‘લાડકી’ બહેનો બનશે ‘અન્નપૂર્ણા’: લાભાર્થીઓને વર્ષમાં ત્રણ ગેસ મફત આપવાની જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બજેટ દરમિયાન ગરીબ કુટુંબની મહિલાઓ માટે ‘અન્નપૂર્ણા યોજના’ જાહેર કરી હતી જે અંતર્ગત પાત્ર મહિલાઓને વર્ષના ત્રણ ગેસ મફત આપવામાં આવશે. જોકે હવે આ યોજનાનો વ્યાપ વધે અને તમામ જરૂરિયાતમંદ મહિલાઓને આ યોજનાનો લાભ મળે એ માટે સરકારે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે.
અન્ન તેમ જ નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે ‘મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના’ માટે પાત્ર ઠરનારી મહિલાઓને પણ વાર્ષિક ત્રણ ગેસ મફત આપવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે લાડકી બહેન યોજના અંતર્ગત વર્ષના 2.5 લાખ રૂપિયા કરતાં ઓછી આવક ધરાવતી મહિલાઓને માસિક દોઢ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
જોકે હવેથી આ યોજનાનો લાભ મેળવતી મહિલાઓ આપોઆપ અન્નપૂર્ણા યોજના માટે પાત્ર ઠરશએ અને તેમને વર્ષમાં ત્રણ વખત ગેસ મફતમાં ફરી ભરી આપવામાં આવશે, એટલે કે ગેસમાં ફરીથી ઇંધણ મફતમાં ભરી અપાશે.
આ પણ વાંચો : થાણે-વસઇ ટનલ પ્રકલ્પ સાડા ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે
મહારાષ્ટ્રમાં વડા પ્રધાન ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ જોડાણ આપવામાં આવ્યું છે. જોકે ગરીબ કુટુંબો માટે બજાર ભાવે ગેસમાં ફરી ઇંધણ ભરવું આર્થિક દૃષ્ટીએ શક્ય હોતું નથી. તેમ જ એક સિલિન્ડરનો ગેસ ખતમ થઇ ગયા બાદ બીજું સિલિન્ડર ઉપલબ્ધ થાય ત્યાં સુધી તેમની પાસે ભોજન રાંધવા માટે સાધન ન હોઇ વૃક્ષના લાકડાં તોડવાની ફરજ પડે છે, જેના કારણે પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંનેનું નુકસાન થાય છે.
આ બાબત સરકારના ધ્યાનમાં આવતા અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારી લાડકી બહેન યોજનાનો લાભ મેળવનારી મહિલાઓને પણ તેમાં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી