વાહ, નિશાનબાજો દેશનું નામ રોશન કરતા જ રહ્યા છે: મોદી
નવી દિલ્હી: હરિયાણાની બાવીસ વર્ષની શૂટર મનુ ભાકર અને હરિયાણાના જ બાવીસ વર્ષના નિશાનબાજ સરબજોત સિંહે મંગળવારે દેશને શૂટિંગમાં મિક્સ્ડ ટીમનો બ્રૉન્ઝ મેડલ અપાવ્યો એ બદલ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમ જ દેશના ખેલ વર્તુળમાંથી અનેક લોકોએ તેમના પર્ફોર્મન્સને બિરદાવ્યો હતો અને તેમને અભિનંદન આપ્યા હતા.
ખાસ કરીને મનુ ભાકરને સ્પેશિયલ અભિનંદન અપાયા છે, કારણકે તે એક જ ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી આઝાદી પછીની પ્રથમ ભારતીય ઍથ્લીટ બની છે.
મોદીએ એક્સ પર લખ્યું, ‘આપણા નિશાનબાજો આપણને ગૌરવ અપાવતા જ રહ્યા છે. મનુ ભાકર અને સરબજોત સિંહને અભિનંદન. બન્નેએ ગજબનું કૌશલ્ય અને ટીમવર્ક બતાવ્યું છે. ભારત તેમના પર્ફોર્મન્સથી બેહદ ખુશ છે.’
રાષ્ટ્રપતિ મુર્મૂએ લખ્યું, ‘મનુ ભાકર અને સરબજોતને ખૂબ અભિનંદન. મનુ ભાકરે દેશનું ગૌરવ ઘણું વધારી દીધું છે. બન્ને શૂટર ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ હાંસલ કરે એવી શુભેચ્છા.’
સ્પોર્ટ્સ મિનિસ્ટર ડૉ. મનસુખ માંડવિયાએ એક્સ પર લખ્યું, ‘ઑલિમ્પિક્સમાં નવો ઇતિહાસ રચવા બદલ મનુ ભાકરને ખૂબ-ખૂબ અભિનંદન. સરબજોત સિંહને પણ કૉન્ગ્રેચ્યૂલેશન્સ.’
પૅરિસ ઑલિમ્પિક્સનું મેડલ-ટેબલ
દેશ ગોલ્ડ સિલ્વર બ્રૉન્ઝ કુલ
ચીન 6 6 2 14
જાપાન 6 2 4 12
ફ્રાન્સ 5 8 3 16
ઑસ્ટ્રેલિયા 5 4 0 9
સાઉથ કોરિયા 5 3 2 10
અમેરિકા 3 8 9 20
ગ્રેટ બ્રિટન 3 5 3 11
ઇટલી 2 3 3 8
કૅનેડા 2 1 2 5
હૉન્ગકૉન્ગ 2 0 1 3
ભારત 0 0 2 2