આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણે-વસઇ ટનલ પ્રકલ્પ સાડા ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે

મુંબઈ: થાણેના ઘોડબંદર ખાતેની ટ્રાફિકની સમસ્યા દૂર કરી વસઇ-ભાયંદર પ્રવાસ વધુ ઝડપી બનાવવા માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ)એ ગાયમુખ-થાણેથી ફાઉન્ટેન હોટેલ જંકશન-વસઇ સુધી ટનલ તથા ફાઉન્ટેન હોટેલ જંકશનથી ભાયંદર સુધી એલિવેટેડ રસ્તો બાંધવાનો નિર્ણય લીધો છે.

આ માટે એમએમઆરડીએએ રૂ. ૨૦,૦૦૦ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે, જેમાં પ્રકલ્પની ડિઝાઇન અને બાંધકામનો સમાવેશ થાય છે. આ કામ માટે અંદાજે સાડા ચાર વર્ષનો સમય લાગશે.

આ પણ વાંચો: ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટની ટ્વિન ટનલના કામનું વડાપ્રધાન મોદીના હસ્તે શનિવારે ભૂમિપૂજન

ઘોડબંદર ખાતે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે. ઘોડબંદરથી વસઇ અથવા ભાયંદર સુધી રસ્તો બાંધવા માટે જગ્યા જ ઉપલબ્ધ નથી. સંજય ગાંધી નેશનલ પાર્ક, થાણેની ખાડી અને ડુંગરિયાળ વિસ્તારને કારણે રસ્તો બનાવવો શક્ય જ નથી, તેથી ગાયમુખથી ફાઉન્ટેન હોટેલ સુધી ટનલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ટનલને આગળ એલિવેટેડ માર્ગ દ્વારા ભાયંદર સુધી લઇ જવામાં આવશે.

ગાયમુખથી ફાઉન્ટેન હોટેલ નાકા સુધીની ટનલ ૫.૫ કિલોમીટર સુધીની હશે, જ્યારે ફાઉન્ટેન હોટેલથી ભાયંદર એલિવેટેડ માર્ગ ૧૦ કિ.મી.નો હશે. આ બન્ને પ્રકલ્પ માટે અંદાજે રૂ. ૨૦,૦૦૦ કરોડનો ખર્ચ થશે. ટનલમાં ચાર લેન હશે, જ્યારે એલિવેટેડ માર્ગ છ લેનનો હશે. એમએમઆરડીએ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યો છે અને ઇચ્છુક કંપનીએ ૧૬ ઓગસ્ટ સુધી ટેન્ડર રજૂ કરાવવાનું રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button