવાન-યુવતીઓને ગોંધી રાખીને એમની પાસેથી સાયબર ક્રાઈમ આચરાવાય છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, મલેશિયા અને ચીનના વધુ યુવાન-યુવતીઓ આ જાળમાં સપડાતા હોવાનું બહાર આવ્યું છે.
જરા કલ્પના કરી જુઓ કે જે મા-બાપે પેટે પાટા બાંધીને દીકરા-દીકરીને આઈટી કે કોમ્પ્યુટર એન્જિનિયર બનાવ્યા હોય એ લોકો આમ અચાનક ગાયબ થઈ જાય ત્યારે કેવી ફિકર-વેદના થાય? અને આવી સાયબર કાળ કોટડીમાંથી કોઈ બહાર આવે તો કેટલા સ્વસ્થ રહી શકો. ત્યાં ૧૮-૧૮ કલાક ગધ્ધા વૈતરું કરવાનું હોય, અને આપેલા આંકડાની રકમ ઉસેડી લાવવાની હોય, ત્યારે કોઈ કેવી રીતે શારીરિક કે માનસિક સ્વસ્થતા જાળવી શકે?
આમાં દોષી કોણ? એક તો અદૃશ્ય ખલનાયકો, ને બીજા આપણે.
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
ચાર ગરણે નહિ પણ ચાલીસ ગરણે ગાળીને પાણી ગ્લાસમાં ભરવું અને પછી પીવાનું નહિ. આ સિદ્ધાંતને વાયરલેસ વર્લ્ડમાં અપનાવી લો.